વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ પર ભાર મૂકવામાં આવે છે. એ જ રીતે રાજ્યશાસ્ત્રમાં પણ દિશાઓ પર ધ્યાન આપવામાં આવે છે. તેની પાછળ વાસ્તુ જેવું કોઈ વિજ્ઞાન નથી, પણ જગતમાં ઐતિહાસિક રીતે જે વિકાસ થયો તેની એક ચોક્કસ દિશા રહી છે. તેના કારણો ભૌગોલિક રહ્યાં છે. આબોહવાના પરિબળો પણ ખરા અને તે પછી આવે જે તે દિશાની પ્રજાએ કરેલી પ્રગતિ, પ્રજાએ કરેલા નવા સંશોધનો અને તેના કારણે બદલાયેલી ઇતિહાસની તરાહ.આસિયાન દેશોનું સંમેલન મનીલામાં યોજાયું તેમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતાં. તમે વાંચ્યું હશે કે ભારતની લૂક ઇસ્ટ પોલિસી, પૂર્વ તરફની પોલિસી પહેલાં કરતાં મજબૂત બની રહી છે. માત્ર પશ્ચિમ તરફ દ્રષ્ટિ ન કરવી, પણ પૂર્વના દેશો સાથે સારા સંબંધો રાખવા એટલી જ વાત તેમાં છે. પણ પશ્ચિમ તરફ જોવાની વાત કરીએ ત્યારે નજીકના પડોશી દેશોની વાત નથી, કેમ કે પશ્ચિમમાં સૌથી નજીકનો દેશ તો પાકિસ્તાન છે. પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા માગીએ છીએ એ વાત સાચી, પણ તેમાં ઇતિહાસ આડે આવે છે. એ જ રીતે પાકિસ્તાન પછી પશ્ચિમે દેશો ગણતાં જાવ, છેક તુર્કી સુધી ઇતિહાસ આડો આવે છે.
તેનો અર્થ એ કે આપણી પશ્ચિમની પોલિસી સીધી યુરોપથી શરૂ થાય અને આગળ વધીને અમેરિકા સુધી પહોંચે. તેની સામે પૂર્વની પોલિસીમાં બાંગ્લાદેશથી જ શરૂઆત થાય. તે પછી તરત જ મ્યાનમાર આવે અને આગળ જતાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સુધી. ત્યાંથી આગળ વધીને ફિલિપાઇન્સ સુધીની આપણી ગણતરી નહોતી, પણ આ વખતે આસિયન સંમેલન ફિલિપાઇન્સમાં હતું એટલે નરેન્દ્ર મોદી ત્યાં પણ પહોંચ્યાં.નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોમાં પૂર્વ એશિયાના દેશોનું મહત્ત્વ અત્યાર સુધી રહેલું હતું, પણ ફિલિપાઇન્સ તેમાં અગત્યનો દેશ નથી. ફિલિપાઇન્સ એક ઉતારો હતું. ફિલિપાઇન્સમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓ પણ આવ્યા હતાં. એથી આસિયન સંમેલન કરતાંય આ ચાર રાષ્ટ્રોના વડાઓ વચ્ચે થયેલી મુલાકાતને વધારે મહત્ત્વ મળ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લઈને મનીલા પહોંચ્યાં અને અહીં આવીને તરત જ ભારતના નેતૃત્ત્વના વખાણ કરી લીધાં. એ કરવા જરૂરી હતાં, કેમ કે ચીનની મુલાકાત દરમિયાન તેમણે ચીનના નેતૃત્ત્વનો પણ સ્વીકાર કર્યો હતો. ચીન સાથે વેપારી સંબંધો ગાઢ કરવાની વાત કરી હતી. અમેરિકાનું બજાર ચીની આઇટમોથી ઉભરાઈ રહ્યું છે એટલે ચીન સાથે કેમ ડીલ કરવી તેની ચિંતા ખરી, પણ વધારે ચિંતા ચીન મહાસત્તા બનવા માગે છે તેની છે. ફિલિપાઇન્સની ઉત્તરમાં આવેલો સમુદ્ર દક્ષિણ ચીન સમુદ્ર કહેવાય છે. આ ભૌગોલિક નામ છે, પણ ચીન દાવો કરે છે કે તેના પર પોતાના હક છે. અહીં કૃત્રિમ ટાપુઓ બનાવીને ચીન કબજો જમાવી રહ્યું છે ત્યારે ચીનને નાથવું કેમ તે સવાલ મહાસત્તા તરીકે અમેરિકાને પણ સતાવે છે.
