ભારતીય સિનેમાના ઇતિહાસમાં કેટલાંક ગીતો એવાં હોય છે, જે સમયનાં બંધનોને તોડીને સદાબહાર બની
જાય છે. 1967ની ફિલ્મ ‘મિલન’ (Milan)નું ગીત ‘સાવન કા મહીના, પવન કરે સોર’ (Sawan Ka Mahina, Pawan Kare Sor) આવું જ એક અમર ગીત છે. નૂતન અને સુનીલ દત્ત પર ફિલ્માવાયેલું આ ગીત આજે પણ ચોમાસાની ઋતુ આવતાં જ દરેક ભારતીયના મનમાં ગુંજવા લાગે છે.
પરંતુ આ મધુર ગીતના સર્જન પાછળ કેટલીક એવી અજાણી અને રસપ્રદ વાતો છુપાયેલી છે, જે એ જમાનાના સંગીતપ્રેમીઓ માટે આજે પણ કૌતુકનો વિષય છે.

1960ના દાયકામાં મોહમ્મદ રફી સંગીતજગતમાં છવાયેલા હતા. ફિલ્મ ‘મિલન’ એક મોટા બેનરની ફિલ્મ હતી. તેથી નિર્માતાઓ અને ઇન્ડસ્ટ્રીના ગુરુઓ ઈચ્છતા હતા કે આ ગીત રફી સાહેબ પાસે ગવડાવવામાં આવે. પરંતુ લક્ષ્મીકાંત-પ્યારેલાલે સ્પષ્ટ ના પાડી દીધી.
તેમનું માનવું હતું કે હીરો ગોપી એક સાદો હોડીવાળો છે અને તેના અવાજમાં જે માટીની સોડમ, નિર્દોષતા અને દર્દ હોવું જોઈએ એ માત્ર મુકેશના અવાજમાં જ શક્ય હતું. શરૂઆતમાં આ નિર્ણયનો વિરોધ થયો, પણ જ્યારે ગીત રિલીઝ થયું ત્યારે આખા દેશે લક્ષ્મીકાંત-પ્યારેલાલની પારખુ નજરની પ્રશંસા કરી.
આ ગીતનો સૌથી મજેદાર કિસ્સો તેના ઉચ્ચારણ સાથે જોડાયેલો છે.
ગીતના મુખડામાં લાઇન આવે છે—‘જિયારા રે ઝૂમે ઐસે, જૈસે બનમા નાચે મોર’. રેકોર્ડિંગ સમયે સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી ઈચ્છતા હતા કે ઉત્તર ભારત અને ખાસ કરીને ગંગા કિનારાના ગ્રામીણ વિસ્તારની ભાષાનો લહેકો ગીતમાં દેખાય.
મુકેશ જ્યારે ગાઈ રહ્યા હતા ત્યારે તેમણે પૂર્વીય બોલીના લહેકા મુજબ ‘શોર’ને બદલે ‘સોર’ ગાયું. સ્ટુડિયોમાં લતા મંગેશકરે ગીતના ફ્લોમાં જ તેમને સુધારતાં કહ્યું, ‘સોર નહીં, શોર!’ અને મુકેશ સાહજિકતાથી જવાબ આપે છે, ‘અરે બાબા સોર-સોર!’
આ કોઈ સ્ક્રિપ્ટેડ ડાયલૉગ નહોતો, પરંતુ રેકોર્ડિંગ દરમિયાન બનેલી એક સહજ ઘટના હતી. લક્ષ્મીકાંત-પ્યારેલાલને આ નોકઝોક એટલી કુદરતી અને જીવંત લાગી કે તેમણે રેકોર્ડિંગમાંથી આ ભાગ કાઢવાને બદલે એને ગીતનો કાયમી હિસ્સો બનાવી દીધો!

ગીતના સંગીત સંયોજનમાં ભારતીય લોકસંગીત અને દેશી વાદ્યોનો અદ્ભુત ઉપયોગ થયો છે. ગીતની શરૂઆતમાં વાગતી વાંસળી અને ગીતના તાલે વાગતી ઢોલકની થાપ એવી હતી કે સાંભળનારનું મન નાચી ઊઠે. એ જમાનામાં ઑર્કેસ્ટ્રા લાઇવ રેકોર્ડ થતો હતો અને આ ગીતના પરફેક્ટ રિધમ માટે ઢોલકવાદકોએ સતત કલાકો સુધી રિયાઝ કર્યો હતો. જ્યારે આ ગીત રેડિયો પર રજૂ થયું ત્યારે એ સમયના પ્રખ્યાત રેડિયો શો ‘બિનાકા ગીતમાલા’ (Binaca Geetmala)માં મહિનાઓ સુધી નંબર-1 પર રહ્યું હતું. ‘સાવન કા મહિના’ ગીતનો શોર ચારે તરફ ગુંજી ઊઠ્યો હતો!
ફિલ્મ ‘મિલન’ના સંગીત માટે લક્ષ્મીકાંત-પ્યારેલાલને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ગીતકાર આનંદ બક્ષી માટે પણ આ ગીતે સફળતાનાં નવાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. આજે દાયકાઓ પછી પણ જ્યારે આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે અને વરસાદનાં પ્રથમ ટીપાં પડે છે ત્યારે ‘સાવન કા મહીના…’ માત્ર એક ગીત મટીને ભારતીય ચોમાસાનો સંગીતમય આત્મા બની જાય છે.




