અનુષ્કા શર્માનો પિત્તો ગયો છે. એ ગુસ્સામાં છે, દુઃખી છે અને અમુક લોકો પર મૅડ પણ છે. એની ફિલ્મ ‘હૅરી મેટ સેજલ’ના ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ‘તમાશા’ના એક સૉન્ગના શબ્દ છેઃ ‘અનુ તો બડી સૅડ હૈ… આજકલ વેરી મૅડ હૈ…’
બન્યું એવું કે, બેએક દિવસ પહેલાં અનુદીદી ક્રિકેટર હસબન્ડ વિરાટ કોહલી સાથે એમના જુહુ બીચ સ્થિત બ્રાન્ડ ન્યૂ હોમના ઝરૂખામાં બેસીને એ…યને નિરાંતે ચા-પાણી કરી રહ્યાં હોય છે. એ નિરાંતવી પળને કોઈ પાપારાઝી-ટાઈપ તસવીરકારે પોતાના કૅમેરામાં કેદ કરી વાઈરલ કરી દીધી, જે જોઈને અનુષ્કાજીનો પિત્તો ગયો. એણે ગુસ્સો ઠાલવતાં કહ્યુઃ “હજાર વાર ના પાડી મેં આ ફોટોગ્રાફર અને એના પ્રકાશનને છતાં એ અમારી પ્રાઈવસીમાં દખલઅંદાજી કરે છે. હવે, ભઈશા’બ, વહેલી તકે આ બધું બંધ કરો.” સૌ જાણે છે એમ અનુષ્કાને સારા દિવસો જાય છે અને ડૉક્ટરે જાન્યુઆરીની અમુક તારીખ આપી છે એના બાબા કે બેબીના આવવાની.
બતાવી દઈએ કે બોલિવૂડ-ટેલિવૂડ સેલેબ્સની ફિલ્મો જ નહીં, એમનાં અંગત જીવનને વિશે પણ રસિકજનોમાં ભારે ઉત્સુકતા રહેતી હોય છે. અનુષ્કા મેડિકલ ચેક-અપ માટે જાય કે કરીના કપૂરનો તૈમુર પપ્પા સાથે ક્રિકેટ રમ્યો કે સારા અલી ખાન ઍરપોર્ટ પર પોતાનો સામાન જાતે ઊંચકીને બહાર નીકળી રહી છે ત્યાંથી લઈને સ્ટાર્સ સિદ્ધિવિનાયકનાં દર્શને જાય કે દાનધરમ-સેવાકાર્ય કરવા જાય કે પછી ફ્લાઈટ પકડવા ઍરપોર્ટ જાય એ સમયે એમણે કેવી વસ્ત્રસજ્જા કરી, એમની સાથે કોણ હતું, બાબા-બેબીને જાતે તેડ્યાં કે સાથે આયા હતી, વગેરે વગેરે જોવા-જાણવાની ઈંતેજારી રાખતો એક આખો વર્ગ છે- દેશમાં જ નહીં, દુનિયામાં પણ.
-અને જેમને આ બધું જોઈ-જાણીને ભારે તિરસ્કાર થાય અથવા સ્ટાર્સની દયા આવે એમને જત જણાવવાનું કે સોમાંથી પંચાણું કિસ્સામાં સ્ટાર્સનાં સેક્રેટરી કે એમનાં પ્રચારકાર્ય સંભાળતાં પબ્લિક રિલેશન ઑફિસરો જ ફોટોગ્રાફરોને માહિતી આપતાં હોય છે કે “આજે અમુક સેલિબ્રિટી અમુક સમયે મુંબઈમાં લૅન્ડ થઈ રહી છે”. એ સમયે ત્યાં તસવીરકારો ત્યાં પહોંચી જતા હોય છે. ક્યારેક તો આવી એકાદ એક્સક્લુઝિવ તસવીર મેળવવા તસવીરકારોએ ચાર-પાંચ કલાક ફિલ્ડિંગ ભરવી પડે, જે શારીરિક-માનસિક રીતે થકવી નાખનારું કામ છે.
એક જાણીતા, પીઢ એન્ટરટેન્મેન્ટ ફોટોગ્રાફર સાથે ‘ચિત્રલેખા’ની ફોન પર વાત થઈ તો એમણે કહ્યુઃ “મેં તો અમુક નવશીખિયા તસવીરકારોને આ જ કામ માટે રાખ્યા છે. અમુકની ડ્યુટી ઍરપોર્ટના નેશનલ ટર્મિનલ પર તો અમુકની ઈન્ટરનેશનલ ટર્મિનલ પર, કેમ કે જ્યારથી ‘ઈન્સ્ટાગ્રામ’ જેવા સોશિયલ મિડિયાની જફા શરૂ થઈ છે ત્યારથી પાપારાઝી તરીકે ઓળખાતા તસવીરકારોનાં કામ વધી પડ્યાં છે”. આ અનુભવી ફોટોગ્રાફર અનુષ્કાવાળા કિસ્સા વિશે કહે છે કે “આ જ સ્ટાર્સ એમની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પ્રમોશન, પબ્લિસિટી માટે અમારી પાછળ આદું ખાઈને પડી જતાં હોય છે”.
આજકાલ મુંબઈમાં કોરોનાને લીધે પાર્ટી, ફિલ્મ-શો, શૂટિંગ તથા ઈવેન્ટ્સ લગભગ બંધ છે, શારીરિક અંતરની મર્યાદા હોવાને લીધે સેલિબ્રિટી ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે. સ્ટાર્સ પણ હવે ચબરાક બનીને પોતાની દીનચર્યાની તસવીરો પોતે જ સોશિયલ મિડિયા પર મૂકી દેતાં હોય છે એટલે ફોટોગ્રાફરો માટે એમનાં ઘર પર કૅમેરાના ઝૂમલેન્સ માંડ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
-અનુષ્કા પર પાછા ફરીએ તો થોડા સમય પહેલાં એણે એવું કહી નાખ્યું કે “અમે ધણી-ધણિયાણીએ આપસમાં એક નિર્ણય લીધો છે કે અમે અમારા બાળકને પબ્લિક અને સોશિયલ મિડિયાની સ્પૉટલાઈટમાં ઉછેરવા નથી માગતાં”. આ કહેતી વખતે અનુષ્કાના દિમાગમાં સૈફ-કરીના-તૈમુરની તસવીરો હતી કે કેમ એ તો એ જ જાણે, પણ એટલું તો એ જાણતી જ હશે કે ભવિષ્યમાં પ્રમોશન માટે એને પાપારાઝીની જરૂર પડશે ત્યારે શું કરશે?
(કેતન મિસ્ત્રી)
(તસવીરો પ્રતીકાત્મક છે)