હમારી ચાર…વિવાદાસ્પદ ફિલ્મનો મહિનો!

હિંદી સિનેમાના ઈતિહાસમાં કદાચ આ પહેલો એવો બનાવ હશે, જ્યારે એક જ સમયે એક નહીં, બે નહીં, પણ ચાર- ચાર ફિલ્મોએ વિવાદ જગાવ્યો. આ ફિલ્મો છેઃ ‘મહારાજ’, ‘હમારે બારહ’, ‘શાદી કા ડિરેક્ટર કરણ જોહર’ અને ‘જેએનયુ’. નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે કોર્ટમાં જઈને બબલુસિંહ દિગ્દર્શિત ‘શાદી કા ડિરેક્ટર કરણ જોહર’ની રિલીઝ અટકાવી. તો ‘યશરાજ ફિલ્મ્સ’ની ‘મહારાજ’ સામે અમુક પુષ્ટિમાર્ગી વૈષ્ણવોએ વાંધો ઉઠાવ્યો છે.

1861ના મુંબઈમાં 28 વર્ષી કપોળ વૈષ્ણવ કરસનદાસ મૂળજી નામના સુધારાવાદી, તેજસ્વી પત્રકારે પોતાના સામયિક ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રવર્તમાન અમુક કુરીતિઓ, અંધશ્રદ્ધા વિશે લેખ લખેલા. તે વખતે, ધર્મગુરુ જદુનાથ મહારાજે એક લેખને કેન્દ્રમાં રાખી કરસનદાસ તથા ‘સત્યપ્રકાશ’ છાપનાર મુદ્રક નાનાભાઈ રુસ્તમજી રાણિના પર મુંબઈ હાઈ કોર્ટમાં પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો કરેલો, જે ‘મહારાજ લાયબલ કેસ’ (અથવા ‘મહારાજ બદનક્ષી કેસ’) તરીકે ઓળખાયો. બ્રિટિશ જજે 1862ના એપ્રિલમાં કેસનો ચુકાદો આપ્યો, જેમાં કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા. તેમને કેસ લડવાનો આશરે તેર હજાર રૂપિયા ખર્ચ થયેલો, એમાંથી 11,500 જદુનાથ મહારાજ પાસેથી મળે એવો હુકમ કર્યો. અમુક મહારાજોને દંડ પણ કરેલા.

આશરે 162 વર્ષ પહેલાં થયેલા આ કોર્ટ-કેસ પર પત્રકાર-લેખક સૌરભ શાહે ‘સત્યપ્રકાશ’ના અંકો મેળવીને, જદુનાથ મહારાજની પાંચમી પેઢીના વંશજ બાલકૃષ્ણલાલજી મહારાજને મળીને, સઘન રીસર્ચ બાદ નવલકથા લખીઃ ‘મહારાજ’. નવલકથાને 2017માં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પારિતોષિક એનાયત થયેલું. આ જ પુસ્તક પરથી સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મ બનાવી છે, જે 14 જૂને નેટફ્લિક્સ ઉપર રજૂ થવાની હતી, પણ વચ્ચે કોર્ટકેસમાં રિલીઝ અટવાઈ અને છેલ્લા સમાચાર પ્રમાણે હવે હાઇકોર્ટે એના પરથી સ્ટે હટાવી લીધો છે અને રિલીઝનો માર્ગ મોકળો થયો છે. ‘મહારાજ’માં આમિર ખાનના બેટા જુનેદ ખાને પત્રકાર કરસનદાસની ભૂમિકા ભજવી છે, જ્યારે જયદીપ અહલાવત બન્યો છે મહારાજ. નવાઈ એ વાતની છે કે 1862માં જે ઘટના ઘટી, જેના વિશે કોર્ટ-કેસ થયો એ વિષય પર બનેલી ફિલ્મ સામે વાંધો કેવી રીતે ઉઠાવી શકાય? બીજી ગમ્મત એ કે વાંધો ઉઠાવનારા અનેક લોકોએ ‘મહારાજ’ પુસ્તક વાંચ્યું જ નથી. એ તો છોડો, વિવાદ શું એનીયે ગતામગમ નથી. એક સજ્જને એવું નિવેદન કર્યું કે “મહારાજની રિલીઝ પર માત્ર ગુજરાતનાં થિએટરો જ નહીં, બલકે દેશભરનાં થિએટર પર પ્રતિબંધ મુકાવો જોઈએ”. ભલાદમી, આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થવાની જ નથી, આ તો ઓટીટી પર રિલીઝ થવાની છે.

