મોરનાં ઈંડા ચીતરવાં ન પડે |
મોર અત્યંત રૂપકડું પક્ષી છે. એમાંય એનાં પીંછા તો અદભૂત. પણ આ મોરનું ઈંડું તો બધાં પક્ષીઓ જેવું જ સામાન્ય જ હોય છે. જો કે એમાંથી બચ્ચું બહાર આવે ત્યારે? આ બચ્ચું પણ મોર જેવું જ અત્યંત રૂપકડું અને રંગબેરંગી રૂપાળું હોય છે.
મૂળ આ કહેવતનો અર્થ એવો થાય કે, અમુક મા કે બાપનું સંતાન, અમુક કુટુંબનો વ્યક્તિ, એ એક હદ સુધી ઘડાયેલો જ હોય. જેમ મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તેમ એના ઉપર કોઈપણ પ્રકારના સાજ-શણગાર કર્યા વગર પણ એનામાં રહેલ ગુણ ઝળકી ઊઠે.
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)