થોડા સમય પહેલાં એક મોટા ગજાના ડિરેક્ટર સાથે અમસ્તી વાતચીત ચાલી રહી હતી. ટોક-વિધન-ટોકમાં કોઈ બીજા
દિગ્દર્શકનો નામોલ્લેખ થયો, જેમનો અમુકે વિવાદ થયેલો, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા એ ડિરેક્ટરના ટેકામાં એમની તરફેણમાં બોલતા, અમુકે એમની વિરુદ્ધ મોરચો માંડતાં કહેલું કે “એ તો છે જ એવો… વાતે વાતે ત્રાગાં કરનારો.” અમુક મભમ બોલતા. મેં પેલા મોટા ગજાના ડિરેક્ટરને પૂછ્યું કે “આ અથવા આવા કોઈ પણ મુદ્દે તમે ક્યારેય કોઈ જ સ્ટેન્ડ લેતા નથી. એમ કેમ?”
તો એ કહે “કોઈ જ સ્ટેન્ડ ન લેવું, ચૂપ રહેવું એ પણ એક રીતે સ્ટેન્ડ જ છેને?”
વીતેલા થોડા દિવસો દરમિયાન એક્ટર કાર્તિક આર્યન વિશે ઈન્ટરનેટ પર જાતજાતની વાતો ફરતી થઈ. લોકોએ બેફામ બનીને એના વિષે ફાવે તે લખ્યું. કોઈ સગીર વયની યુવતી સાથે એનું નામ જોડવામાં આવ્યું. પછી તો આ વિષયે ગંભીર આરોપો લગાડવાની જાણે રેસ લાગી. ઈન્ટરનેટ પર બનીબેઠેલા જાસૂસો પોતપોતાના દાવા, પોતપોતાની થિયરી લઈને આવ્યા.

આ ઘટનાનું ઝડપી રિ-રન જોઈએ તો, કાર્તિકે ગોવાના દરિયાકિનારા પરની પોતાની એક તસવીર એના સોશિયલ મિડિયા પર શૅર કરી. ઈન્ટરનેટની પ્રજાએ તરત એ તસવીરને યુકેની એક યુવતી સાથે જોડી કાઢી. એવો દાવો કરવામાં આવ્યો કે કાર્તિક અને તે અન્ડર એજ યુવતી સાથે હતાં. પછી તો એક યુવતીનો પ્રોફાઈલ શૅર થવા લાગ્યો. કાર્તિક એ કન્યાને ઈન્સ્ટાગ્રામ પર ફૉલો કરે છે એની સાબિતી આપતો સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યો. તે પછી તરત બીજો સ્ક્રીનશોટ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે કાર્તિકે એ અકાઉન્ટને અનફૉલો કરી દીધું છે.
લોકોએ એ યુવતીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની પાછળ પડી ગયા. જૂની તસવીરો ખોળી એની ઉંમર શોધવાનો પ્રયાસ કર્યો. એ આધારે નક્કી કરી નાખ્યું કે તે સગીર છે. હદ તો ત્યારે થઈ, જ્યારે કોઈએ એ યુવતીની પોસ્ટ પર કમેન્ટ કરીઃ “કાર્તિક આર્યનથી દૂર રહેજે… એ સારો માણસ નથી.”
પેલી યુવતીએ જવાબ આપ્યો: “હું કાર્તિકની ગર્લફ્રેન્ડ નથી.”
કાર્તિક કે એની ટીમે આ આરોપોનો કોઈ જવાબ આપ્યો નહીં. સામાન્ય રીતે સેલેબ્રિટીઓ આવી બાબત વિશે ખૂલેઆમ કંઈ ન બોલે તો પણ ઈન્સ્ટાગ્રામ પર તડ ને ફડ અથવા સાંકેતિક ભાષામાં પોતાની વાત કહી દેતી હોય છે. કાર્તિક તરફથી આવું કંઈ જ કરવામાં આવ્યું નહીં.
