ગાંધીજી અને તોલ્સતોયઃ પરસ્પર પરનો પ્રેરણાસ્રોત

19મી સદીમાં સૌથી લોકપ્રિય સાહિત્યકાર તરીકે લિયો તોલ્સતોય દુનિયાભરમાં છવાઈ ગયા હતા. તેમની નવલકથાઓના વિશ્વભરની મહત્ત્વની બધી જ ભાષાઓમાં અનુવાદો થયા હતા. વૉર એન્ડ પીસ સૌથી વધુ વખણાઈ, કેમ કે તે વખતની દુનિયાની તાસીર તેમાં ઝીલાઈ હતી. યુરોપમાં બે વિશ્વ યુદ્ધો થયા હતા અને તેની અસર દુનિયાભરના દેશોમાં થઈ હતી. ભારતને પણ સીધી અસર થઈ હતી, કેમ કે ભારતમાંથી મોટા પ્રમાણમાં ભારતીય સૈનિકો યુરોપમાં જઈને લડ્યા હતા. બ્રિટીશની સેનામાં ભારતીય સૈનિકો હતા અને તેઓ બ્રિટન વતી વિશ્વયુદ્ધમાં લડ્યા હતા.
અડધું એશિયામાં અને અડધું યુરોપમાં એવું વિશાળ રશિયા યુદ્ધમાં યુરોપિયન સામ્રાજ્ય સામે લડતું રહ્યું હતું. રશિયાનો સમાજ ફ્યુડલ હતો. જમીનદારી અને સામંતશાહીમાં જકડાયેલા રશિયામાં ખેડૂતોની સ્થિતિ ગુલામોથી વિશેષ નહોતી. ભારતમાં પણ અંગ્રેજોએ જમીનદારી મજબૂત કરી હતી, પણ ભારતમાં ગુલામી કોઈ વર્ગ એક હદથી વધારે સહન કરતો નથી. તેના કારણે ભારતમાં પરિવર્તન આવ્યું ત્યારે તે બિનલોહિયાળ હતું. હિંસક ક્રાંતિની જરૂર ભારતમાં સદીઓથી પડી નથી અને છતાં પરિવર્તન આવતા રહ્યા છે. રશિયાએ યુદ્ધને કારણે થયેલી ખાનાખરાબી જોઈ હતી અને તે પછી આંતરિક યુદ્ધને કારણે, બોલ્શેવિક ક્રાંતિને કારણે થયેલી ખાનાખરાબી જોઈ હતી.

તોલ્સતોય પોતે જમીનદાર ભાયાત વર્ગના હતા. સાડા છ હજાર ગામો તેના ભાગે આવ્યા હતા. પણ બહુ પ્રથમથી જ સાહિત્ય અને ચિંતન તરફ વળી ગયેલા તોલ્સતોય તેમના ગામોના ખેડૂતો સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હતા. તેના કારણે જ કદાચ બોલ્શેવિક સામ્યવાદી ક્રાંતિ થઈ ત્યારે ઝારના આખા કુટુંબને ખતમ કરી નખાયું હતું. તે જ રીતે અનેક જમીનદારોના આખેઆખા કુટુંબ સાફ કરી નખાયા હતા, પણ તોલ્સતોય ખાનદાન સામે એવો રોષ હતો.
ભારતમાં માત્ર તોલ્સતોય તેમના સાહિત્યને કારણે નહિ, પણ ગાંધીજીને કારણે વધારે જાણીતા થયા છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ સામે લડત ચલાવી રહ્યા હતા ત્યારે સાથોસાથ સામાજિક પરિવર્તનો માટેના પ્રયોગો પણ કરવા લાગ્યા હતા. તેમને તોલ્સતોયના વિચારો સ્પર્શી ગયા હતા. તેમના વિચારો અને મનુષ્યની જીવનશૈલી કેવી હોવી જોઈએ તેના ચિંતનથી પ્રભાવિત થઈને તેમણે પોતાનો જે આશ્રમ સ્થાપ્યો હતો, તેનું નામ પણ તોલ્સતોય ફાર્મ રાખ્યું હતું.
