ઇતિહાસ ઘટનાઓના અવલોકનથી બને છે, પણ ઘટનાઓનું અવલોકન સમય આધારિત હોય છે. એક ઘટના એક વખત નાની લાગી હોય તે બીજા વખતે મોટી લાગી શકે છે. તેથી જ ભૂતકાળની ઘટનાઓને ભવિષ્યમાં નવીન રીતે જોવાતી હોય છે. આજનો પ્રસંગ આપણા માટે માત્ર બનાવ હોય, તે ઇતિહાસમાં વળાંક આપનારી ઘટના સાબિત થાય. આવી જ એક નાનકડી ઘટના પંચશીલ સિદ્ધાંતો સાથે સંકળાયેલી છે.જૂની ઘટનાઓ, દસ્તાવેજો અને અહેવાલો તથા સંસ્મરણોના આધારે જાણકારો કહે છે કે તે વખતે પંચશીલ સાથે સંકળાયેલા રાજદ્વારીનું ધ્યાન ભારતના હિતો માટે ઓછું હતું, પોતાની ચીની પ્રેમિકા પર વધારે હતું. પંચશીલના બહુ વખાણ થાય છે, પણ તેનાથી ભારતને કંઈ હાંસલ થયું નથી. પંચશીલ એટલે આમ તો પડોશી દેશો સાથેના સંબંધોની માર્ગદર્શિકા. ચીન સાથે લાંબી સમજૂતીઓ અને કરાર થયા હતા, તેના પાંચ મુખ્ય સારરૂપ સૂત્રો અલગ તારવાયા હતા. તેને પંચશીલ કહેવાતા હતા. હકીકતમાં ચીન સાથે પંચશીલ કરાર થયા ત્યારે ચીન હજી શક્તિશાળી થયું નહોતું. ભારત અને ચીન લગભગ સરખી સ્થિતિમાં હતા. બીજી અગત્યની વાત છે કે તિબેટ પર ચીને કબજો જમાવ્યો હતો, તેને ભારતે હળવાશથી ન લીધો હોત તો સરહદથી સમસ્યા આજે નડે છે તે ઊભી ન થઈ હોત.
પંચશીલ તરીકે ઓળખાતો કરાર 29 એપ્રિલ 1954માં બિજિંગ ખાતે ભારતીય રાજદૂત એન. રાઘવન અને ચીનના નાયબ વિદેશ પ્રધાન ઝેંગ હેન્ફૂ વચ્ચે થયો હતો. તેનું આખું નામ હતું ‘એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ઇન્ટરકૉર્સ બિટવિન તિબેટ રિઝન ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા’. તિબેટ સાથે વેપાર અને તિબેટમાં પ્રવાસીઓની આવનજાવન સહેલાઈથી થઈ શકે તે તેનો હેતુ. તેમાં તિબેટ શબ્દનો ખાસ પ્રયોગ કરાયો હતો. આગળ જતાં એવી સ્થિતિ થવાની હતી કે તિબેટના ઉલ્લેખ માત્રથી ચીન ભડકતું હતું. પણ તે વખતે ભારત પણ ખોંખારીને તિબેટ માટે વાત કરી શકવાની સ્થિતિમાં હતું. સાથોસાથ તિબેટનો કરાર ચીન સાથે કરવાના કારણે ચીનની સત્તાનો સ્વીકાર પણ હતો. કરાર પછી 15 મેના રોજ નહેરુએ ભારતીય સંસદમાં કહ્યું હતું કે આ કરાર સાથે હવે તિબેટનું ભાવિ હવે નક્કી થઈ ગયું છે. એક વખતનું શાંતિમય સ્વતંત્ર રાષ્ટ્ર તેની સ્વાયત્તતા ગુમાવી ચૂક્યું છે અને ‘આ કરાર તિબેટની વર્તમાન સ્થિતિનો સ્વીકાર છે’, એમ નહેરુએ કહ્યું હતું. નહેરુને તિબેટ કરતાંય વિશ્વની શાંતિની વધારે ચિંતા હતી અને તેના કારણે જ આચાર્ય કૃપલાણીએ તેમની ટીકા કરતાં કહ્યું હતું કે સામ્યવાદી બની ગયા પછી ચીને તિબેટ પર આક્રમણ જ કર્યું છે. થોડા વર્ષો પછી ચીનનું અસલી સ્વરૂપ દેખાવા લાગ્યું ત્યારે કૃપલાણીએ કહ્યું હતું કે પંચશીલ કરાર એ પાપમાંથી પેદા થયેલો કરાર છે. હાલમાં કેટલાક દસ્તાવેજો જાહેર થયાં છે તેના પરથી પણ એવું લાગે છે કે ભારતે કરેલો તે સૌથી ખરાબ કરાર હતો. ચાર મહિના સુધી બિજિંગમાં તિબેટના મુદ્દે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલતી રહી હતી, પણ ભારત એક પછી એક ભૂલો કરીને પોતાના હિતો અને ફાયદા જાણે કોરાણે મૂકી રહ્યો હતો – આવી છાપ હવેના અવલોકનમાં ઉપસી રહી છે. તે વખતના નબળા ચીન સામે ભારત મક્કમ રહી શકે તેમ હતું અને કદાચ તિબેટની સંપૂર્ણ મુક્તિ નહીં, પણ તેને ઘણા અંશે સ્વાયત્તતા અપાવી શક્યું હોત. સાથોસાથે સરહદના પ્રશ્ને પોતાનો કક્કો ખરો કરાવીને વાતનો નીવેડો ત્યારે જ લાવી દેવાયો હોત. માનસરોવર જેવા ધાર્મિક સ્થળોએ મુક્ત રીતે પ્રવાસના કાયમી કરારો પણ થઈ શક્યા હોત.