મારી વાત કરું તો, નવલકથા ‘મહારાજ’ મેં વાંચી છે, એના પરથી જેનું મંચન થયું એ ગુજરાતી નાટક પણ જોયું છે. એટલું કહી શકાય કે નવલકથા કે નાટક વૈષ્ણવસંપ્રદાય કે સનાતન હિંદુ ધર્મ વિરુદ્ધ નથી.

બીજી ફિલ્મ છેઃ કમલ ચંદ્ર દિગ્દર્શિત ‘હમારે બારહ’, જેના કેન્દ્રમાં છે મુસ્લિમસમાજની પિતૃસત્તાત્મક વ્યવસ્થા. પુરુષોની તુલનામાં સ્ત્રીને ઓછી આઝાદી તથા રૉકેટઝડપે વધતી વસતી તથા એના લીધે ઉદભવતી સમસ્યા. આમાં ઈસ્લામિક માન્યતાની ખોટી રજૂઆત થઈ છે એવી ફરિયાદના આધારે કોર્ટે રિલીઝ પર બ્રેક લગાવી હતી, પણ એ હવે રિલીઝ થઈ ગઈ છે.

તો વિનય શર્માની ‘જેએનયુ- જહાંગીર નેશનલ યુનિવર્સિટી’ પણ રિલીઝ થઈ છે. દેશની પ્રખ્યાત, પણ વિવાદાસ્પદ યુનિવર્સિટીમાં સૌરભ શર્મા (સિદ્ધાર્થ બોડકે) ઍડમિશન મેળવે છે. થોડા સમયમાં એ જુએ છે કે કૅમ્પસ પર અમુક ડાબેરી, નક્સલ વિચારસરણીવાળા વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાડે છે. સૌરભ દેશવિરોધી લાગતા આવા વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. અત્યંત ટૂંકી દષ્ટિથી બનેલી આ ફિલ્મમાં કશો ભલીવાર નથી. ન્યુબૉર્ન બેબી પણ કહી શકે કે આ ફિલ્મ પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પર આધારિત છે. મુશ્કેલી એ છે કે આટલી પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં બનેલા છૂટાછવાયા પ્રસંગો પર કૅમેરા ગોઠવીને એના ભવ્ય ભૂતકાળને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આમાં બેસ્ટ છેઃ વિજય રાઝ અને રવિ કિશન. બન્ને પોલીસ અધિકારી છે, જેમને યુનિવર્સિટીમાં બનેલી અમુક ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. બન્ને વચ્ચેનો સંવાદ 150 મિનિટની આ ફિલ્મની હાઈલાઈટ બની છે. એવી જ રીતે પીયૂષ મિશ્રાની ટૂંકી ભૂમિકા અને એનું સોંગ પ્રભાવી છે.

જે લોકો નિયમિત બદામનું સેવન કરે છે એ આ ફિલ્મ જોઈને એનાં પાત્રોનો ઓળખી પાડશે. જો કે કોર્ટે સ્ટુડન્ટમાંથી રાજકારણી બનેલા કન્હૈયા કુમાર, ઍક્ટિવિસ્ટ ઉમર ખાલિદ, પત્રકાર રવિશ કુમાર, ન્યુઝ ચેનલ ‘એનડીટીવી’ તથા અમુક રાજકીય નેતા, સંસદસભ્યના રેફરન્સ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે. વિનય શર્માએ ડિરેક્ટ કરેલી ‘જેએનયુ’ સરેરાશથી યે ઊતરતી કક્ષાની ફિલ્મ છે.