નરેન્દ્ર મોદી શા માટે વારંવાર નેપાળના પ્રવાસે જાય છે?…આ પ્રશ્નનો જવાબ ટૂંકી દૃષ્ટિએ પણ આપી શકાય છે. નરેન્દ્ર મોદીને વિશ્વનેતા બનવાની માયા લાગી છે, ત્યારે નેપાળ જેવા નાના દેશોમાં વારંવાર જઈને પોતે દુનિયાદારીમાં નેતા છે તેવું દેખાડી શકે છે. તેનાથી પણ ટૂંકી દૃષ્ટિએ વિચારીને એમ કહી શકાય કે ગયા અઠવાડિયે જ તેમણે નેપાળની મુલાકાત લીધી તે તો ચૂંટણીલક્ષી હતી. ચૂંટણીલક્ષી વળી કેવી રીતે? કેમ તમે જોયું નહીં, તેઓ નેપાળમાં રાજકીય મુલાકાતે નહીં, પરંતુ ધાર્મિક મુલાકાતે ગયા હોય તેમાં અગત્યના મંદિરોમાં દર્શન કરવા ગયા હતાં.તેમણે મંદિરોની પસંદગીમાં પણ ધ્યાન રાખેલું અને શૈવ અને વૈષ્ણવ બંનેના શ્રદ્ધાસ્થાન એવા મંદિરોના દર્શન કર્યા. આ તરફ કર્ણાટકની ચૂંટણીમાં જ્યાં પણ પ્રચારમાં ગયા ત્યાં રાહુલ ગાંધી ધાર્મિક સ્થળે દર્શન કરવા પહોંચી જતા હતા. ગુજરાત ચૂંટણીથી કોંગ્રેસે આ પેટર્ન શરૂ કરી છે. અમે પણ ધર્મભીરુ છીએ એવું દેખાડવા માટે રાજકીય પક્ષોમાં હોડ લાગી છે, ત્યારે પોતે પાછળ ના રહી જાય અને દેખાદેખીમાં પોતાને પણ કર્ણાટકના બધા ધાર્મિક સ્થાનોમાં ના જવું પડે તે માટે નેપાળમાં જઈને યાત્રા કરી. ટીવીના જમાનામાં નેપાળના મંદિરોમાં દર્શન કર્યા તેવું કર્ણાટકમાં દેખાડી શકાય – તેથી… આ બધી ચૂંટણીલક્ષી રાજકીય દલીલો હતી.
સાચી વાત એ છે કે નેપાળ નરેન્દ્ર મોદી માટે અગત્યનું રાજ્ય બન્યું છે. નેપાળમાં વિદેશ નીતિને નિષ્ફળતા મળી છે તેને ઠીક કરવાની છે. નેપાળ ચીનની નજીક સરકી રહ્યું છે. ભારત વિચાર કરે તે પહેલાં ચીને તીબેટથી કાઠમંડુ સુધીની રેલવે લાઇન નાખવાની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહિ ચીનમાંથી ઇન્ટરનેટનો એક છેડો નેપાળને આપી દેવાયો છે, જેથી તેણે ભારત પર આધાર રાખવો ના પડે.
ભારતના ત્રણેક રાજ્યોમાં ડાબેરીઓ મજબૂત છે, તે રીતે નેપાળમાં રાષ્ટ્રીય સ્તરે ડાબેરીઓ હજીય મજબૂત છે. સત્તામાં તેમની ભાગીદારી નકારી શકાય તેમ નથી. તેના કારણે પણ ચીનનું નેપાળ સાથેનું કનેક્શન ભારતને ચિંતા કરાવે તેવું છે.
પાકિસ્તાન કરતાંય નરેન્દ્ર મોદીએ નેપાળની વધારે ચિંતા કરવી પડે તેમ છે, તેમાં આ ચીની એન્ગલ પ્રમુખ છે. નરેન્દ્ર મોદી કર્ણાટકની ચૂંટણીલક્ષી નહીં, પણ દૂરંદેશી દાખવીને નેપાળની વારંવાર યાત્રા કરી રહ્યા છે. (એ વાત જુદી કે એક તીરથી બે ત્રણ પંખીઓ મારવામાં તેઓ ઉસ્તાદ છે. નેપાળે જવાનું જ હોય તો મંદિરે દર્શન કરીને જ અવાય. હિન્દુત્વ સચવાય. દર્શને જવાનું જ હોય તો તેનો થોડો પ્રચાર કર્ણાટકની ચૂંટણીમાં કરવાનો ચૂકાય નહીં.
