યુરોપિયનો હંમેશાથી ગોરા નહોતાં?

કાન્હા ક્યૂં ગોરા નહીં…આનો સરસ જવાબ યશોદા મૈયા આપે છે, પણ તે જવાબમાં વિજ્ઞાનને રસ હોતો નથી. વિજ્ઞાનને પોતાના જવાબમાં રસ હોય છે. ચામડીના રંગ પાછળ પણ ઉત્ક્રાંતિનો સિદ્ધાંત છે કે નહીં તે જાણવામાં વિજ્ઞાનને હંમેશા રસ રહ્યો છે. તેથી જ તેના વિશે સંશોધનો થતાં રહે છે. હાલમાં બ્રિટનમાં એક સંશોધનમાં ફરી એકવાર એવો અંદાજ મૂકાયો છે કે યુરોપમાં પણ બધા જ વસવાટ કરનારા પ્રથમથી ગોરા નહોતા.જીવસૃષ્ટિ માટે સૂર્યપ્રકાશ સૌથી અગત્યનો છે. કેટલાક જીવો સમુદ્રમાં અંધારામાં, કેટલાક બરફના થરની નીચે અને કેટલાક ભૂતળમાં રહે છે ખરા, પણ તે સિવાયના જીવ અને વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ સૌથી અગત્યનો ગણાય છે. તડકામાં રહેવાથી કાળા થઈ જવાય એટલે શહેરોમાં હવે પુરુષો પણ માસ્ક પહેરીને નીકળતા થયા છે. યંગ લેડીઝ તો હવે ચહેરા પર સૂર્યપ્રકાશનું એક કિરણ પણ અડી ના જાય તેવી રીતે ઢંકાઈને નીકળે છે. તેના કારણે વિટામીન ડીની ઉણપ ઊભી થાય છે. આધુનિક જીવનશૈલીના કારણે ઊભી થયેલી બીજી આવી ટિપિકલ સમસ્યા છે બી-12ની. આ બંને વિટામીન બહુ અગત્યના ગણાય છે, પણ જીવનધોરણ બદલાયામાં તેમાં આ બંને વિટામીન મળતા નથી. આરઓના પાણીના કારણે પાણીમાં કશું સત્વ બચતું નથી. તેથી બી-12 મળતું બંધ થાય ત્યારે તેના ઈન્જેક્શનો લેવા પડે છે.

વિટામીન ડી મજબૂત હાડકા માટે અને રોગપ્રતિકારક શક્તિ માટે બી-12 જરૂરી છે. આ બંને મળતા બંધ થયા છે. તડકો શરીરને અડતો જ નથી તેથી ખોરાકમાં મળતું વિટામીન ડી કન્વર્ટ થતું નથી. વિટામીન ડીની ગોળીઓ પણ કામ આવતી નથી, કેમ કે સૂર્યપ્રકાશ મળે તો જ વિટામીન ડી મળે છે. આફ્રિકા અને એશિયામાં તડકો એટલો પડે છે કે તેનાથી બચવાના રસ્તા શોધવા પડે. ઉત્તર તરફ જઈએ એટલે યુરોપમાં સૂર્યસ્નાન કરવું પડે એટલો ઓછો તડકો પડે છે.

તડકો લાગવાથી કાળા થવાય તે વાત સાચી, પણ તેની પાછળ એક બીજું કારણ પણ છે. આફ્રિકા અને એશિયામાં તડકો વધારે પડે છે એટલે વિટામીન ડી ઝડપથી મળી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં ઓછો સૂર્યપ્રકાશ હોય તેથી વિટામીન ડી માટે ત્વચાનો રંગ જુદો પડ્યો હશે એવી માન્યતા છે. આ ફેરફાર છેલ્લા 10 હજાર વર્ષોમાં આવ્યો હશે. તે પહેલાં યુરોપમાં જઈને વસેલા માણસની ત્વચાનો રંગ પણ ગોરો નહીં હોય તેમ માનવામાં આવે છે. તેનો એક પુરાવો હાલ વિજ્ઞાનીઓએ આપ્યો છે. ગુફાઓમાંથી અને ખોદકામ દરમિયાન અશ્મી મળી આવે તેમાંથી ઘણી વાર ડીએનએ મળી આવે છે. પૂરતા પ્રમાણમાં ડીએનએ મળી આવે તો તેના આધારે સમગ્ર શરીર કેવું હશે તેનો અંદાજ મેળવી શકાય.

ડીએનએનું શાસ્ત્ર બહુ આગળ વધ્યું છે. એક કડી મળે તો તેની સાથે બીજી જોડીને રૂપ, રંગ, આકાર કેવો હશે તેનો અંદાજ લગાવી શકાય છે. બ્રિટનની એક ગુફામાંથી એક હાજપિંજર મળ્યું હતું. પ્રમાણમાં તે સલામત હતું અને તેમાંથી જ ડીએનએ પણ અભ્યાસ કરી શકાય તેટલું મળ્યું હતું.આ હાડપિંજર 10 હજાર વર્ષ જૂનું માનવામાં આવે છે. લંડનની નેચરલ હિસ્ટરી મ્યુઝિયમના સંશોધકોએ તેના ડીએનએ કાઢીને આ માણસ કેવો દેખાતો હશે તે જાણવાની કોશિશ કરી. તેમના આશ્ચર્ય વચ્ચે તેની ત્વચાનો રંગ ગોરો નહોતો અને તેની આંખો ભૂરી હતી. તેનો અર્થ એ કાઢવામાં આવ્યો કે દસ હજાર વર્ષ પહેલાં યુરોપમાં આવીને વસેલા મનુષ્યો આટલા ગોરા નહોતા. બાદમાં કોઈક કારણસર ત્વચા ગોરી થતી ગઈ.

