બ્રિટનના વચગાળાના વડાપ્રધાન બોરિસ જોન્સન ૬ સપ્ટેમ્બરે વડાપ્રધાનનું સત્તાવાર રહેઠાણ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ છોડીને બ્રિટનના મહારાણી એલિઝાબેથ-દ્વિતિયને બકિંગહામ પેલેસમાં પોતાનું રાજીનામું આપવા જશે. પરંપરા મુજબ મહારાણી બ્રિટનની લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા આમંત્રણ મોકલાવશે. આ આખો પ્રસંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયો હોય છે. બોરિસ જોન્સન રાજીનામું આપી બકિંગહામ પેલેસમાંથી લોકસભાના સામાન્ય સભ્ય તરીકે બહાર નીકળશે અને એ જ સમયે સત્તાધારી બહુમતી ધરાવતા એમના જ પક્ષના નવા ચૂંટાયેલા નેતા પોતાની કારમાં પોતાની કારમાં પક્ષના મથકેથી નીકળી બકિંગહામ પેલેસ જવા રવાના થશે…
મહારાણી એમને બ્રિટનના વડાપ્રધાન બનવાનું અને પોતાની સરકાર ચલાવવા માટે કેબિનેટના સભ્યો નિમણુંક કરવાનું ફરમાન જાહેર કરશે. પછી તે નવા વડાપ્રધાન સરકારી ગાડીમાં વડાપ્રધાનના સત્તાવાર રહેઠાણ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચીને એક પ્રેસ કોન્ફરન્સ કરશે. ચાર્જ સંભાળ્યાની સાથે જ નવા વડાપ્રધાન પોતાની કેબિનેટના મોટાભાગના સેક્રેટરીની નિમણૂંક કરી લે છે.
વડાપ્રધાન અને કેટલાક કેબીનેટ કક્ષાના મંત્રીઓને ધ રાઇટ ઓનરેબલ કે રાઇટ ઓનરેબલ જેવા બીરુદ અપાય છે. જે વડાપ્રધાન રાજીનામું આપે છે તે એક સમ્માનની યાદી જાહેર કરે છે. આ લિસ્ટમાં દેશની સેવા કરનારા લોકોને MBE, OBE, CBE, સર જેવી પદવીઓથી નવાજાય છે. કેટલાકને રાજ્યસભામાં જેને હોઉસ ઓફ લોર્ડ્સ કહેવાય છે તેમાં Peer એટલે લોર્ડની પદવી અપાય છે. સ્ત્રીઓને બેરોનેસની પદવી અપાય છે. કેટલાકને પ્રિવી કાઉન્સિલર બનાવાય છે તો કેટલીક ખાસ સમિતિમાં મૂકાય છે, જે સરકારની ખાનગી ફાઈલો જોઈ શકે છે. આ દિવસે સાંજે નવા વડાપ્રધાન પોતાના પક્ષના હેડક્વાર્ટર જઈ પોતાની જીતની ઉજવણી કરે છે.
જોન્સનનું રાજીનામું
છેલ્લા ૧૩ વર્ષથી બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તા પર છે. અહીં ત્રણ મોટા રાજકીય પક્ષ છે. કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ ડેમોક્રેટીક. ૨૦૧૦માં કન્ઝર્વેટિવ પક્ષના ડેવિડ કેમરુન વડાપ્રધાન બન્યા હતા. સરકારે માગેલા લોકમત પ્રમાણે, બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી નીકળવાની જનતાની માંગને સરકારે સ્વીકારવી પડે તેમ હતી. કેમરુન એના પક્ષમાં ન હતા એટલે પોતાની નૈતિક ફરજ સમજીને એમણે રાજીનામું આપ્યું. કેમરુન પછી ટેરેસા મે વડાપ્રધાન બન્યાં, પણ એમની સામે બોરિસ જોન્સન જૂથે ભારે હોહા કરી. બ્રેકઝિટ મુદ્દે ટેરેસા મેને ખસેડીને જોન્સન વડાપ્રધાન બન્યા.
બોરિસ જોન્સન ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં પોતાના બળે પક્ષને જીતાડી વડાપ્રધાન બન્યા. એમના કેમ્પેઇન દરમ્યાન ભારતીય મૂળના પ્રીતિ પટેલે સાથ આપેલો એટલે બદલામાં એમને હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) બનાવ્યા. આફ્રિકાથી આવેલા ભારતીય મૂળના રિષી સુનકને નાણાંપ્રધાન બનાવ્યા.
