બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સના ફ્રેન્ડની વિદાય…

સ્વરના જાદુગર અમીન સયાણીને જન્મ આપનારાં કુલસુમબહેન સ્વાતંત્ર્યસેનાની અને શિક્ષણશાસ્ત્રી હતાં. 1940થી 1960 સુધી એમણે શિક્ષણને લગતું ‘રાહબર’ નામનું પખવાડિક દેવનાગરી-ઉર્દૂ અને ગુજરાતીમાં પ્રકાશિત કર્યું. જ્ઞાનનો પ્રસાર કરવાની સૌથી અસરકારક યોજના, ‘ઈચ વન ટીચ વન’ અથવા ‘પ્રત્યેક જણ એક જણને શિક્ષણ આપે’ એ સ્લોગન આપણને બધાને ખબર છે, પણ એના મૂળમાં કુલસુમબહેન સયાણી હતાં એ કેટલાને ખબર હશે? સન 1900માં જન્મેલાં કુલસુમબહેનના પિતા ડૉ. રજબ અલી પટેલ એટલે મહાત્મા ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદના પર્સનલ ફિઝિશિયન.

આવી માતાની કૂખે જન્મ લેનારા અમીનભાઈનો અવાજ “બહેનોં ઔર ભાઈઓ, મૈં આપકા દોસ્ત, અમીન સયાની” જે પ્રજાએ નથી સાંભળ્યો એમને ખ્યાલ પણ નહીં હોય કે ગીતો વગાડવાને સતત બોલબોલ કરતા આજના કર્કશ રેડિયો જૉકીની પહેલાં અમીનભાઈ અને એમના સમકાલીન રેડિયો ઉદઘોષકોનો એક સુવર્ણયુગ ભારતમાં હતો. બુધવારે (22 ફેબ્રુઆરીએ) 91 વર્ષની વયે અમીનભાઈનું અવસાન થયું.

પ્રગતિશીલ કચ્છી ખોજાપરિવારમાં 21 ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ જન્મેલા અમીન જાનમોહમ્મદ સાયાણીનો થોડાં વર્ષ પહેલાં હું ‘ચિત્રલેખા’ માટે ઈન્ટરવ્યુ લેવા ગયેલો ત્યારે મને એમણે કહેલુઃ “તમે મારી અટક સયાણી લખજો, સયાની નહીં.” દોઢ કલાક અમારો વાર્તાલાપ ગુજરાતીમાં જ ચાલેલો. જૂના જમાનાની વાતો, ખાસ તો હિંદી સિનેમા વિશેની વાતોનો ખજાનો હતો.

કુલસુમબહેન-જાનમોહમ્મદભાઈના ત્રણ દીકરાઃ હમીદ-હબીબ-અમીન. મુંબઈની પ્રતિષ્ઠિત ‘ન્યૂ એરા સ્કૂલ,’ ગ્વાલિયરની ‘સિંધિયા સ્કૂલ’માં ભણીને મુંબઈની સેન્ટ ઝેવિયર’ર્સ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થનારા અમીનભાઈને રેડિયોજગતમાં લાવ્યા એમના મોટા ભાઈ હમીદ સાયાણી, જે પોતે બેજોડ રેડિયો બ્રૉડકાસ્ટર હતા. ‘બૉર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ’ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો. ૧૯૭૫માં એમનું અકાળ અવસાન થતાં નાના ભાઈ અમીનભાઈએ એ કાર્યક્રમ સંભાળ્યો. દૂરદર્શનના આગમન પહેલાં અમીન સાયાણી ફિલ્મોની પબ્લિસિટી રેડિયો પર કરતા. ‘રોટી કપડા ઔર મકાન’, ‘શોલે’ જેવા ફિલ્મકાર્યક્રમ તો એક-એક વર્ષ ચાલેલા.

(Aminbhai Kulsumben Hamidbhai)

જો કે અમીનજીની વિશેની વાતનો ઉપાડ ‘બિનાકા ગીતમાલા’ સાથે જ થાય. સતત ૪૧ વર્ષ ચાલેલો, અસીમ લોકપ્રિયતાને વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ ૨૦૦૧માં ‘વિવિધ ભારતી’ પરથી ‘સિબાકા ગીતમાલા’ના નામે ફરી શરૂ થયેલો. ૧૯૫૨ની આખરથી ૧૯૫૩ના અંત સુધી અડધો કલાકનો ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘રેડિયો સિલોન’ પરથી પ્રસારિત થતો. એમાં સાત ગીત પ્રસારિત થતાં. ૧૯૫૪થી બિનાકાએ કાર્યક્રમનું સ્વરૂપ બદલ્યું અને અમીનજીએ સંગીતસીડી અથવા પાયદાન શરૂ કરી.