માર્ચ 13ના રોજ વિદેશ મંત્રાલયના સચિવ એન. ટી. પિલ્લઇએ વડાપ્રધાનને પત્ર લખીને ચીન ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે તે વખતે રહેલા બી. એન. કૌલ વિશે ચેતવણી આપી હતી. બી. એન. કૌલ પર ચીન સાથે કડક સોદાબાજી કરવાની જવાબદારી હતી, પણ તેઓ એક ચીની યુવતીના પ્રેમમાં પડ્યાં હતાં અને તેમની સાથે લગ્ન કરવા માગતાં હતાં. કૌલ પરણેલા હતાં અને બે દીકરાના બાપ હતા અને છતાં નવા સંબંધોમાં પડ્યાં હતાં. આ વાત નહેરુથી અજાણી નહોતી, કેમ કે કાશ્મીરી હોવાના કારણે તેમને જાણતા હતાં અને કૌલના અંગત જીવનથી પણ તેઓ વાકેફ હતાં.
પિલ્લઇએ ચિંતા વ્યક્તિ કરીને વડાપ્રધાનનું ધ્યાન દોર્યું હતું કે ફોરેન સર્વિસમાં કામ કરતાં કોઈ પણ અમલદારે વિદેશી સાથે લગ્ન કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવી જરૂરી છે. કૌલ જે ચીની યુવતીના પ્રેમમાં પડ્યાં હતાં, તે કોણ હતી? જાસૂસ હતી? ચીનની સરકાર સાથે સંકળાયેલી હતી? ચીનાઓએ બિછાવેલી હની ટ્રેપ હતી? યુવતી વિશે ભાગ્યે જ કોઈ જાણકારી ભારતીય અધિકારીઓ પાસે હતી.ચીન સાથે અગત્યના કરાર માટે ચર્ચા કરી રહેલા અધિકારી કોઈને મોહજાળમાં ફસાયા હોય તે ભારતને નુકસાન કરાવે. તેમના અંગત જીવનનું જે થવું હોય તે થાય, ભારતે એ વિચારવાનું હતું કે કૌલનું ધ્યાન કરાર અને તેની જોગવાઈ પર છે કે પોતાની ચીની પ્રેમિકા પર.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પેકિંગમાં પોતાની કામગીરી પૂરી થાય કે તરત બે મહિનાની રજા કૌલે માગી હતી. પિલ્લઇએ પત્રમાં ચેતવણી આપી હતી કે આ બહુ જોખમી છે. તેમણે ભારત આવીને ચીનાઓ સાથે શું ચર્ચાઓ થઈ તે મંત્રાલયને જણાવવું જોઈએ, તેના બદલે બે મહિના માટે ફરવા જતા રહેવા માગતાં હતાં.
પત્ર મળ્યાં પછી નહેરુએ તરત જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે કૌલને તાત્કાલિક ભારત પાછા બોલાવી લો. તે વખતે પંચશીલ કરારને આખરી સ્વરૂપ આપવામાં થોડું જ કામ બાકી હતું. હવે બહુ ચર્ચા બાકી નથી, તેથી કરાર પૂરો થવાની રાહ જોયા વિના કૌલને પરત બોલાવીનું વડાપ્રધાને જણાવ્યું હતું. કૌલને પંચશીલ કરારની વાટાઘાટોમાંથી આ રીતે છેલ્લી ઘડીએ હટાવી દેવાયાં અને તેમની જગ્યાએ રાજદૂત તરીકે રહેલા રાઘવને કામગીરી સંભાળી લીધી હતી. કૌલને કામમાંથી હટાવી લેવાયા અને તેમને તાત્કાલિક દિલ્હી આવી જવાનું કહેવાયું હતું. આમ છતાં એક મહિના પછી જ કૌલ દિલ્હી પરત આવ્યાં હતાં. વડાપ્રધાન સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. તેમની બદલી કરી દેવાઈ પણ હજીય તેમને ચીનની બાબતોથી જુદા કરાયા નહોતા. તેમને વિદેશ મંત્રાલયમાં ચીનની બાબતોના સંયુક્ત સચિવ તરીકે મૂકાયા હતાં.કૌલને કારણે કેટલું નુકસાન થયું તે સ્પષ્ટ નથી, પણ તિબેટ જેવા વ્યૂહાત્મક મુદ્દે ચીન સાથે વાતચીત ચાલતી હોય ત્યારે અધિકારીને બદલવા પડે તે સંજોગો ભારતના હિતમાં ન ગણાય. તિબેટ સાથે ભારતે માત્ર વેપાર કે ધાર્મિક સ્થાનોના દર્શને જવાઆવવા પૂરતો સંબંધ રાખવાની વાત નહોતી. તિબેટ સાથે ભારતની એ સરહદો જોડાયેલી હતી, જેનો વિવાદ લાંબો સમય દેશને નડવાનો હતો. તે વખતે કરારમાં સરહદના મુદ્દાને લટકતો રાખવાના બદલે ચીન પર દબાણ કરીને પોતાના હિતમાં કરાર કરાવી શકાયા હોત. ચીન કોઈ પણ ભોગે તિબેટ પર પોતાના કબજાને વાજબી ઠેરવવા માગતું હતું. ભારતની ભૂમિકામાં તેમાં સૌથી અગત્યની હતી. ચીનની એ દુખતી રગને બી. એન. કૌલ જેવા ચીની યુવતીના પ્રેમમાં પડેલા અધિકારીને કારણે ભારત દબાવી શક્યું નહીં, તેનું દુઃખ કેટલાક ભારતીય વિશ્લેષકો હવે વ્યક્ત કરી રહ્યાં છે.