ઝાઝાં નબળાં લોકથી કદી ના કરીયે વેર

ઝાઝાં નબળાં લોકથી કદી ના કરીયે વેર

કીડી કાળા નાગનો પ્રાણ લે આ પેર.

નબળાં શબ્દ માત્ર શારીરિક નબળાઈ માટે જ નથી વપરાતો પણ વિકૃત મનનાં કુટિલ અને ડંખીલુ મન ધરાવતી વ્યક્તિઓ માટે પણ વપરાય છે. વ્યક્તિ ગમે તેટલો જોરાવર હોય પણ એ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ફસાય અથવા કોઈ પણ કારણસર એની તાકાત ક્ષીણ થાય ત્યારે એની તુલનામાં મગતરાં કહી શકાય એવા જીવો પણ એના ઉપર હાવી થઈ જાય છે. ક્યારેક તો એ ક્ષુદ્ર જીવ એને મોતને ઘાટ પણ ઉતારી દે છે.

એવું કહેવાય છે કે હાથીના કાનમાં જો મચ્છર ઘૂસી જાય તો એ માથાં પછાડી પછાડીને મરી જાય છે. બરાબર આવું જ ઉદાહરણ સાપનું છે. કીડી આમ જોઈએ તો સાવ સૂક્ષ્મ જીવ છે.

સાપનું એ કાંઇ બગાડી શકતી નથી પણ સાપ જો થોડો ઘાયલ થાય અને એને લોહી નીકળે તો કીડીઓનું આખું ઝુંડ એ ઘા ઉપર ચીટકીને એને ચટકા ભરે છે. સાપ પછડાઈ પછડાઈને આ વેદનાને કારણે વધુ ઘવાય છે અને છેવટે મરી જાય છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાઈ છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)