બનિયા કીતના ભોલા કે લવિંગ મેં પૈસા તોલા |
વણિક કોમને ચતુરાઈ અને વેપારની કુનેહ વારસામાં લોહીના ગુણ તરીકે મળે છે. એ કદીયે છેતરાય નહીં. એક દિવસ એક ગ્રાહક એની દુકાને લવિંગ લેવા આવ્યો. લવિંગ તોલતાં પેલા વેપારીએ જાણે ભૂલથી પડી ગયો હોય તે રીતે તાંબાનો એક પૈસો પણ ત્રાજવામાં નાંખ્યો.
પેલા ગ્રાહકને થયું કે આ તો ફાયદાનો સોદો છે. લવિંગની સાથે પૈસો પણ આવી જાય છે. એ જલદીથી પડીકું લઈ રવાના થઈ ગયો. ઘરે જઈ એણે એની પત્નીને કહ્યું, “અરે ! સુનો તો બનિયા કીતના ભોલા કે લવિંગમેં પૈસા તોલા” ત્યારે એની પત્નીએ ફોડ પાડ્યો કે, પૈસાના વજન બરાબર લવિંગનું મૂલ્ય તો ઘણું વધારે છે એટલે પૈસાના ભારોભાર લવિંગ બચાવી પેલા વેપારીએ તો ફાયદો જ કર્યો છે !
(ડો.જયનારાયણ વ્યાસ)
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)