જવાનઃ વન નેશન, વન ઈમોશન

આજથી બે વર્ષ પહેલાં હિંદી સિનેમાના સુપરસ્ટાર શાહરુખ ખાનના બેટા આર્યન ખાનની ડ્રગ્ઝના મામલે અરેસ્ટ થઈ. પચીસ દિવસ બાદ એ કાળકોટડીમાંથી બહાર આવ્યો. આ પચીસ દિવસ અને તે પછી શાહરુખના કાન ફાડી નાખતા મૌન વિશે, એણે દાખવેલી ગરિમા વિશે દેશઆખો ઈમ્પ્રેસ થયેલો. હવે એ પ્રકરણ ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે, અને એ કેવળ એક તરકટ હતું એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે શાહરુખને થયું, હવે (‘જવાન’માં) ડાયલોગ બોલવામાં વાંધો નહીં- “બેટે કો હાથ લગાને સે પેહલે બાપ સે બાત કર”. તો ફિલ્મની ક્લાઈમેક્સમાં એ લોકશાહી વિશે, વોટની તાકાત વિશે, દેશના નેતા બનવા ઈચ્છુકને સવાલો પૂછવા વિશે, જાત-પાત-ધરમને ઈગ્નોર કરવા વિશે એક મોનોલોગ પણ ઠપકારે છે. આપણને થાય કે, શું શાહરુખ 2024માં ચૂંટણીમાં ઊભો રહેવાનો છે કે?

ચાર સુપરહિટ તમિળ ફિલ્મ સર્જનાર ડિરેક્ટર ઍટલીની ‘જવાન’ ફિલ્મ નથી. બલકે ત્રણેક કલાકની વેબસિરીઝ છે. નાના નાના એક પછી એક એપિસોડ્સ આવતા જાય છે, યાદદાશ્ત ચાલી જવી, રોબિનહૂડ, લવસ્ટોરી, ખેડૂતોની આત્મહત્યા, મિલિટરીનું એક ખૂફિયા સશસ્ત્ર દળ, એ બહાદુર સિપાઈના જાન જોખમમા મૂકતાં અણીના સમયે ન ચાલતાં ફૉલ્ટી હથિયાર, દેશની માંદી સરકારી હૉસ્પિટલ, ઉફ્ફ… હાંફી જવાય.

-અને આ બધા એપિસોડ્સ-સીન્સ જોઈને થાય કે યાર, આ તો આપણે અનેક ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ. અને બધા એપિસોડમાં ઈમોશન એક જ છેઃ સરકાર સામે, સિસ્ટમ સામે ગુસ્સો ગુસ્સો ગુસ્સો. એક હીરો વિક્રમ રાઠોડ (શાહરુખ ખાન) મરવાની અણી પર છે, પણ ભારતની નૉર્ધર્ન સરહદ પર કોઈ એક ગામના અનુભવી વૈદ એને બચાવી લે છે. ભાનમાં આવ્યા પછી યાદદાશ્ત ગુમાવી દેનાર હીરો પૂછે છેઃ “મૈં કૌન હૂ”? પછી જ્યારે ગામ પર આફતનો પહાડ તૂટી પડે છે ત્યારે બચી ગયેલો હીરો ગામવાસીઓની વહારે આવે છે.

આ કહેવાતા ધમાકેદાર ઓપનિંગનાં 30 વર્ષ બાદ પ્રેક્ષક એક વિચિત્ર-ટાઈપના આઝાદ રાઠોડને (શાહરુખ ખાનને) જુવે છે. ટાલિયો, મજાકમસ્તી કરતો, સરકાર સામે સતત વ્યંગબાણ તાકતો આઝાદ વરસોવા-ઘાટકોપરની મેટ્રો ટ્રેનને હાઈજૅક કરે છે. આમાં એને સાથ આપે છે છ ફાયરબ્રાન્ડ માનુનિ (સાન્યા મલ્હોત્રા-પ્રિયમણિ, વગેરે). આમાંની અમુકની દર્દભરી દાસ્તાન છે. એ જ ટ્રેનમાં ટીનએજનર આલિયા છે, જે દુનિયાના ચોથા નંબરના શસ્ત્રના વેપારી કાલી ગાયકવાડ (વિજય સેતુપતિ, સુપર્બ)ની દીકરી છે. આ આઝાદ રાઠોડ ઍક્ચ્યુઅલી હાઈ-સિક્યોરિટીવાળી મહિલા જેલનો જેલર છે, પણ દેશની પ્રજાને ન્યાય અપાવવા એ ક્યારેક એથિકલ ટેરરિસ્ટ બની જાય છે. જેમ કે બૅન્કલોનના બોજ તળે દબાયેલા ગરીબ ખેડૂતોની લોન ભરપાઈ કરવા એણે મેટ્રો હાઈજૅક કરી છે. પવિત્ર ઉગ્રવાદી આઝાદની શરત છે કે એ વાટાઘાટ કરશે તો માત્ર ટોચની બહાદુર પોલીસ અફ્સર નર્મદા (નયનતારા) સાથે જ. અને નેગોશિયેશન્સ દરમિયાન આઝાદ એને એક હિંદી સિનેમાનું સોંગ ગાવા કહે છે…

