દક્ષિણ આફ્રિકામાં ભારતના ક્રિકેટરો જોરદાર રમત દાખવી રહ્યાં છે અને રેકર્ડ્સ બનાવી રહ્યાં છે. તેના કારણે સમાચારોમાં રહેલું સાઉથ આફ્રિકા તેની રાજકીય અસ્થિરતા માટે ભાગ્યે જ ભારતીય અખબારોમાં ચમકે છે. મજાની વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં રાજકીય ઉથલપાથલમાં એકથી વધુ ભારતીય પાત્રો પણ છે. દક્ષિણ આફ્રિકામાં બે સદી કરતાં પણ વધુ સમયથી ભારતીયો જઈને વસ્યાં છે. મહાત્મા ગાંધીને ગોરાઓ મોરિત્સવર્ગ નામના રેલવે સ્ટેશને ઉતારી મૂક્ંયા હતાં. ગોરાઓ સામે તેમણે ત્યાં રહીને લડત ચલાવી હતી. તે વખતે વસી ગયેલા મૂળ ભારતીયોની ચોથી કે પાંચમી પેઢી હવે ત્યાં છે. આ ઉપરાંત હાલમાં પણ કેટલાક ભારતીયો ત્યાં બિઝનેસ માટે ગયાં છે.આ બંને પ્રકારના ભારતીયો દક્ષિણ આફ્રિકામાં રાજકીય કૌભાંડોમાં ચર્ચામાં મધ્યસ્થ સ્થાને છે. ગોરાઓ સામે લડત ચલાવનાર આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી) હજી પણ સત્તામાં છે. વિપક્ષ ઊભો થઈ શક્યો નથી, પણ સતત સત્તાને કારણે એએનસીમાં જ જૂથબંધી જામેલી છે. જેકોબ ઝુમા લગભગ નવેક વર્ષથી પ્રમુખ હતા. તેમણે આખરે પક્ષમાંથી જ વિરોધના કારણે રાજીનામું આપી દેવું પડ્યું છે. તેમની સામે ભ્રષ્ટાચારના એકથી વધુ કેસો ચાલી રહ્યા છે. તેમણે કેસો તો દબાવી દીધા, પણ પક્ષમાં જ તેમની વિરોધનો અસંતોષ ખાળી શક્યા નથી.
તેમની સામે ઝુંબેશ ચલાવનારામાં એક છે પ્રવીણ જમનાદાસ ગોરધન. 1949માં ડરબનમાં જન્મેલા અને ત્યાં જ ભણીને ફાર્મસિસ્ટ બન્યા હતા. જોકે તેમને રાજકારણમાં વધારે રસ હતો એટલે 1994માં તેઓ સંસદમાં ચૂંટાયા હતા. તેઓ એક વકીલ જેવા હોંશિયાર છે અને વિરોધીઓ સામે પાકો કેસ તૈયાર કરે છે. તેમણે જેકોબ સામે ઊભા કરેલા કેસોને કારણે જ પ્રમુખે આખરે જવું પડ્યું છે. પ્રવીણ ગોરધન પોતે જ તેમની સરકારમાં 2009થી 2014 દરમિયાન નાણાપ્રધાન બન્યા હતા. બાદમાં 2015 પછી ફરીથી સરકાર બની તેમાં પણ પ્રધાન હતા, પણ આ વખતે તેમને પ્રધાનપદેથી હટાવી દેવાયા. માર્ચ 2017માં જેકોબ ઝુમાએ કેબિનેટમાં ફેરફારો કર્યા તેમાં પ્રવીણ ગોરધનને પડતા મૂક્યા હતા.
ગોરધનને હટાવવા પાછળ ભારતીય બિઝનેસ ફેમિલીને જવાબદાર માનવામાં આવે છે. તેમને ગુપ્તાબંધુઓ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્તાભાઈઓ થોડા દાયકા પહેલાં જ દક્ષિણ આફ્રિકા જઈને વસ્યા છે અને ત્યાં ધંધો જમાવ્યો છે. એવો જમાવ્યો છે કે અનેકને ખૂંચે. ગુપ્તાભાઈઓ નેટવર્કિંગ અને લાયઝનિંગના ઉસ્તાદ ગણાય છે. ટૂંકમાં દલાલીનો ધંધો કરે છે અને રાજકારણમાં એટલા ખૂંપેલા છે કે તેમના કહેવાથી પ્રધાન બનાવાય છે અને તેમના કહેવાથી પ્રધાનોને હટાવી દેવાય છે.ગુપ્તાબંધુઓનો ઉદય જેકોબ ઝુમા સાથે થયો હોવાનું માનવામાં આવે છે. જેકોબના એજન્ટ તરીકે ગુપ્તાઓની નામના છે. તેમના દિકરા અને જમાઈને ગુપ્તાઓએ પોતાની કંપનીઓમાં રાખ્યા હતા અને વિવાદ પછી છુટ્ટા કર્યા હતા. જેકોબના જાકુબીના ધંધા ગુપ્તાઓ કરી આપતા હતા. વિદેશમાં નાણાંની હેરફેર સહિતના કાળા કામોમાં બધે ગુપ્તાબંધુઓનો જ હાથ હોવાનું દક્ષિણ આફ્રિકામાં ખુલ્લેઆમ ચર્ચાય છે.