રેડિયોપ્રોગ્રામ બિનાકા માટે અમીનભાઈને અઠવાડિયાના પચીસ રૂપિયા મળતા, જેમાં કાર્યક્રમ તૈયાર કરવાનો, શ્રોતાના હજારો પત્રો ચકાસવા પડતા. મારા ઈન્ટરવ્યુ દરમિયાન એમણે એક ઈન્ટરેસ્ટિંગ માહિતી આપતાં કહેલું કે, “બાળકોના એક લોકપ્રિય રેડિયો પોગ્રામ ‘ઓવલટિન કી ફુલવારી’  માટે મને દર અઠવાડિયે રોકડ રકમ નહીં, પણ ‘ઓવલટિન’નો એક ડબ્બો મળતો.” ‘ઓવલટિન’ એ બચ્ચાંઓ માટેનું શક્તિવર્ધક મિલ્ક ડ્રિન્ક એ જમાનામાં બાલકપ્રિય હતું.

પહેલાં ‘બિનાકા ગીતમાલા’ ને પાછાળથી ‘સિબાકા ગીતમાલા’ બનેલા રેડિયો કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે ફિલ્મસંગીતકારની ફી ગીતમાલા પર કોણ કેટલું લોકપ્રિય છે એના આધારે નક્કી થતી. યાદ હોય તો, ‘અભિમાન’ ફિલ્મમાં એક સીનમાં સિંગર (અમિતાભ બચ્ચન)નો સેક્રેટરી (અસરાની) પોતાના બૉસનું ગીત ગીતમાલામાં કયા નંબર પર વાગે છે એના આધારે પ્રોડ્યુસર પાસે પૈસા માગે છે. એ અરસામાં અનેક નાનાંમોટાં શહેરના બગીચામાંનાં લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ વહેતો. ૧૯૬૦ના અરસામાં ૨૦ કરોડથી વધુ શ્રોતા ગીતમાલાના હતા, કારણ કે ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી આરબ દેશોથી લઈને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ગીતમાલાનાં ધ્વનિમોજાં પહોંચતાં. તે વખતે રેડિયો ખરીદનાર ગ્રાહકની પ્રથમ શરત એ રહેતી કે એમાં રેડિયો સિલોન પકડાવું જોઈએ.

આટલો જબરદસ્ત પૉપ્યુલર કાર્યક્રમ રેડિયો સિલોન પરથી શરૂ થવાનું કારણ એ હતું કે ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર ભારતના પહેલા ઈન્ફર્મેશન-બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર, ચુસ્ત શાસ્ત્રીય સંગીતપ્રેમી બાલકૃષ્ણ કેસકરે ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ પરથી ફિલ્મગીતના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ માનતા કે ફિલ્મગીતો અશ્ર્લીલ અને ભારતીય સંસ્કૃતિવરોધીનાં છે. પરિણામે ગીતમાલા તથા અનેક ફિલ્મકાર્યક્રમ રેડિયો સિલોન પરથી પ્રસારિત થતા.

આ તરફ બિનાકા ટૂથપેસ્ટની ઉત્પાદક સીબા કંપનીને રેડિયો સિલોનની લોકપ્રિયતા ચેક કરવી હતી. કાર્યક્રમ શરૂ થયો એના પહેલા અઠવાડિયે 10,000 પત્રો મળ્યા. ત્રણ અઠવાડિયાંમાં તો એ કાર્યક્રમનું લોકોને  ઘેલું લાગી ગયું. ૧૯૮૯માં બિનાકા ગીતમાલાને પચીસ વર્ષ પૂરાં થયાં ત્યારે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં એનો મોટો કાર્યક્રમ યોજાયેલો. દેશમાં ટીવીના આગમન બાદ અમીનજીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા.

1958માં અમીનભાઈનાં લગ્ન રેડિયો બ્રૉડકાસ્ટર રમા મટ્ટુ સાથે થયેલાં. દંપતીના પરિવારમાં એક દીકરો રાજીલ અને પુત્રવધૂ ક્રિશન જ્યોતિ છે.

ઈશ્વર અમીનભાઈના આત્માને પરમ શાંતિ અને સયાણીપરિવારને એમની વિદાયનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.