વાઘને કોણ કહે કે, તારું મોં ગંધાય છે |
વાઘ અત્યંત ભયાનક પ્રાણી છે. જંગલમાં બધા પ્રાણીઓ એનાથી ગભરાય છે. એ શિકાર કરીને પોતાનું જીવન નિભાવે છે. સ્વભાવિક રીતે જ આ કારણથી એનું મોં માંસ અને લોહીથી ખરડાયેલું હોય છે. જેની દુર્ગંધ આજુબાજુ પણ ફેલાય છે. આમ હોવા છતાં વાઘ બલિષ્ઠ પ્રાણી છે, હિંસક છે, અને એ કારણથી એને જંગલનું કોઈ પ્રાણી કશું કહેવાની હિંમત કરી શકે નહીં એ ભાવાર્થ સાથે મૂળભૂત રીતે સમાજમાં જે શઠ અને બળવાન છે તેમની બધા વાહવાહ જ કરતા હોય છે.
દુર્જન માણસને એની નબળી બાજુ વિશે પણ સલાહ આપવાની હિંમત કોઈ કરતું નથી કારણકે તેમાં જાનનું જોખમ રહેલું છે. આ કહેવત કોઈ સત્તાધીશ વ્યક્તિ કાંઈક ખોટું કરી રહ્યો હોય તો એને કહેવા કોણ જાય એ અર્થમાં પણ વપરાય છે. આવી જ કહેવત બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે તે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)