1975 હિંદી સિનેમાના ઈતિહાસમાં મહત્વનું વર્ષ છે. આ જ વર્ષના એપ્રિલમાં ‘ચૂપકે ચૂપકે’ આવી જ્યારે ઑગસ્ટમાં આવી ‘શોલે’. મારા જેવા ફિલ્મપ્રેમી માટે ‘ચૂપકે ચૂપકે’ એ કૉમેડી ‘શોલે’ છે. આવતા મહિને ‘ચૂપકે ચૂપકે’ એની રિલીઝના 46મા વર્ષમાં પ્રવેશશે. ડિરેક્ટર હિષિકેશ મુખર્જીએ 1971ની સુપરહિટ બંગાળી ફિલ્મ ‘છદ્મબેષી’ પરથી ‘ચૂપકે ચૂપકે’ બનાવેલી. મૂલ બંગાળી ફિલ્મમાં મહાન ઍક્ટર ઉત્તમ કુમાર હતા, જેમની ભૂમિકા ધર્મેન્દ્રએ ભજવી. શૂટિંગ શરૂ કરતાં પહેલાં હિષિકેશ મુખર્જીએ ધર્મેન્દ્રને બંગાળી ફિલ્મ જોવાની ભલામણ કરેલી, પણ એમણે ના પાડેલી. એમની દલીલ હતી કે પછી મારી પર મૂળ ફિલ્મની અસર જ વર્તાયા કરે.
બૉટનીના પ્રોફેસર પરિમલ ત્રિપાઠી (ધર્મેન્દ્ર) અને સુલેખા (શર્મિલા ટાગોર) બન્યાં છે નવદંપતિ. લગ્ન બાદ પ્રોફેસર ત્રિપાઠી ડ્રાઈવર પ્યારે મોહન અલાહાબાદી બનીને મુંબઈ જાય છે સાઢુભાઈ બેરિસ્ટર રાઘવેન્દ્ર પ્રકાશ શર્મા (ઓમ પ્રકાશ)ને ત્યાં. પોતાની જગ્યાએ એ ઈન્ગ્લિશ લિટરેચરના પ્રોફેસર સુકુમાર સિંહા (અમિતાભ બચ્ચન)ને મોકલે છે. જેમને પરિમલ ત્રિપાઠી માની બેસેલી વસુધા (જયા બચ્ચન) એમની આગળ બૉટની શીખવવાની જિદ પકડે છે. ઈન્ટરેસ્ટિંગ હકીકત એ કે ‘શોલે’ના દો છટે હુએ બદમાશ જય-વીરુ આ ફિલ્મમાં પ્રકાંડ પંડિત, આધ્યાપક બન્યા હતા.
આશરે દસ લાખ રૂપિયાના બજેટવાળી ‘ચૂપકે ચૂપકે’નું શૂટિંગ એક મહિનામાં આટોપી લેવામાં આવેલું. સોટી લઈને વર્ગમાં આવતા કડક શિક્ષકની જેમ હિષિકેશ મુખર્જી સમયપાલન, શિસ્તના એટલા આગ્રહી કે ‘વન-ટુ-થ્રી-ફૉર સા રે ગા મા’ સોંગના પિક્ચરાઈઝેશન વખતે મોડા પડ્યા તો સમય બચાવવા એક અંતરાની બાદબાકી કરી નાખી. ધર્મેન્દ્રએ બહુ આજીજી કરી, પણ એ ટસના મસ થયા નહીં. હાલ જેની રિલીઝના પચાસ વર્ષની ઉજવણી થઈ રહી છે એ ‘આનંદ’ના શૂટિંગ વખતે એક દિવસ રાજેશ ખન્ના મોડા પડ્યા. હિષિદા કંઈ બોલ્યા નહીં, પણ એ મેકઅપ કરીને સેટ પર આવ્યા ત્યારે હિષિદાએ પૅક-અપની જાહેરાત કરી દીધી. મતલબ એ દિવસે શૂટિંગ કર્યા વગર રાજેશ ખન્ના ઘેર પાછા ગયા. બીજા દિવસથી સુપરસ્ટાર સમયસર આવવા માંડ્યા.
ફરી ‘ચૂપકે ચૂપકે’ની વાત કરીએ તો, ફિલ્મમાં પોતાના સાઢુભાઈને ત્યાં થોડા દિવસ ગમ્મત માટે ડ્રાઈવર પ્યારે મોહન ઈલાહાબાદી બનેલા પરિમલ ત્રિપાઠી વધુપડતું શુદ્ધ હિંદી બોલીને એમના દિમાગની નસ ખેંચે છે. ભાષા પર કમાલનો કાબૂ ધરાવતા ધર્મેન્દ્રએ સાફ હિંદી અસ્ખલિત બોલીને ઓમ પ્રકાશને અચંબિત કરી મૂકેલા. ફિલ્મના અનેક રત્ન સમા સંવાદોમાંનો એક ધર્મેન્દ્રના મોઢા મૂકવામાં આવેલો આ સંવાદ છેઃ “અંગ્રેજી બડી હી અવૈજ્ઞાનિક ભાષા હૈ…” કાકા-કાકી-મામા-મામીમાં કોઈ અંતર જ નહીં? બધાં જ અંકલ-આન્ટી? સાડાચાર દાયકા પહેલા લખાયેલા આ સંવાદ વિશે અત્યારે વિચારતાં થાય કે આ કેટલું સાચું છે.
એક તબક્કે પ્યારે મોહન જાણે જીભ ઝલાતી હોય એમ અચકાઈ અચકાઈને ઉર્દૂ બોલવા માંડે છે. ગુસ્સે ભરાયેલા બેરિસ્ટર રાઘવેન્દ્ર આ વિશે પૂછતાં એ (પ્યારે મોહન) જવાબ આપે છેઃ “ગુસ્સે મેં નાચીઝ હકલાતા હૈ ઔર સાથ સાથ ઉર્દૂ ભી બોલને લગતા હૈ…” એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ કહેલું કે આ સંવાદ સેટ પર મેં જ વિચારી કાઢેલો.
ફિલ્મમાં ધર્મેન્દ્ર-અમિતાભ-શર્મિલા-જયા, વગેરે પાસેથી હિષિદાએ કમાલનું કામ કઢાવ્યું. જો કે મુખ્ય કલાકારો ઉપરાંત ‘ચૂપકે ચૂપકે’માં કેશ્ટો મુખર્જી, ઉષાકિરણ, ડેવિડ, ઓમ પ્રકાશ, અસરાની, વગેરે જેવા અન્ય કલાકારોએ પણ કમાલનું કામ કર્યું. આ જ તો હિષિદા જેવા સર્જકની કમાલ છે. સબળ પાત્રાલેખન અને દરેક પાત્ર માટે કલાકારની પસંદગી એવી કે આજે 45 વર્ષ પછી પણ ‘ચૂપકે ચૂપકે’ વારંવાર જોવી ગમે છે.
(કેતન મિસ્ત્રી)