સલામત રહે બોલિવૂડ કા દોસ્તાના…

દુનિયાઆખીના મનોરંજનપ્રેમીઓનો પ્રિય ટીવી-શો ‘ફ્રેન્ડ્સ’ (F.R.I.E.N.D.S)નો હમણાં એક સ્પેશિયલ રિયુનિયન એપિસોડ આવ્યો. જો ‘ફ્રેન્ડ્સ’ વિશે તમે જાણતા હશો તો તમને આ વાંચવાની મજા આવશે. જો કંઈ નથી જાણતા તો વધારે મજા આવશે.

‘ફ્રેન્ડ્સ’ એ અમેરિકાનો એક બેહદ પૉપ્યુલર ટીવી-શો છે. 1994ના સપ્ટેમ્બરથી 2004ના મે સુધીમાં આ સિટકૉમ અથવા સિચ્યુઍશનલ કૉમેડીની દસ સીઝન અથવા દસ અધ્યાય પ્રસારિત થયા છે. કુલ 236 એપિસોડ્સ. સિરિયલની વાર્તા ન્યૂ યૉર્કમાં રહેતા છ પાકંપાકા દોસ્તદારોની આસપાસ ફરે છે. રૅચેલ-મોનિકા-ફિબી-રૉસ-ચૅન્ડલર-જૉય. સ્વભાવમાં છ-એ-છ એકબીજાથી જુદા, પણ સૌને એકસૂત્રે બાંધતી કડી છેઃ દોસ્તી.

ગયા અઠવાડિયે પ્રસારિત થયેલા ‘ફ્રેન્ડ્સ’ના રિયુનિયન એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું કે એક લાંબા અરસા બાદ છ સખાસહિયારા ફરી મળ્યાં, ને એમાં ઉમેરાયો સાતમો દોસ્ત. કોણ છે એ સાતમો ફ્રેન્ડ? રિયુનિયન એપિસોડમાં એ શું કરે છે? આ એપિસોડ છે કેવો? વગેરે વગેરે જણાવીને મારે તમારી મજા બગાડવી નથી. ‘ઝીફાઈવ’ પર જઈને જાતે જ જોઈ લો. અહીં વાગોળવી છે હિંદી સિનેમામાં રજૂ થયેલી કેટલીક મજેદાર બીએફએફ (બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર) ફિલ્મો… કેમ કે રોમાન્સ, રિવેન્જ અને મેળામાં ખોવાયા પુનઃ મળ્યાથી લઈને પ્રેમીનાં કુટુંબ વચ્ચેની દુશ્મનાવટ જેવા વિષયની જેમ જ ફ્રેન્ડશિપ એ હિંદી સિનેમાસર્જકોનો પ્રિય વિષય રહ્યો છે. સત્યેન બોઝની બ્લૅક ઍન્ડ વ્હાઈટ ‘દોસ્તી’ (“મેરી દોસ્તી મેરા પ્યાર…”) અને ડિરેક્ટર પ્રેમજીની ‘દોસ્ત’ (ધર્મેન્દ્ર-શત્રુઘ્ન સિંહા)થી લઈને ‘શોલે’ અને ‘છિછોરે’ જેવી ફિલ્મોમાં મહાન મૈત્રી જોવા મળી છે.

દોસ્તી વિશેની ઘણી ફિલ્મમાં બે હીરો એક જ હીરોઈનને ચાહતા હોય ને પછી એક બલિદાન આપે એવી વાર્તા પણ જોવા મળે. ક્લાઈમૅક્સમાં કાં તો એક હીરો પોતાની પ્રેમિકાનો હાથ દોસ્તના હાથમાં મૂકતાં મૂકતાં શ્રીજીચરણ પામે અથવા શહેર છોડીને જતો રહે, વગેરે.

-અને અમેરિકન ટીવી-શો ‘ફ્રેન્ડ્સ’ના રિયુનિયન એપિસોડ અથવા મિત્રોનું ફરી ભેગા થવું એની જેમ ઝોયા અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં ત્રણ દોસ્તદારો વર્ષો બાદ સ્પેનમાં ભેગા થાય છે તો 2019માં આવેલી ‘છિછોરે’માં મુંબઈ આઈઆઈટીમાં ભણતા છ-સાત મિત્રો ભેગા થાય છે હૉસ્પિટલમાં. માયા-અનિરુદ્ધ (શ્રદ્ધા કપૂર-સુશાંતસિંહ રાજપૂત)ના મરણપથારીએ પડેલા કિશોરવયના દીકરા રાઘવ (મોહમ્મદ સામદ )ને નવજીવન આપવા.

જો કે મારે અહીં વાત કરવી રિયુનિયન વિશેની એક સરસ સંસ્કારી ફિલ્મ વિશે, જેનું નામ છે ‘હમ ચાર.’ સંસ્કારી એટલા માટે કેમ કે એ ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ની ફિલ્મ છે. ‘છિછોરે’ની જેમ ‘હમ ચાર’ પણ 2019માં જ આવી. યાદ હોય તો, ‘હમ ચાર’ આવેલી ફ્રેબ્રુઆરીમાં, જ્યારે ‘છિછોરે’ સપ્ટેમ્બરમાં. આ ફિલ્મમાં પણ કૉલેજમાં સાથે ભણતા ચાર પ્લેટોનિક ફ્રેન્ડ્સ વર્ષો બાદ ફરી ભેગા થાય છે હૉસ્પિટલમાં. ચારમાંથી એક ફ્રેન્ડ મંજરી (સિમરન શર્મા)નો હસબંડ સિરિયસ છે અને બાકીના ત્રણ આ કપરા સમયમાં મંજરીના સપોર્ટમાં આવ્યા છે.

ફિલ્મ ન ચાલવા વિશેની બે કમજોર કડી હતીઃ અધકચરું લેખન અને પ્રચારનો સદંતર અભાવ. અધૂરામાં પૂરું એ જ અરસામાં રિલીઝ થનારી અક્ષયકુમારની ‘કેસરી’ બધી પબ્લિસિટી લઈ ગઈ. જો કે આપણા માટે આનંદની વાત એ કે એમાં મૂળ રાજકોટના પ્રીત કામાણીની મુખ્ય ભૂમિકા હતી. આ પ્રતિભાશાળી ગુજરાતી ઍક્ટર રીતસરનો છવાઈ ગયેલો. ગુજરાતીની વાત નીકળી છે તો માતૃભાષામાં બનેલી ફિલ્મોના નવા ફાલમાં ‘બેયાર,’ ‘છેલ્લો દિવસ’ અને ‘કરસનદાસ પે ઍન્ડ યુઝ’માં યારી-દોસ્તી-દિલદારીને મસ્ત દર્શાવવામાં આવી છે.

હિંદી સિનેમાની ટૉપ ટેન દોસ્તી

  • શોલે
  • રૉક ઑન
  • રંગ દે બસંતી
  • દિલ ચાહતા હૈ
  • કાઈપો છે
  • 3 ઈડિયટ્સ
  • યે જવાની હૈ દીવાની
  • ઝિંદગી ના મિલેગી દોબારા
  • છિછોરે
  • હમ ચાર

 

(કેતન મિસ્ત્રી)