પાકિસ્તાન સાથે નરેન્દ્ર મોદી શું કરશે તે ચૂંટણીનો મુદ્દો છે, પણ ચીન સાથે ભારત શું કરશે તે વધારે ગંભીર અને રાજકીય બાબતોથી પર એવો મુદ્દો છે. નરેન્દ્ર મોદી અહીં રાજકારણથી પર રહીને ચીન સાથે ડીલ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે તે સમજવા જેવું છે. ગયા મહિને જ તેઓ ચીનની ખાસ મુલાકાતે ગયા. ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પ્રોટોકોલને બાજુએ રાખીને, સત્તાવાર નિવેદનોની પળોજણમાં પડ્યા વિના લાંબી વાતચીત કરી. તેમની સાથે હર્યાફર્યા અને શુષ્ક ડિપ્લોમસીથી આગળ વધીને શી જિનપિંગને જાણવાની કોશિશ કરી છે.
શી જિનપિંગ ચીનના આજીવન પ્રમુખ બની ગયા છે તે વાત દુનિયા યાદ રાખે કે ના રાખે, ભારતે યાદ રાખવી રહી. ચીન સાથે સંબંધો માટે શી જિનપિંગની જ માનસિકતા ભારતે સમજવી પડે. સાથોસાથ ચીનને જ્યાં પણ કાઉન્ટર કરી શકાય ત્યાં કરતા રહીને શિ જિનપિંગને મેસેજ પણ આપતો રહેવો પડે. નેપાળની હાલની યાત્રા નરેન્દ્ર મોદીએ ચીનને અને જિનપિંગને આપેલો મેસેજ છે. તેઓ ચીનથી આવીને તરત જ નેપાળ ફરી ગયા છે. ચોથીવાર નેપાળ ગયા છે. નેપાળના વડાપ્રધાન હજી હાલમાં જ ભારતની મુલાકાતે આવીને ગયા, તેમની પાછળ પાછળ નેપાળ પહોંચ્યા છે.નેપાળના લોકોમાં ભારતવિરોધી વાતાવરણ ઊભું થયું છે તેનો ઇનકાર કરી શકાય તેમ નથી. ભારતવિરોધ બહુ નવો નથી અને ભારતે તેને બહુ ગંભીરતાથી નહોતો લીધો. તેનું એક કારણ એ પણ કે નેપાળ ભારત સાથે એવી રીતે જોડાયેલું છે અને એ રીતે નિર્ભર હતું કે આ વિરોધને બાળક જીદ કરે તે રીતે જોવાતું હતું. આ રીતે નેપાળની લાગણીઓને વળી બાળકની જીદ તરીકે જોવામાં આવતી હતી તેનો પણ નેપાળીઓમાં રોષ હતો. થોડા વર્ષો પહેલાં ભારતના નેતાઓએ નેપાળીઓની હાજરીમાં એવા ભાષણો કર્યા કે મારો રસોઇયો પણ નેપાળી છે, માળી પણ નેપાળી છે, ડ્રાઇવર પણ નેપાળી છે અને ઓફિસ તથા ઘરે ચોકીદાર તો નેપાળી છે જ. તેના ખૂબ ખરાબ પ્રત્યાઘાત પડ્યા હતા.
ભારતે આ ભાષામાંથી બહાર નીકળીને નેપાળ સાથે સંબંધો કેળવવા પડે તેમ છે. નેપાળમાં છેલ્લે ચૂંટણીઓ થઈ તે પહેલાં પહાડી નેપાળીઓ અને તળેટીમાં રહેતા મધેસીઓ વચ્ચે ગજગ્રાહ જામ્યો હતો. તેમાં ભારતની ભૂમિકાને કારણે પણ અસંતોષ વધ્યો હતો. એવી ટીપ્પણીઓ થઈ હતી કે ભારતે મધેસીઓને મદદ કરી હતી અને પર્વતવાસી નેપાળીઓ પુરવઠા વિના મુશ્કેલીમાં મૂકાઈ જાય તે રીતે આર્થિક નાકાબંધી કરી હતી.
આ નાકાબંધીનો મુદ્દો હાલના વર્ષોમાં જ (2015-16માં) ઊભો થયો હતો અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી ભાજપ પ્રત્યે નેપાળમાં રોષ વધ્યો હતો. પેટ્રોલ ડિઝલથી માંડીને ખાદ્ય સામગ્રી સુધીની વસ્તુઓની અછત ઊભી થઈ હતી. વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીના નામના હેશટેગ (#BlocakadewasCrimeMrModi, #Modinotwelcome) સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા અને હાલની તેમની મુલાકાત દરમિયાન પણ ફરતા થયા હતા.