ફિલ્મડિરેક્શનના પાઠ ‘જેન્ટલમૅન’, ‘નાયક’, ‘રોબો’ તથા ‘2.0’ જેવી ફિલ્મોના સર્જક એસ. શંકર પાસેથી ભણનાર ઍટલીની ખાસિયત છેઃ ક્યારેય એક ફિલ્મમાંથી લેવાનું નહીં. 3-4 ફિલ્મની વાર્તામાંથી એક વાર્તા બનાવવાની, તમિળ સુપરસ્ટાર (બહુધા વિજય) લેવાનો, અને મોટા કૅન્વાસ પર રજૂ કરવાની. મસ્સાલેદાર મનોરંજક ફિલ્મ બનાવવાની આ છે એની રેસિપી. આ પહેલાંની એની ચારેય ફિલ્મ- ‘મર્સેલ’, ‘બિગીલ’, ‘થેરી’, ‘રાજા રાની’ (કૉપીરાઈટના) વિવાદમાં સપડાઈ છે. એની મોટા ભાગની ફિલ્મો હીરોની મલ્ટિપલ આઈડેન્ટિટીવાળી છે. ‘મર્સીલ’માં ત્રણ વિજય હતા, ‘બિગીલ’માં બે.

 

હવે ‘જવાન’ની વાત કરીએ તો સરખાવો એને ‘આખરી રાસ્તા’ અને ‘શેહનશાહ’ સાથે. ‘જવાન’નો રોબિનહૂડ હીરો (જેલર શાહરુખ ખાન) સરકાર તથા માફિયા-ટાઈપ બિઝનેસમૅન (વિજય સેતુપતિ) પાસેથી અબજો રૂપિયા લઈને ગરીબ ખેડૂતોને આપે છે, જેમને અન્યાય થયો છે એમને ન્યાય અપાવે છે, સરકારી હેલ્થ સિસ્ટમ સુધારે છે. ટીનુ આનંદની ‘શહેનશાહ’માં અમિતાભનાં બે સ્વરૂપ છે. પાન ચાવતો કોમિક ઈન્સ્પેક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ અને પિતા (કાદર ખાન)ના મોત તથા એમની પર લાગેલા કરપ્ટ પુલીસ અફસરનો ડાઘ મિટાવવા નીકળેલો શેહનશાહ એટલે કે ઈન્સ્પેક્ટર વિજય, જે ઈન્સ્પેક્ટરનો યુનિફૉર્મ ઉતારી ગરીબ મઝલૂમોને ન્યાય અપાવે છે.

-અને ઓ હેલ્લો, જે લોકો જવાનના દિલધડક ઍક્શન સિક્વન્સીસની દુહાઈ દે છે એમને કહેવાનું કે વીએફએક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કળિયુગમાં આ બધું ટેબલ પર તૈયાર થાય છે. અલબત્ત, એવું નથી કે એ ચપટી વગાડતાં કે કમ્પ્યુટર પર અમુક કી-કમાન્ડ આપતાં બની જાય છે. એક્સપર્ટીઝ તો લાગે છે. ઍટલીને આ માટે માર્ક્સ આપવા પડેઃ એણે મૉડર્ન ટેક્નોલોજીની સાથે દેશની સળગતી સમસ્યા અને પાછલી ફિલ્મનું થોડું થોડું લઈને, શાહરુખ ખાન-વિજય સેતુપતિ-નયનતારા-સુનીલ ગ્રોવર (મહેમાન કલાકાર દીપિકા પદુકોણ), વગેરે સાથે મળીને મિડિયોકર, પણ મસાલેદાર-એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી. ફિલ્મ ઈન્ટરવલ પહેલાં ધમધમધમ ભાગે છે, પણ પછી લાં…બો ફ્લૅશબૅક ગતિ મંદ પાડે છે, પછી ફરી અચાનક દોડવા લાગે છે. અનિરુદ્ધ રવિચંદરે ઍક્શન સિક્વન્સીસને અનુરૂપ ઈમ્પ્રેસિવ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સર્જ્યું છે, પણ ગાયનોમાં કશોય ભલીવાર નથી.

ધી એન્ડઃ ટિપિકલ સાઉથ ઈન્ડિયન ફૉર્મ્યુલાથી બનાવેલી, લૉજિકથી કરોડો માઈલ દૂર, દર પાંચમી મિનિટ “અરે યાર, આવું તે કંઈ હોતું હશે”ની યાદ અપાવતી, તથા કોઈ પણ જાતની નૉવેલ્ટી વગરની ફિલ્મ જો તમારો ટેસ્ટ હોય અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ- શાહરુખ ખાનના ડાઈ હાર્ડ ફૅન હોવ તો જજો જોવા જવાન.