દાંત આપ્યા છે તે ચાવણું આપી રેશે |
આપણને જેણે આ જગતમાં મોકલ્યા છે તે જગતનિયંતા ઈશ્વર જ આપણું યોગક્ષેમ વહન કરે છે. આપણું જીવન પણ એને જ આધીન છે. એની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવી અડગ શ્રધ્ધા રાખનાર માણસ એવું માનીને ચાલે છે કે ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, સુવાડતો નથી. એણે આપણને દાંત આપ્યા છે તો ખાવા માટે ખોરાક પણ આપી રહેશે. ખોરાક દાંતથી ચવાય છે એ અર્થમાં “ચાવણું” શબ્દ વપરાયો છે. મીરાંબાઈથી માંડીને નરસિંહ મહેતા અને સુદામાથી માંડીને શબરી સુધીના અનેક દાખલા આપણી ધર્મ/પુરાણ કથાઓમાં આપણે વાંચીએ છીએ. આ ભક્તોનું જેમ તેમની ઇશ્વરમાંની અડગ શ્રધ્ધાને કારણે ધાર્યું કામ થઈ જતું તેવો જ અનુભવ ઈશ્વરમાં વિશ્વાસ રાખનારને થાય છે.
ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી, પ્રખર ગાંધીવાદી અને સમાજ સુધારક શ્રી નવલભાઈ શાહે એમના જીવનનાં પંચોતેર વરસ પૂરાં થયાં તે નિમિતે લખેલ પુસ્તક “અમ્રુત પ્રવેશે”નાં પાન નં.56 અને 59 પર કંઈક આવું લખ્યું છે-
“કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે. કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તેને અનુકૂળ ભૌતિક સામગ્રીઓ પણ આવી મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે… શ્રદ્ધા ને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે.”