વિરોધ કરનારા પાછળ સામ્યવાદીઓ સક્રીય છે તે વાત સાચી, પણ આ પ્રકારના વિરોધની અવગણના ભારત કરી શકે તેમ નથી. નેપાળના વર્તમાન વડાપ્રધાન પી. કે. ઓલી ચૂંટણીપ્રચારમાં ભારતવિરોધી ભાષણો કરતા રહ્યા હતા અને ચીન સાથે તેમણે કેટલાક કરારો પણ કર્યા છે.
ભારતે વિશ્વના તખતા પર મજબૂત થવું હોય તો પડોશી સાથે સારા સંબંધો કેળવવા રહ્યા. પડોશમાં જ ભારતનું ના ઉપજતું હોય તો વિશ્વગુરુ કેવી રીતે બનવાનું? પાકિસ્તાન સાથેના સંબંધો જુદી વાત છે, કેમ કે તેની સાથે ઐતિહાસિક અને અન્ય પરિબળો જોડાયેલા છે, પણ નેપાળ અને શ્રીલંકા જેવા દેશો માટે ભારતે વિશેષ વિદેશ નીતિ ઘડવી પડે. તે વાત નરેન્દ્ર મોદી ધ્યાને લઈ રહ્યા છે અને સાથોસાથ ચીનનો સામનો કરવા માટેની નીતિને પણ તેની સાથે જોડી રહ્યા છે. યાદ રહે, શ્રીલંકામાં પણ ચીન એક બંદર વિકસાવી રહ્યું છે અને તેની સાથે દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યું છે.
ઓગસ્ટ 2014માં જ નરેન્દ્ર મોદી નેપાળ પહોંચી ગયા હતા. 17 વર્ષના લાંબા ગાળા પછી ભારતના વડાપ્રધાન નેપાળ પહોંચ્યા હતા. નેપાળનું નવું બંધારણ તૈયાર થઈ રહ્યું હતું. તેમણે નેપાળની બંધારણીય સભામાં ભાષણની શરૂઆત નેપાળીમાં કરી હતી. તે વખતે નેપાળમાં ઘણાને એવું લાગ્યું હતું કે ભારત સાથે હવે નવા પ્રકારના સંબંધો કેળવી શકાશે. તે વખતે તેમણે જાહેરમાં અને સત્તાવાર રીતે મધેસીઓને અરજ કરી હતી કે નવું બંધારણ તૈયાર થઈ રહ્યું છે તેમાં સહકાર આપવો જોઈએ.તે પછી આ મહિને તેઓ નેપાળની મુલાકાતે ગયા તે ચોથા વર્ષમાં તેમની ત્રીજી મુલાકાત છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં મોડેમોડે તેઓ પાછા ફરી રહ્યા છે એમ પણ ઘણાને લાગ્યું છે. ફરી યાદ કરો કે વડાપ્રધાન તરીકે તેમણે લીધેલું સૌથી અગત્યનું પગલું સાર્ક દેશોના નેતાઓને શપથવિધિમાં આમંત્રણ આપવાનું હતું. પાકિસ્તાન સહિતના દેશોના નેતાઓને તેમણે પોતાની શપથવિધિ વખતે આમંત્રણ આપ્યું હતું. વ્યક્તિગત પ્રસિદ્ધિનો મોહ પણ તેમાં હતો, પરંતુ સાર્ક દેશોના સંગઠનને મજબૂત બનાવીને ભારત વિશ્વની રાજનીતિમાં સ્થાન જમાવે તેવી લાંબા ગાળાની નીતિને તેમણે શરૂઆત પણ તે સાથે કરી હતી. તે પ્રયાસો ધાર્યા પરિણામો લાવી શક્યું નથી. તેમના વારંવારના વિદેશ પ્રવાસો ભારતનું સ્થાન મજબૂત કરવાના બદલે વ્યક્તિગત પ્રસિદ્ધના પ્રવાસો વધારે બની રહ્યા છે. પરંતુ એટલી ક્રેડિટ નરેન્દ્ર મોદીને આપવી પડે કે નેપાળની બાબતમાં થયેલી ભૂલોને ટાળવા માટે તેમણે હજીય પ્રયાસો છોડ્યા નથી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહે કે ના રહે ચીનને ધ્યાનમાં રાખીને પડોશી દેશો સાથેના સંબંધો અંગે ભારતે સમગ્ર રીતે વિચારતા રહેવું પડશે. તેટલા પૂરતો વિચાર કરીએ તો નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે પોતાની ભૂમિકા અત્યાર સુધી યોગ્ય રીતે જ ભજવી છે.