|
પીલુ ટાણે ચાંચ પાકે |
વગડામાં પીલુડીનાં ઝાડ ઊગે છે. એનાં ફળને પીલુ કહેવાય છે. સહેજ જાંબુડિયા રંગનાં, ચણોઠી જેવા આકારવાળાં આ ફળ ઉનાળાની સિઝન શરૂ થાય ત્યારથી પાકવા લાગે છે.
ચકલાં, હોલાં, કાબર જેવાં પક્ષીઓ આ ફળ ખાય છે. આ માટે પક્ષીને ચાંચની જરૂર પડે. હવે બરાબર ખરે ટાણે ફળ મળવાની સ્થિતિ ઊભી થઈ હોય અને એ જ વખતે જો ચાંચ પાકે તો આવા મહત્ત્વના સમયે ફળ ખાવાનું અશક્ય બની જાય.

આમ, બરાબર મોકા ટાણે જ એવી સ્થિતિ ઊભી થાય, જેના કારણે હાથમાં આવેલો લાભ ચૂકાઈ જાય ત્યારે ‘પીલુ ટાણે ચાંચ પાકે’ કહેવત વપરાય છે.
સરળ શબ્દોમાં કહીએ તો—તક સામે હોય, પણ એનો લાભ લેવાના સમયે જ કોઈ અડચણ ઊભી થઈ જાય, એવી પરિસ્થિતિ માટે આ કહેવત પ્રયોજાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)