આ ચર્ચામાંથી બે વાત સ્પષ્ટ થાય છે. પહેલીઃ લોકોએ જાતતપાસ કરી, જાતે જ ચુકાદો આપી દીધો. આ કહાણી સાથે જોડાયેલાં પાત્રો શું કહે છે, તેનો જવાબ આવવા સુધી રાહ જોવાની જરૂર પણ સમજાઈ નહીં. બીજીઃ કાર્તિકના ફૅન્સનો દાવો છે કે એને ટાર્ગેટ કરવા માટે નેગેટિવ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એમનું કહેવું છે કે અમુક અભિનેતાઓ દ્વારા કાર્તિકને ખરાબ ચીતરવા આવું મિશન ચલાવવામાં આવે છે. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું સત્ય ત્યાં સુધી બહાર નહીં આવી શકે, જ્યાં સુધી કાર્તિક તરફથી સત્તાવાર નિવેદન ન આવે.
આ ઘટના કાર્તિક આર્યનની જેટલી છે, એટલી જ આપણી ઈન્ટરનેટ સંસ્કૃતિની પણ છે. આજકાલ એક તસવીર, એક સ્ક્રીનશૉટ, ફૉલો-અનફૉલો પરથી માણસના વ્યક્તિત્વને વિટનેસ બૉક્સમાં ઊભું કરી દેવામાં આવે છે. પછી એ સેલેબ્રિટી હોય કે સામાન્ય યુવતી. મોબાઈલ બની જાય ન્યાયાધીશ. એક ક્લિકમાં અભિપ્રાય, એક શૅરમાં ચુકાદો, એક કમેન્ટમાં ચરિત્રહનન. આ જ છે આજની ગંદી રમત.

સૌથી ખતરનાક વાત એ છે કે આ બધું સુચિંતા કે ન્યાયના નામે થાય છે. હકીકતમાં તો આ ઉતાવળ, અર્ધસત્ય અને સંવેદનશીલતાના અભાવનું પરિણામ છે. જ્યાં સુધી સત્ય સામે ન આવે, ત્યાં સુધી મૌન રહેવું પણ જવાબદાર વલણ હોઈ શકે, જે પેલા મોટા ગજાના ડિરેક્ટરે મને કહેલું. કોઈ જ વલણ ન લેવી, પણ સોશિયલ મિડિયા પર આ મુશ્કેલ છે.
હવે તો આ ગંદી રમત તસવીર કે સ્ક્રીનશોટ પૂરતી સીમિત રહી નથી. ડીપફેક વિડિયો જેવી ખતરનાક ટેક્નોલોજીએ ચારિત્ર્યહનનને નવી, વધુ ભયાનક સપાટી આપી છે. કોઈનો ચહેરો ઉઠાવી બીજાના શરીર પર ચોંટાડો, અવાજની નકલ કરો. બસ, થોડી સેકન્ડમાં એવો વિડિયો તૈયાર થઈ જાય છે, જેને જોઈને આંખો પણ ભ્રમિત થઈ જાય. એક સમયે અફવા મોઢેથી મોઢે ફેલાતી. આજે એ HD ક્વૉલિટી વિડિયો સાથે ફેલાય છે. દુખદ સત્ય એ છે કે ઈન્ટરનેટની ટોળકીને હવે સત્ય કરતાં સનસનાટી વધારે આકર્ષે છે. આપણે જોઈ રહ્યા છીએ એ સત્ય છે કે બકવાસ? એ ચકાસવાની તસદી લીધા વિના એને આગળ મોકલી દે છે.
કાર્તિક આર્યનની ઘટનાને આપણને માત્ર સેલેબ્રિટી ગૉસિપ તરીકે નહીં, પણ એક ચેતવણી તરીકે જોવી જોઈએઃ જો આજે આપણે મૌન રહીશું તો કાલે કોઈ પણ વ્યક્તિ એક ડીપફેક ક્લિપનો શિકાર બની શકે છે. જો આજે અટક્યા નહીં, તો એ સમય દૂર નથી જ્યારે સત્યનો નહીં, પણ વાયરલ જૂઠાણાંનો જ વિજય થશે.
ટેક્નોલોજી જેટલી ઝડપે આગળ વધી રહી છે, એટલી જ ઝડપે આપણો વિવેક, સંયમ અને માનવીય સંવેદના પણ આગળ વધવાં જોઈએ નહીતર, સ્ક્રીન પરનાં જૂઠાણાં અને વાસ્તવિક જીવનનો વિનાશ એ વચ્ચેનું અંતર ઘટતું જ જશે.
-અને ઓ હેલ્લો, આ કોઈ એક અભિનેતાની વાત નથી. આવતી કાલે કોઈના પણ સ્ક્રીનશૉટ પર કન્ટેન્ટ બની શકે છે.