આમ છતાં ગુપ્તાબંધુઓનો વાળ પણ વાંકો થતો નહોતો. જેકોબ ઝુમાના ચાર હાથ તેમના પર હતા. બીજી બાજુ એએનસીમાં જેકોબ સાથે વિરોધ વધી રહ્યો હતો. તેમની સામે ઝુંબેશ ચલાવવામાં પ્રવીણ ગોરધન પણ એક હતા. જેકોબની જગ્યાએ અત્યારે સિરિલ રામ્ફોસાને સત્તા સોંપવામાં આવી છે. સિરિલની ટીમમાં પ્રવીણ ગોરધન અગત્યના મેમ્બર છે. જેકોબના કૌભાંડી તંત્રમાં સાફસૂફી કરવી પડશે અને અર્થતંત્રને પાટે ચડાવવું પડશે. આ બંને બાબતોમાં પ્રવીણ ગોરધન તેમના મુખ્ય આધારસ્તંભ સમાન બની રહેશે. ગુપ્તાબંધુઓની ગોલમાલ તેઓ જાણે છે. તેમની સામે કાનૂની લડતને તેજ કરવી પડશે. તેમને નાણા પ્રધાન તરીકેનો લાંબો અનુભવ છે. તે અનુભવ કામે લગાડી દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને પાટે ચડાવવું પડશે.
જોકે સિરિલ મધ્યમમાર્ગી મનાય છે. ગોરા લોકોનું બિઝનેસમાં પ્રભુત્વ રહેતું હોય તો તેમની સામે તેમને વાંધો નથી એમ મનાય છે. બીજી બાજુ દક્ષિણ આફ્રિકામાં એક વર્ગ હજી એવો પણ છે, જે માને છે કે ગોરાઓએ તેમને સદીઓ સુધી લૂંટ્યા તે સ્થિતિમાં હજીય ફેર પડ્યો નથી. હજીય ગોરાઓ જામે છે અને સાથોસાથ મૂળ ભારતીય વસતિ વેપારધંધામાં જામેલી છે. આ સ્થિતિમાં એએનસીનું તેમનું જૂથ સત્તા પર આવ્યું છે ત્યારે કસોટી થશે.દરમિયાન ગુપ્તાબંધુઓ સામે કાર્યવાહી શરૂ પણ થઈ ગઈ છે. તેમના વિશાળ રાજમહેલ જેવા નિવાસસ્થાનને ઘેરી લઈને દરોડો પાડવામાં આવ્યો હોવાના સમાચારો છે. ગુપ્તાબંધુઓ કિલ્લેબંધી કરીને રહે છે, કેમ કે તેમની સામે એટલો અસંતોષ છે કે ગમે ત્યારે હુમલો થઈ શકે. તેના કારણે તેઓ સશસ્ત્ર ગાર્ડ્સ રાખે છે. તેથી જ બુધવારે તેમના પર દરોડો પડ્યો ત્યારે દક્ષિણ આફ્રિકાની હથિયારધારી પોલીસને લઈ જવામાં આવી હતી. ગુપ્તા પરિવારના મોટાભાઈ અજય ગુપ્તાની ધરપકડ કરાઇ હોવાનું કહેવાય છે. પરંતુ આ લખાય છે ત્યારે સમાચારની ખરાઇ હજી થઈ નથી.
જ્હોનીસબર્ગમાં ઝૂ પાસે આવેલા ગુપ્તાબંધુઓનો લક્ઝુરિયસ બંગલામાં તપાસ ચાલી રહી છે. તેમની બીજી પણ મિલકતો છે. ત્યાં પણ દરોડા પડાયા છે.
ગુપ્તાબંધુઓ મૂળ ઉત્તરપ્રદેશના સહારનપુરના છે. ત્રણ ભાઈઓ અજય, અતુલ અને રાજેશ છે, જેમાંથી વચેટ અતુલ સૌથી મોટો ખેલાડી ગણાય છે. તેમના પિતા શિવકુમાર નાની દુકાન ચલાવતા હતા. પણ તેમને પહેલેથી જ પોતાના સંતાનો વિદેશ જાય તેનો મોહ હતો. તેમણે સૌથી નાના દિકરાને રશિયા મોકલ્યો હતો. બાદમાં ૧૯૯૩માં રાજેશ દક્ષિણ આફ્રિકા ગયો હતો. થોડો સમય નોકરી કર્યા પછી તે વખતે કમ્પ્યૂટરનો જમાનો આવ્યો હતો એટલે રાજેશે જ્હોનીસબર્ગમાં સહારા કમ્પ્યૂટર નામની કંપની ખોલી હતી. ભારતમાં કમ્પ્યૂપરનો ધંધો જામ્યો હતો તેના પરથી બોધપાઠ લઈને તે એસેમ્બેલ કરેલા કમ્પ્યૂટર વેચતો હતો. તેમાં એટલું કમાવા લાગ્યો કે થોડા વર્ષોમાં જ તેણે બંને ભાઈઓને ત્યાં બોલાવી લીધા હતા.
