હાલ હિંદી સિનેમાના મહાન શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે, એમની વિવિધ ફિલ્મોની, વિવિધ લોકો, વિવિધ વાતો કરી રહ્યા છે. આર.કે.ની ક્લાસિક ફિલ્મોની પંક્તિમાં બેસનારી એક ફિલ્મ એટલે ‘જાગતે રહો.’ આ ફિલ્મમાં આપણી ભાષાના તેજસ્વી એક્ટર-ડિરેક્ટર કૃષ્ણકાંત ભૂખણવાળા એટલે સ્વ. કે.કે. પણ હતા. કે.કે. સાથે સુરતના એમના નિવાસસ્થાને અવારનવાર લીધેલી મુલાકાતોમાંની એકમાં એમણે ‘જાગતે રહો’ના એમના અનુભવ વર્ણવેલા. તમે પણ મમળાવોઃ
૧૯૫૫માં રાજ કપૂરે એકસાથે હિંદી-બંગાળી ભાષામાં બનનારી આગામી ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી. બંગાળીના પ્રખ્યાત નાટ્યકાર-દિગ્દર્શક-અભિનેતા શંભુ મિત્રા અને અમિત મૈત્ર ફિલ્મો ડિરેક્ટ કરશે. ફિલ્મનાં શીર્ષકઃ ‘જાગતે રહો’ (હિંદી) ‘એક દિન રાત્રી’ (બંગાળી).
વાર્તા આટલી જઃ શહેરમાં નવાસવા આવેલા એક ગામડિયા (રાજ કપૂર)ને તરસ લાગે છે. પીવાનું પાણી શોધવા એ ફાંફાં મારતો હોય છે. આવી હરકતના લીધે એને ચોર ધારી લેવામાં આવે છે. પાછળ પડેલા ટોળાથી બચવા એ ગભરાઈને એ શહેરના એક મહોલ્લામાં મોટા મકાનની ઓરડીઓમાં સંતાતો ફરે છે. આ રીતે એને મુંબઈ (અને કલકત્તા)નાં નગરજનો તથા એમની અસલિયતનો પરિચય થાય છે.
વાર્તા ટૂંકી, પણ પાત્રો બેશુમાર હતાં, જે માટે હિંદી-બંગાળી બોલી શકતા હોય એવા એક્ટરોને પહેલાં પસંદ કરવામાં આવ્યા. ડિરેક્ટરોએ જાતે કલાકારો ફાઈનલ કર્યા. કે.કે.ની પસંદગી પણ થઈ. આ માટે એમને (બંને ભાષાની ફિલ્મોમાં કામ કરવાના) માત્ર ૬૦૦ રૂપિયા ઓફર થયા. રકમ બહુ ઓછી હતી, પણ આર.કે.નું બૅનર હતું. વળી બે-ત્રણ દિવસનું જ શૂટિંગ હતું એટલે કે.કે.એ હા પાડી દીધી.
‘જાગતે રહો’ અને ‘એક દિન રાત્રી’માં રાજ કપૂર, નરગિસ ઉપરાંત મોતી લાલ, પહાડી સાન્યાલ, છબિ બિશ્વાસ, પ્રદીપકુમાર, સુમિત્રાદેવી, નાના પલસીકર, ઈફ્તખાર, કિશન ધવન, ડેઝી ઈરાની, વગેરે હતાં. લેખન હતું ખ્વાજા અહમદ અબ્બાસનું. “જિંદગી ખ્વાબ હૈ,” “જાગો મોહન પ્યારે,” “મૈં કોઈ જૂઠ બોલ્યા,” જેવાં શૈલેન્દ્ર-પ્રેમ ધવને લખેલાં ગીતોને સંગીતથી સજાવ્યાં સલિલ ચૌધરીએ.