બોરિસ જોન્સને એક ક્રિસ પિન્ચર નામના પક્ષના સભ્યને ચીફ વ્હીપ બનાવેલા. આ પિન્ચરના ચાલચલન વિષે ઘણા આક્ષેપો અને તપાસ ચાલતી હોવા છતાં બોરિસે એ વાત પોતાની જાણ બહાર હોવાનો દાવો સંસદમાં કરેલો. બ્રિટન જેવા દેશમાં સંસદમાં કોઇ જૂઠ્ઠું બોલે એ ચાલતું નથી. કહેવાય છે કે બોરીસે લગભગ ૨૭ જેટલા જુઠાણાં ઉચ્ચારેલા. રિષી સુનકના કહેવા પ્રમાણે છેલ્લે છેલ્લે એમની અને બોરિસ વચ્ચે આર્થિક નીતિ અંગે મતભેદો ઉભા થયેલા એટલે એમણે જુલાઈ, ૨૦૨૨માં રાજીનામું આપી દીધું. એ પછી આ કન્ઝર્વેટિવ પક્ષના લગભગ ૫૦ જેટલા મિનિસ્ટરોએ રાજીનામું આપી પોતાના જ વડાપ્રધાનની જૂઠ્ઠું બોલવાની ટેવ સામે અવિશ્વાસ દર્શાવ્યો અને છેવટે જોન્સનને રાજીનામું આપવાની ફરજ પડી.
હાલમાં એ સરકારના રખેવાળ વડાપ્રધાન છે. જો વિરોધ પક્ષે એમની સામે અવિશ્વાસની અને તાત્કાલિક ખસેડવાની પ્રસ્તાવના મૂકી પાસ કરાવી હોત તો કદાચ આખી સરકાર જ પડી જાત, પણ બોરિસનો યુક્રેનના મામલે નિર્ણય અને અર્થવ્યવસ્થાની કામગીરીના લીધે વિરોધ પક્ષો આ મામલે આગળ ન વધ્યા. એટલે હવે આ સતાધારી પક્ષનો આંતરિક મામલો બનીને રહી ગયો છે.
નવા નેતાની પસંદગી
નવા નેતાની પસંદગીમાં પહેલા રાઉન્ડમાં કેમી બેડનોચ, સુલેલાં બ્રેવરમેંન, જેરીમી હન્ટ, પેની મોરડોઉનટ, રિષી સુનક, લીઝ ટ્રસ, ટોમ તૂંગનેધૂત અને નદીમ ઝાહાવી ઉભા રહ્યા હતા. હવે ફાઇનલ રાઉન્ડમાં ફક્ત રિષી સુનક અને લીઝ ટ્રસ એ બે જ નામ છે. 5 સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ખબર પડશે કે કોણ પક્ષના મુખ્ય નેતા અને વડાપ્રધાન થશે.
લીઝ ટ્રસ એક પ્રોફેશનલ એકાઉન્ટન્ટ છે. ૧૯૯૬માં પક્ષમાં જોડાતા પહેલાં એ ડેમોક્રેટીક પક્ષનાં કાર્યકર હતાં. અહીંયા પણ પાર્ટી બદલાય છે. લીઝ ‘બ્રેકઝિટ’ નીતિની વિરુદ્ધમાં હતાં છતાં બોરીસે એમને વિદેશ સચિવ બનાવી સત્તામાં બેસાડ્યાં. જો એ નેતા તરીકે ચૂંટાશે તો બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ત્રીજા મહિલા વડાપ્રધાન બનીને ઇતિહાસ રચશે.
રિષિ સુનકના માતા-પિતા ભારતથી આફ્રિકા જઈને વસેલા. સુનક ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ છે અને ૨૦૦૬માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. એ ‘બ્રેકઝિટ’ નીતિની તરફેણમાં છે. એમના સસરા નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના સ્થાપક છે. એમનું સરકારી ઘર અને ઓફિસ વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટને અડીને 11, ડાઉનિંગ સ્ટ્રીટ છે. દિવાળીમાં પહેલીવાર આ ૧૧ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજે હિન્દુ તોરણ અને દિવાળીની રંગોળી જોવા મળેલી.
આ દેશની ચૂંટણીમાં એક વાત નોંધવા જેવી છે કે અહીં ચૂંટણીમાં અર્થવ્યવસ્થા, મોંઘવારી, ભાવવધારો, પગારનું ધોરણ, સરકારી સેવાઓ અને નોકરીઓની વાતોને મહત્વ અપાય છે. સંસદમાં જૂઠ્ઠાણાં ચલાવી લેવાતા નથી. કદાચ એટલે જ બ્રિટનની લોકશાહી દુનિયામાં એક મિશાલ ગણાય છે.
(બુધ્ધદેવ પંડ્યા, લંડન)