શુકન એ દીવો છે |
આપણામાં એક એવી માન્યતા છે કે કોઈ પણ સારું કામ કરવું હોય તો એ માટેનો શુભ અણસાર મળે ત્યારે જ કરવું. આ શુભ અણસાર એટલે શુકન અને અશુભ અણસાર એટલે કે અપશુકન. આ બધી વાતો રૂઢિગત માન્યતાઓ સાથે જોડાયેલી છે.
જેમ કે તમે કોઈ સારા કામે બહાર નીકળો અને સામેથી કુંવારિકા આવતી હોય, ગાય આવતી હોય અથવા પાણીની હેલ ભરીને કોઈ પનિહારી આવતી હોય તો એ કામ ફતેહ થશે એવું મનાય છે. ચોરી કરવા જનાર ચોર પણ ચીબરીની બોલી ઉપરથી એના શુકન નક્કી કરે છે. આમ, તમે જે કરવા જઇ રહ્યા છો એ અનિશ્ચિતતાના અંધારામાંથી સુપેરે પસાર થવા માટે શુકન એ દીવો છે એવી કહેવત પડી હશે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)