ફિલિપાઇન્સ ખ્રિસ્તી દેશ છે તે પણ યાદ રાખવું જોઈએ. બૌદ્ધ ધર્મી દેશો વચ્ચે આવેલો ખ્રિસ્તી દેશ. એટલે અહીં ફરી પેલી દિશાઓ પ્રમાણે પ્રગતિ અને ઘટનાક્રમ બન્યો તેને યાદ કરી લઈએ. ભારતમાંથી બૌદ્ધ ધર્મ ફેલાયો તે પૂર્વમાં ફેલાયો હતો. સમગ્ર પૂર્વ એશિયામાં અને ઉત્તર એશિયામાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. ભારતીય સામ્રાજ્યો પણ પૂર્વમાં સ્થપાયા હતાં. પણ તે પછી મધ્યયુગ આવ્યો અને મધ્ય પૂર્વમાંથી ઇસ્લામી ધાડાઓ ભારત પર ફરી વળ્યાં હતાં. ભારતની પ્રજાએ દ્રષ્ટિ પશ્ચિમ તરફ કરવી પડી હતી. મીનવ્હાઇલ પૂર્વ દિશા જે બૌદ્ધ ધર્મ અસર હેઠળ નૂતન બન્યો હતો તે સ્થગિત થઈ ગયો હતો.
મધ્યયુગમાં એશિયામાં આ હલચલ થઈ રહી હતી ત્યારે બહુ દૂર પશ્ચિમમાં યુરોપમાં નવજાગૃતિ શરૂ થઈ ગઈ હતી. બહુ બદનામ થયેલો સેક્યૂલર શબ્દ ત્યારે ત્યાં પ્રબળ બન્યો હતો. ધર્મને સમાજ, શાસન અને રાજકારણથી દૂર કરવાની પ્રક્રિયા ત્યાં ચાલી અને નવોન્મેષ જાગ્યો. માણસ જવાબો ધર્મમાં નહીં, પણ અન્યત્ર શોધવા લાગ્યો અને તેમાંથી સાયન્સ ઊભું થયું અને ઔદ્યોગિક ક્રાંતિ આવી. મૂળ દારૂગોળો ચીનમાં શોધાયો હતો, પણ આલ્ફ્રેડ નોબેલ દ્વારા બનેલો દારૂગોળો અને બંદૂક અને તોપને કારણે વ્હાઇટ પ્રજાએ ઇસ્ટ વેસ્ટ બધે જ સામ્રાજ્યો સ્થાપી દીધાં. તેના કારણે સમગ્ર એશિયા અને આફ્રિકાએ પશ્ચિમ તરફ જોવું પડતું હતું.
અમેરિકા નામનો નવો ખંડ વ્હાઇટ પ્રજાએ કબજે કરી લીધો અને સ્થાનિક પ્રજાનું નિકંદન કાઢી નાખ્યું. એ એક નવી દુનિયા હતી, અને પ્રાચીન પરંપરા ધરાવતી બધી જ સંસ્કૃતિઓએ લૂક વેસ્ટ કરવાની ફરજ અત્યાર સુધી પડતી રહી છે. એ કંઈક અજબ દુનિયા ઊભી થઈ રહી હતી. ફ્રાન્સની ક્રાંતિ અગત્યની, પણ લોકશાહી અમેરિકાની વધારે પ્રભાવકારી બની છે અને દુનિયા કઈ દિશામાં જશે તે નક્કી અમેરિકા કરે છે.
આવા સંજોગો વચ્ચે ફરી પૂર્વમાં ચીન અને ભારત બે દેશો દિશા પરિવર્તન કરી શકે તેવી સ્થિતિમાં આવીને ઊભા છે. ભારતે પશ્ચિમના મૂળ સેક્યૂલર અને અમેરિકાના લોકશાહી સ્વભાવને આવકાર્યો છે. ચીને પણ મૂળ સેક્યુલર વિચારને આવકાર્યો છે, લોકશાહી પ્રણાલીને બાદ રાખીને. ચીન વધારે ઝડપથી વિકસ્યું છે અને વિકસી રહ્યું છે, જ્યારે લોકશાહી પ્રણાલીને કારણે ભારતની ચાલ ધીમી છે તેવો ગણગણાટ છે. આવા ગણગણાટ વચ્ચે પ્રાચીન ગૌરવનું ગાન પણ વધ્યું છે અને તેના કારણે લૂક ઇસ્ટ પોલિસી પણ પ્રબળ બની છે, કેમ કે પૂર્વ દિશા ભારતના ભવ્ય વારસાની યાદ અપાવી શકે છે. પણ સવાલ એ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નહીં, પણ રાજ્યશાસ્ત્ર પ્રમાણે ભારતને કઈ દિશા સૌથી વધુ લાભ કરાવશે?