મજાની વાત એ છે કે આશ્રમની કલ્પના ભારતીય સંસ્કૃતfમાં વધારે દૃઢ થયેલી છે. તે કલ્પનાથી જ તોલ્સતોય પ્રભાવિત થયા હતા અને તેના કારણે જ કલ્પના કરતા હતા કે પોતે સંસાર છોડીને ભારતીય સાધુ સંત જેવું જીવન જીવશે. જીવનના આખરી પડાવ સુધી, 80 વર્ષની ઉંમર સુધી તેઓ વ્યવહારમાં તેવું કરી શક્યા નહોતા. ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેની ખેંચતાણ તેઓ સતત અનુભવતા રહ્યા હતા. ગાંધીજી પણ આ દ્વિધાને સૌથી સારી રીતે સમજી શકે તેમ હતા. ગાંધીજીના પિતા દિવાન હતા. સૌરાષ્ટ્રમાં અસલી શાસન દિવાન જ કરતા હતા. તોસ્લતોયની જેમ ગાંધીજીને ગામડા વારસમાં નહોતા મળ્યા, પણ તેમને રાજકાજ અને રાજદ્વારીપણું વારસામાં મળ્યું હતું.
આમ છતાં બંનેના મન અધ્યાત્મ તરફ વધારે ઢળતા હતા. સમાજમાં મહત્ત્વના સ્થાનનો ઉપયોગ સમાજ માટે કેવી રીતે શકાય એ જ બંનેના જીવનનું લક્ષ્ય રહ્યું હતું. ગાંધીજી ભારતીય પરંપરાને વધારે આત્મસાત કરી શકે તેમ હતા, તેના કારણે તેઓ સંસારમાં રહેવા સાથે, રાજકીય રીતે સક્રીય રહેવા સાથે આશ્રમના સંતનું જીવન પણ જીવી શક્યા હતા. તોલ્સતોય તેવું કરી શક્યા નહોતા. તેના કારણે વૃદ્ધત્વમાં સ્થિતિ પલટાઈ હતી અને તોલ્સતોય કદાચ હવે ગાંધીજીના જીવનમાંથી અને ભારતીય આશ્રમ વ્યવસ્થામાંથી પ્રેરણા લેતા થયા હતા.
યુવાન ગાંધીએ તોલ્સતોયથી પ્રભાવિત થઈને દક્ષિણ આફ્રિકામાં ફાર્મનું નામ આપ્યું, પણ તોલ્સતોય 80 વર્ષના થયા ત્યારે તેમણે હવે દૃષ્ટિ ભારત અને ગાંધીના જીવન પર કરવી પડે તેમ હતી. બંને વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલ્યો હતો. તોલ્સતોયે પોતાની રીતે પણ પૂર્વના ચિંતનનો અભ્યાસ કર્યો હતો. બૌદ્ધ અને તાઓ પરંપરાને તેઓ સમજ્યા હતા. ખ્રિસ્તી હોવા છતાં ખ્રિસ્તી ચિંતનમાં તેમને મનના પ્રશ્નોના સંતોષકારક જવાબો મળ્યા નહોતા. એ જવાબો કદાચ તેમને બૌદ્ધ અને તાઓમાંથી મળ્યા હશે. પૂર્વના અધ્યાત્મનો પ્રભાવ તેમના વિચારોમાં દેખાવા લાગ્યો ત્યારે પોપે નારાજ થઈને તોલ્સતોય ખ્રિસ્તી જ નથી એવું જાહેર કરી દીધું હતું. તેઓ ખ્રિસ્તીવિરોધી છે એવું કહ્યું હતું. જોકે તોલ્સતોયને તેની પરવા નહોતી. ચર્ચનું વર્ચસ આમ પણ રશિયામાં સામ્યવાદીઓએ ખતમ કરી નાખ્યું હતું.
ધર્મના આંડબર વિનાનું સામ્યવાદી શાસન રશિયામાં આવ્યું હતું, પણ બહુ ઝડપથી તોલ્સતોય સમજી શક્યા હતા કે આ નવી રીત પણ જડ બની જશે અને જનતાને પીડશે. બહુ થોડા દાયકામાં આ ભય સાચો પડ્યો હતો અને ઝાર ગયા તેની સામે લેનીન અને સ્ટાલીનની સરખુખ્યતારીએ રશિયાની પ્રજાને બેહાલ કરી નાખી હતી. નિરાશ થઈને તોલ્સતોય પોતાની જાગીર છોડીને સાધુ જેવું જીવન જીવવા માગતા હતા, પણ તે શક્ય બનતું નહોતું. તેમની પત્ની સોફિયા તેમને સંસાર છોડીને જવા દેતી નહોતી. તેમના દીકરા મોટા થઈ ગયા હતા અને જાગીર સંભાળતા થઈ ગયા હતા, તે પછીય એકલા પોતે ક્યાંક ચાલ્યા જાય તે વાત કુટુંબમાંથી મંજૂર થતી નહોતી.