બંને ભાષાની ફિલ્મનાં સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ થવાનાં હતાં. મુંબઈ-કલકત્તાનો માળો, માળાની રૂમો, પરસાળ, વગેરેના સેટ્સ આર.કે. સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યા, જે જોવા લોકોનાં ટોળેટોળાં આવતાં. કે.કે. તથા અન્ય કલાકારોના સીન એમની રૂમના સેટમાં શૂટ થયા. બાકીનાં દૃશ્ય દસ માળની બિલ્ડિંગના આગલા ભાગ (ફ્રન્ટ)નો સેટ લાગે ત્યારે લેવાનાં હતાં, પણ…
…પણ અચાનક ‘જાગતે રહો’નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું. કોઈને કંઈ ખબર નપડી. એકાદ મહિનાના વિરામ બાદ કે.કે. તથા બીજા કલાકારોની ફરી તારીખો લેવામાં આવી. શૂટિંગના દિવસે કે.કે. જ્યારે આર.કે. સ્ટુડિયો પહોંચ્યા તો એમનાં દશ્યોવાળો સેટ ફરીથી ઊભો કરવામાં આવ્યો હતો. બધા સીન નવેસરથી શૂટ કરવાના છે. શું કામ? કંઈ ખબર નહીં. કે.કે.ને ટેન્શન થયું કે શું એમનાથી કંઈ ભૂલ થઈ હશે? પણ શૂટિંગ વખતે તો ડિરેક્ટરો શંભુ મિત્રા-અમિત મૈત્રે કહેલું “કામ સરસ થયું છે.” તો પછી રિ-શૂટ શું કામ? મેકઅપ કરીને કે.કે. સેટ ૫૨ ગયા ત્યાં રાજ કપૂર પણ હતા. એમણે એટલું જ કહ્યું, “કે.કે.જી, આપકે સીન ફિરસે શૂટ કરતે હૈ.”
-અને અગાઉ જેટલું શૂટિંગ થયું હતું તે બધું કચરાટોપલીમાં પધરાવી રાજ કપૂરે નવેસરથી શૂટ કર્યું. ડિરેક્ટરો શંભુ મિત્રા-અમિત મૈત્ર શૂટિંગ દરમિયાન એક ખુરશી પર બેસી રહ્યા. પહેલાં શૂટ થયેલા સીનથી રાજ ખુશ નહોતા એવું બની શકે.
ફિલ્મમાં બધા જ સીન રાતના હતા એટલે શૂટિંગ રાતે ૯થી સવારે ૫ સુધી ચાલતું. કે.કે. સહિત મોટા ભાગના કલાકારો મુંબઈના પશ્ચિમી પરામાં રહેતા એટલે ખાસ્સે દૂર, ચેમ્બુરમાં આવેલા આર.કે. સ્ટુડિયો જવા-આવવા રાજ કપૂરે બસની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત આગતાસ્વાગતા, નાસ્તા-ભોજન-ચા-કોફીનું પણ ધ્યાન રાખવામાં આવતું.
જોતજોતાંમાં કે.કે.નું બે-ત્રણ દિવસને બદલે ૨૦ દિવસ શૂટિંગ ચાલ્યું. અંતે શૂટિંગ પૂરું થયું ને ફિલ્મ રિલીઝ થઈ. આ એક વેગળા વિષયની ફિલ્મ હતી, સામાજિક નિસબતવાળી ‘જાગતે રહો’ને ટિકિટબારી પર સફળતા ન મળી, પણ ચેકોસ્લોવાકિયાના પ્રતિષ્ઠિત ‘કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં એને ગ્રાં પ્રિ એવૉર્ડ મળ્યો. સોવિયેત બૉક્સ ઓફિસ પર એણે ઘણો સારો કહેવાય એવો બિઝનેસ કર્યો. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે એની કદર થતાં અહીંના ફિલ્મપ્રેમીમાં કુતૂહલ જાગ્યું અને એ ક્લાસિકની હરોળમાં બિરાજી.
કે.કે. એમની આત્મકથામાં (સંપાદનઃ બિરેન કોઠારી) નોંધે છેઃ “વ્યક્તિગત હિસાબ માંડું તો નક્કી થયેલા છસ્સો રૂપિયા વસૂલ કરવા જતાં મારા બા૨સો રૂપિયા ખર્ચાઈ ગયેલા, પણ રાજ કપૂરના દિગ્દર્શનમાં કામ કરવાનો અનુભવ યાદગા૨ ૨હ્યો.”