અંજલિ અને દેવને પ્યાર હતો, પણ દેવ ગરીબ હતો એટલે અંજલિ સાથે એનાં લગ્ન પોસિબલ નહોતાં. પછી અંજલિનાં લગ્ન અમીર લડકા રામ સાથે લેવામાં આવ્યાં. લગ્નનાં બે વર્ષ પછી દેવ-અંજલિ ફરી મળ્યાં ત્યારે એક સમયના ટોટલ નિર્ધન દેવની ટોટલ ઍસેટ હતી પાંચસો કરોડ રૂપિયા.
આજકાલ શિલ્પા શેટ્ટી-સુનીલ શેટ્ટી અને અક્ષયકુમારવાળી, ડિરેક્ટર ધર્મેશ દર્શનની ‘ધડકન’ ચર્ચામાં છે કેમ કે એની રજૂઆતને 21 વર્ષ થયાં. તે સમયે આ ફિલ્મ જોઈને મને દેવ પર બહુ માન ઊપજેલું કે અંજલિ અને એના પરિવારને બતાવી આપવા માળો હાળો બે વર્ષમાં ધનાઢ્ય બની ગયો. આજે સવાલ થાય છે કે દેવનું બિઝનેસ મૉડેલ શું હતું કે એણે બે વર્ષમાં પાંચસો કરોડ બનાવી લીધા? શું એને એ વખતે જ બટાટામાંથી સોનું બનાવતું મશીન મળી ગયું હશે? કે પછી 730 દિવસમાં 50 (પૈસા)ના 500 કરોડ કરી આપનારું કોઈ મળી ગયું હશે? જો કે ‘ફિર હેરાફેરી’માં આ જ અક્ષય-સુનીલ અને પરેશ રાવલે 21 દિવસમાં પૈસા ડબલ કરી આપનારી ‘લક્ષ્મી ચીટ ફંડ’માં ટોટલ લૉસ કરેલો.
જો કે અમુક અંશે આ રહસ્ય મેં શોધ્યું છે, પણ એ વાત પછી… પહેલાં તમે આ વાંચોઃ ઘણા એવા હિંદી સિનેમા આપણે જોઈએ છીએ, જેમાં હીરો ને એના બાપદાદાનો શું ધંધો હોય છે એ જ ખબર પડતી નથી. ‘નસીબ’ પિક્ચરમાં ગોવિંદા કારમિકેનિકમાંથી અચાનક બિઝનેસ ટાયકૂન બની જાય છે. ‘સ્વર્ગ’માં એ નોકરમાંથી હિંદી ફિલ્મનો સુપરસ્ટાર બની જાય છે, ‘અવતાર’માં અમીરમાંથી ગરીબ બનેલો અવતારકિશન (રાજેશ ખન્ના) કારએન્જિન માટે કોણ જાણે કેવું કાર્બોરેટર બનાવે છે કે રાતોરાત કરોડપતિ બની જાય છે. કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’માં યશવર્ધન રાયચંદ (અમિતાભ બચ્ચન)નો કોણ જાણે શું બિઝનેસ હતો તે ઘરનાં હેલિકોપ્ટર ને મહેલ હતાં. એણે મોટા દીકરા રાહુલને પરિવાર-મિલકતમાંથી નોખો કર્યો તોયે બેટો પત્ની-સાળી અને દાયણ સાથે લંડનમાં સૅટલ થઈ ગયો, ત્યાં એણે મિલિયન્સ પાઉન્ડ બનાવ્યા. હા, યશ ચોપરાની ‘ત્રિશૂલ’માં મિસ્ટર આરકે ગુપ્તાનું કન્સ્ટ્રક્શનનું કામકાજ છે.
હવે ‘ધડકન’નું રહસ્ય. દેવનું બિઝનેસ મોડેલ જાણવા (અને આ લખવા) ગઈ કાલે ફરીથી ‘ધડકન’ જોઈ તો એમાં દેવ અંજલિને કહે છેઃ
“મૈં રોજ ચલતા થા, ચલતે ચલતે થક જાતા થા… ગિરતા થા, ઉઠતા થા, જખમ ભરતે થે… લહુ નિકલતા થા… ફિર ઉઠ કર ચલતા થા… ફિર તુમ્હારી આવાઝ સૂરજ કી કિરન કી તરહ મેરે દિલ ઔર દિમાગ સે ચીર કર નિકલતી થી ઔર કહેતી થીઃ એક કદમ ઔર દેવ, એક કદમ ઔર… ઔર ઈસ તરહ મૈંને 50 સે 500 કરોડ કા સફર તય કિયા”.
તો આમ વાત છેઃ જીવનમાં પૈસા કમાવા સાચો પ્યાર થવો જોઈએ. એટલું જ નહીં, પ્યારમાં નિષ્ફળતા પણ મળવી જોઈ. મને તો લાગે કે બિઝનેસ સ્કૂલના અભ્યાસક્રમમાં દેવનું બિઝનેસ મોડેલ હોવું જોઈએ. યાદ છે, પેલી ટીવી પર ડબ્ડ જાહેરખબર આવે છેને, એવી જા.ખ. પણ બનવી જોઈએઃ
“પહેલાં હું બહુ ગરીબ હતો. પછી મેં રાતોરાત અમીર બનવાના ઑનલાઈન ક્લાસ કર્યા, જેમાં મને શીખવવામાં આવ્યું કે પ્યારમાં ધોખો ખાઈ લો તો મોટિવેશન મળશે. મેં એમ જ કર્યું. આજે હું ગરીબની સાથે સાથે બેવકૂફ પણ છું. કેમ કે જે થોડાઘણા પૈસા મારી પાસે હતા એ પેલા લેભાગુ ઑનલાઈનવાળાને આપી દીધા”…
જો કે ‘ધડકન’નો દેવ સચ્ચા પ્યારમાં અમીર બની જાય છે તો ‘દેવદાસ’નો દેવ સાચા પ્રેમમાં અમીરમાંથી દારૂડિયો… એટલે કેવો સાચો પ્રેમ ફૉલો કરવાનો એ સમજી ગયાને?
(કેતન મિસ્ત્રી)