ગાંધીજીની જેમ સક્રિય રહેવા સાથે સાદાઈનું જીવન જીવવા તેમણે કોશિશ કરી પણ હતી, પણ ભારતીય પરંપરામાં જે શક્ય હતું તે રશિયન પરંપરામાં શક્ય નહોતું. ભારતમાં રાજા ભરથરી ભગવો પહેરે તો લોકો તેને સાધુ માનવા લાગે, રશિયામાં જાગીરદાર ઝૂંપડીમાં રહેવા જાય તો પ્રજા અચરજથી જુએ. આમાં કશુંક હશે એમ માનીને હજી પણ તેમનાથી દૂર જ રહે.
આવા સંજોગો વચ્ચે આખરે તોલ્સતોયે ઘર છોડીને નીકળી જવાનું નક્કી કર્યું. પત્ની સોફિયાને એક પત્ર લખીને એક બાજુ મૂકી રાખ્યો હતો, જેમાં લખ્યું હતું કે ભારતમાં જે રીતે 60 વર્ષે વ્યક્તિ સંન્યાસ આશ્રમમાં પ્રવેશે જે રીતે પોતે સંન્યાસ લેવા જઈ રહ્યા છે. આ પહેલાં તેમણે પોતાની જાગીર અને લેખનમાંથી મળતી રૉયલ્ટી સહિતની આવક પણ પત્નીને નામે કરી દીધી હતી. પણ ભારતમાં માણસ એક ઘડીમાં બધું છોડી દે તે રશિયામાં શક્ય બનતું નહોતું. બ્રહ્મચર્ય અને આત્મસંયમ અને અપરિગ્રહની વાતો 70 વર્ષ પછી અપ્રસ્તૂત હતી. આ વાત તેઓ સ્વંય સમજતા હતા. આખી જિંદગી જાગીરદાર જેવું જીવન જીવ્યા. એક ડઝન તો સંતાનો થયા હતા. લેખન સમાજના હિત માટે છે, આવક માટે નથી તેવી ફિલોસોફી છતાં રૉયલ્ટની આવક જમા થતી રહી હતી.તોલ્સતોય પોતે આ વાત સમજતા હતા. બહુ સારી રીતે સમજતા હતા અને કહેતા હતા કે પોતે જે ઉપદેશ આપી રહ્યા છે તેનું પાલન સ્વંય કરી શક્યા નથી તેનો અફસોસ છે. છેક 1897માં તેમણે પત્નીના નામે પત્ર લખીને પોતે ઘર છોડીને અકિંચન ચાલ્યા જશે તેવું લખ્યું હતું. પોતાના મૃત્યુ પછી આ પત્ર પત્નીને આપવો એવું તેમણે લખ્યું હતું. તે પત્ર દાયકા સુધી એમ જ પડ્યો રહ્યો. આખરે 10 નવેમ્બર 1910માં 82 વર્ષની ઉંમરે શિયાળાની ઠંડી રાત્રે તેઓ ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી પડ્યા. હાથમાં લાકડી અને ખભે નાનકડી ઝોળી નાખીને સાધુની જેમ નીકળી પડ્યા. દક્ષિણ રશિયા તરફ જતી ટ્રેનમાં તેઓ બેસી ગયા હતા. લગભગ દસેક દિવસ પછી દૂરના એક નાના સ્ટેશને તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્ટેશન માસ્તર લિયો તોલ્સતોયના વાચક હતા. તેમણે પોતાના પ્રિય લેખકને આ હાલતમાં ઓળખી કાઢ્યા. સમગ્ર જીવન એકલા સાધુની જેમ ભટકવાની કે રહેવાની તેમની તમન્ના પૂરી કરી શક્યા નહોતા, પણ રાજા જેવું જીવન જીવ્યા પછી મોત વખતે એકલા જ હતા. તેમની ઈચ્છા હતી કે પોતાનું અવસાન પણ ચૂપચાપ થઈ જાય. તે પણ ના થઈ શક્યું અને તેમની અંતિમવિધિમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમની વાંચી ના શકનારા ખેડૂતો અને ખેતમજૂરોની સંખ્યા પણ તેમાં મોટી હતી, કેમ કે હજી પણ તેમના માટે આ મોટો જાગીરદાર હતો. એવો જાગીરદાર જે બીજા જાગીરદાર જેવો જુલમી નહોતો. તેઓ તોલ્સતોયને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા, પણ કદાચ કબરમાં પણ તોલ્સતોયને અફસોસ હશે કે પોતાનો ઉપદેશ તેઓ ના જીવનમાં પાળી શક્યા, ના મોતમાં. જેમના માટે પ્રેરણાસ્રોત બન્યા હતા, તે ગાંધીજી પાસેથી પ્રેરણા મળી હતી કદાચ, પણ તે માર્ગે ચાલવામાં મોડું થઈ ગયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]