એસેમ્બલ કમ્પ્યૂર વેચવામાંથી આજે તે ખાણ અને ખનીજના અબજો રૂપિયાના ધંધા સુધી પહોંચ્યા છે. તે વખતે દક્ષિણ આફ્રિકાની સરકાર ઝડપથી કમ્પ્યૂટરાઇઝેશન થાય તેમ ઇચ્છતી હતી. દેશમાં આઇટીના જાણકારો ઓછા હતા. તેથી ગુપ્તાબંધુઓ ફાવ્યા. અધિકારીઓ અને તેમના મારફત નેતાઓનો પરિચય થયો. જેકોબ ઝુમા ત્યારે જૂનિયર નેતા હતા, પણ તે ભવિષ્યમાં આગળ વધશે તેમ ગુપ્તાઓને લાગતું હતું. તેથી તેમની સાથે ઘરોબો કેળવ્યો હતો. તેઓ જેકોબ સહિતના નેતાઓને ભારતની મુલાકાતે લઈ આવતા હતા. તેમને ધંધાના રસ્તા સૂઝાડતા હતા અને કમિશન વિદેશમાં કેવી રીતે સેરવી લેવાનું તે પણ શીખવતા હતા.
આ ભાગીદારી તેમને બહુ જ ફળી છે. બિઝનેસનું બહુ મોટું સામ્રાજ્ય દક્ષિણ આફ્રિકામાં તેઓ જમાવી શક્યા છે. જોકે તેમની રાજકીય દખલગીરીને કારણે ગુપ્તાઓ બદનામ થવા લાગ્યા હતા. એક નેતાએ આક્ષેપ કર્યો હતો કે પોતાને નાણાં લઈને પ્રધાન બનાવી દેવાની ઓફર ગુપ્તાબંધુઓએ કરી હતી. જોકે જેકોબ પ્રમુખ બન્યા પછી તેમનો દબદબો એવો હતો કે કોઈ અધિકારી તેમની સામે કાર્યવાહી કરી શકે તેમ નહોતા. આપણે ત્યાં પણ ઘણીવાર થયું છે તેમ, કેટલાક અધિકારીઓએ તેમની સામે કાર્યવાહી કરી ત્યારે રાતોરાત તેમની બદલીઓ થઈ જતી હતી. જેકોબ ઝુમા અને ગુપ્તાબંધુઓ વચ્ચે એટલો ગાઢ સંબંધ હતો કે તેમને કટાક્ષમાં ઝુપ્તા કહેવામાં આવે છે.
ગુપ્તા પરિવારમાં લગ્ન લેવાયા ત્યારે ભવ્ય દેખાડો કરવામાં આવ્યો હતો. છાકો પાડવા માટે એરફોર્સ માટે અનામત ગણાતા એરપોર્ટ પર ગુપ્તાઓનું વિમાન પણ ઉતારાયું હતું. તે વખતે પણ બહુ મોટો વિવાદ થયો હતો. તે વખતે ગુપ્તાબંધુઓએ માફી માગીને વાત ટાળી હતી. ગુપ્તાબંધુઓએ વગ જમાવવા મીડિયા હાઉસ પણ ઊભું કર્યું છે. ભારતમાં પણ કોર્પોરેટ દ્વારા મીડિયા પર કબજો મોટો ઇશ્યૂ બન્યો છે. નેતાઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધોમાં હંમેશા ગોટાળાના આક્ષેપો થવાના. ભારતમાં પણ કૌભાંડી બિઝનેસમેન અબજો રૂપિયાનું કરીને વિદેશ નાસી જાય છે. આવો વધુ એક કેસ નીરવ મોદીનો પણ બહાર આવ્યો છે ત્યારે ભારતમાં પણ નેતા અને વેપારીઓનું ગઠબંધન કેવી રીતે દેશને ચૂસી લેતું હોય છે તેની ચર્ચા ચાલી રહી છે. જોકે ભારતમાં લોકતંત્ર વધારે મજબૂત છે અને નિયમિત ચૂંટણીઓ દ્વારા સરકારો બદલાતી રહે છે. દક્ષિણ આફ્રિકાના લોકતંત્રે એટલી મજબૂતી દેખાડવાની બાકી છે. બિઝનેસ કૌભાંડના કારણે અત્યારે તો દક્ષિણ આફ્રિકામાં લોકતંત્ર, શાસક પક્ષ, જૂથબંધી અને રાજકીય અસ્થિરતા ચર્ચામાં છે. પ્રમુખ બદલાયા છે, પણ સ્થિતિ બદલાશે ખરી, તે જોવાનું રહ્યું.