1903માં આ હાજપિંડર મળ્યું હતું. તે વખતે ડીએનએ શાસ્ત્ર આટલું વિકસ્યું નહોતું. પરંતુ હવે કમ્પ્યૂટરની મદદથી આખી સિકવન્સ તૈયાર કરી શકાય છે. આ હાડપિંજર પર છેલ્લા 40 વર્ષથી સંશોધન થઈ રહ્યું હતું. નેચરલ હિસ્ટરીના પ્રોફેસર ક્રિસ સ્ટ્રિન્ગરની ટીમ અને યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોની ટીમે તેના આધારે આખો માણસ કેવો હશે તેનું જેનોમ મોડેલ તૈયાર કર્યું છે. તેને ચેડરમેન તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે બ્રિટનના ચેડર વિસ્તારની ગુફામાંથી હાજપિંજરના અવશેષો મળ્યા હતા.

આ માનવી પાષાણ યુગનો છે તેમ ધારવામાં આવે છે. પાષાણ યુગમાં યુરોપમાં આવીને વસેલા માનવીઓ આટલા ગોરા નથી તે વાત સાવ નવી પણ નથી. કેમ કે પૃથ્વી પર હિમયુગ બેઠો ત્યારે યુરોપ તદ્દન ઉજ્જડ થઈ ગયો હતો. 40,000 વર્ષ પહેલાં હિમયુગ બેઠો હતો ત્યારે અહીં જો વસતિ હશે તો તે પણ દક્ષિણ તરફ સરકી હશે. બાદમાં લગભગ 15000 હજાર વર્ષ પહેલાં બરફ ઓગળવા લાગ્યો અને યુરોપ ફરીથી મનુષ્ય રહી શકે તેવું થયું ત્યારે મધ્ય એશિયામાંથી ટોળાં તે તરફ સરકવા લાગ્યા હશે તેવી ધારણા છે. મેસોલિથિક જાતના મનુષ્યો યુરોપમાં જઈને વસ્યા હશે અને ચેડર મેન તેનો જ નમૂનો છે એમ વિજ્ઞાનીઓને લાગે છે. મેસોલિથિક મનુષ્યના અવશેષો સ્પેન અને હંગેરીમાંથી પણ મળ્યા છે.

ગોરી ત્વચા સાથેના લોકો 6000 હજાર વર્ષ પહેલાં મધ્ય પૂર્વમાંથી આવ્યા હશે તેવી પણ માન્યતા છે. એક બીજી માન્યતા પણ છે કે મૂળ આફ્રિકામાં જ એ જાતિ વસતિ હતી, જેની ત્વચાનો રંગ જેનેટિક ખામીને કારણે બદલાયો હતો. બાદમાં તે ટોળી ખસતી ખસતી યુરોપ જઈને વસી હતી. ઉજળી ત્વચાવાળા મનુષ્યોના ખોરાકમાં કઠોળ વધારે હશે તેમ મનાય છે. તે દૂધ પીવાનું હજી શીખ્યા નહોતા. તેથી પૂરતું વિટામીન ડી ખોરાકમાંથી મળે નહી, તેથી સૂર્યપ્રકાશમાંથી વધારે વિટામીન ડી મળે તે રીતે ત્વચાનો રંગ બદલાયો હશે તેવો તર્ક પણ કેટલાક વિજ્ઞાનીઓ આપે છે.

ચામડી ગોરી હોય કે કાળી કે પછી ઘઉવર્ણી શું ફરક પડે છે? આ વાત સમજાવવા માટે આપણે બહુ ફિલોસોફી ચલાવવી પડે છે, કેમ કે ઐતિહાસિક કારણોસર અને સાંસ્કૃત્તિક કારણોસર ત્વચાનો રંગ અને દેખાવ કેટલીક ધારણાઓ ઊભી કરે છે. તે ધારણાઓ સાથે વિજ્ઞાનને કંઈ સંબંધ નથી. તે પોતાની રીતે સંશોધન કરે છે, પણ તેના સંશોધનના કારણે ઐતિહાસિક અને સાંસ્કૃત્તિક ધારણાઓ ખોટી પડે ત્યારે ગણગણાટ થાય છે.

આવો ગણગણાટ થયો પણ છે. બોલો, ગોરા બ્રિટીશરોમાંથી કેટલાકને લાગ્યું કે પોતાના વડવાઓ કાળા હતા તેવા સમાચાર ચલાવી લેવાય નહિ. તેથી ચેડર મેનના સંશોધન વિશેના અહેવાલો ઘણા પ્રતિષ્ઠિત માધ્યમોમાં પ્રગટ થયા તે પછીય – આ તો ફેક ન્યૂઝ છે એવી કેમ્પેઇન સોશ્યલ મીડિયા પર ચાલી છે.

પણ આપણે ત્યાં તો ગીત ગાઈને મોજ લેવાની કે કાલે તો ક્યા હુવા, દિલવાલે હૈં…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]