ચીલીમાં તોફાનો થઈ રહ્યાં છે. રાજધાનીના શહેર સેન્ટિઆગો અને બીજા ત્રણ મોટા નગરોમાં તોફાનો ફેલાયાં છે. એક શોપિંગ મૉલમાં આગ ચાંપી દેવાઈ તેમાં ત્રણનાં મોત થયાં હતાં. નવાઈ લાગશે, પણ લાગવી ન જોઈએ, કે આ તોફાનો મેટ્રો ટ્રેનની ટિકિટના દર વધ્યા એટલે શરૂ થયાં હતાં. ઘણાં બધાં મોટા તોફાનો, મોટા આંદોલનો નાની એવી ઘટનામાંથી થયાં હોય છે. પણ તે ઊંટની પીઠ પરના છેલ્લાં તણલખાં જેવા હોય છે. નવનિર્માણનું આંદોલન હોસ્ટેલની કેન્ટિનમાં ભાવવધારો થયો તેમાંથી શરૂ થયું હતું.
અસંતોષ ધીમેધીમે પેદા થતો હોય છે. ઘણી હદે પ્રજા સહન કરી લેતી હોય છે. પછી સહનશક્તિ ખૂટવા આવે ત્યારે કોઈ એક ઘટના બને અને તેમાંથી આંદોલન ફૂટી નીકળે. તેનો લાભ રાજકીય નેતાઓ અવશ્ય લે. અનામત આંદોલન માધવસિંહ સોલંકીના વખતમાં થયેલું ત્યારે તે હિંસક બની ગયું હતું. સમગ્ર રીતે તેનું સ્વરૂપ રાજકીય બની ગયું હતું. જાણકારો કહે છે કે તે વખતે આખરે દિલ્હીના કોંગ્રેસના મોવડીમંડળે ભાજપના મોવડીઓનો સહારો લેવો પડ્યો હતો. અનામત આંદોલનના તોફાનો વધીને કોમી સ્વરૂપ ધારણ કરવા લાગ્યાં હતાં તેથી ભાજપના મોવડીઓ સમજાવે તો જ આંદોલન શમે તેમ હતું. તેથી આખરે દિલ્હીના ભાજપના નેતાઓએ અમદાવાદ આવીને સ્થાનિક નેતાઓને સમજાવ્યાં હતાં ત્યારે આંદોલન ધીમું પડ્યું હતું. જોકે તેમાં માધવસિંહનો ભોગ લેવાઈ ગયો તે જુદી વાત છે.
ચીલીમાં શું થશે આગળ તે માટે રાહ જોવી પડશે, પણ તોફાનોની શરૂઆત મેટ્રોની ટિકિટ મોંઘી થઈ તેમાંથી થઈ. મેટ્રોમાં શાળાના બાળકો અને કૉલેજિયનો પણ પ્રવાસ કરતા હોય છે. શિક્ષણ મોંઘું છે, તેમાં બાળકોના પાસ પણ મોંઘા થયાં. વાલીઓ ઉશ્કેરાયાં અને હડતાળ પાડવામાં આવી. પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાએ ગયા શનિવારે જાહેરાત કરી કે ભાવવધારો પાછો ખેંચી લેવાયો છે. તોફાનો વધતાં જોઈને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.
નવનિર્માણમાં જેમ હોસ્ટેલમાં રહેતાં કૉલેજિયનોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા, તેમ ચીલીમાં વિરોધ પ્રદર્શનોની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ કરી હતી. પ્રદર્શનો માટે એકઠાં થયેલાં વિદ્યાર્થીઓ સાથે બીજા પણ જોડાઈ ગયાં. ટોળું મોટું થઈ ગયું અને ધમાલ શરૂ થઈ ગઈ. મેટ્રો સ્ટેશનોને આગ ચાંપી દેવાઈ, બસો સળગાવી દેવાઈ, શોપિંગ મોલમાં લૂંટફાટ થઈ અને દુકાનોને પણ સળગાવી દેવાઈ.
ચીલીમાં લશ્કરી શાસનનો લાંબો ઇતિહાસ રહ્યો છે. 1973માં સેનાના જનરલ ઓગસ્ટો પિનોશેચે સત્તા કબજે કરી લીધી હતી. 17 વર્ષ સુધી તેમનો લોખંડી પંજો દેશ પર રહ્યો. તે પછી 1990માં ફરી ચીલીમાં ચૂંટણીઓ યોજાઈ અને લોકશાહી પરત ફરી હતી. તે પછીના આ વર્ષોમાં પ્રમાણમાં શાંતિ રહી છે, પણ લોકશાહી પરત ફર્યા પછીય આર્થિક અને બીજી સમસ્યાઓ દેશમાં યથાવત રહી છે. ચીલીના જાણકારો કહે છે કે લોકશાહી આવ્યાં પછી ઉપર ઉપરથી શાંતિ છે, પણ અંદરખાને અસંતોષ છે. સામાન્ય આર્થિક વિકાસ થયો છે, પણ તેમાં અસમાનતા વધારે ઊભી થઈ છે. આર્થિક વિકાસનો લાભ અમુક જ લોકોને મળ્યો છે. સરકારની ખાનગીકરણની નીતિ અને જાહેર પરિવહન જેવી સેવાઓમાં પણ ખાનગીકરણને કારણે લોકોમાં થોડો થોડો રોષ હતો જ. એક તરફ વિકાસનો લાભ મર્યાદિત લોકોને મળ્યો, પગારો અને આવકમાં ખાસ વધારો ન થયો હોય અને મેટ્રોના તથા બસના ભાડાં વધી ગયાં એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ ફાટી નીકળ્યો.
તોફાનો એટલા વધ્યાં કે 1990માં લોકશાહીની પુનઃસ્થાપના પછી ફરી એકવાર ઇમરજન્સી લાગુ કરવી પડે છે. શનિવારે ભાડાવધારો પાછો ખેંચવાની જાહેરાત થઈ હતી. તે પછી બીજા દિવસે રવિવારે પ્રમુખ પિનેરા સેનાના વડામથકે પહોંચ્યાં હતાં. તેમણે ત્યાંથી રાષ્ટ્રજોગું સંબોધન કરીને જણાવ્યું કે દેશના કાયદાની પરવા કર્યા વિના અનહદ હિંસા ફેલાવી રહેલા દુશ્મન સામે અમે લડી રહ્યાં છીએ. રવિવારે તેઓ સેનાના વડામથકે પહોંચ્યાં તે પહેલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાગૃહના નેતાઓ અને ન્યાયતંત્રના વડાઓને પણ મળ્યાં હતાં. તેમની સાથેની ચર્ચામાં પ્રમુખે ખાતરી આપી હોવાનું કહેવાય છે કે તેઓ અનહદ વધી ગયેલી અસમાનતા દૂર કરવા પ્રયત્નો કરશે. ચીલીના સમાજમાં અસમાનતાના કારણે અત્યાચારો થઈ રહ્યાં છે તેને નાબૂદ કરવા માટે પોતાની સરકાર પ્રતિબદ્ધ છે તેવી ખાતરી તેમણે આપી હતી.
આ બધાં ઘટનાક્રમને એ રીતે જોવાઈ રહ્યો છે કે દેશની સ્થિતિ ગંભીર છે. ન્યાયાધીશોને મળવું પડે, સેનાના વડામથકે જઈને રાષ્ટ્રજોગું સંબોધન કરવું પડે તે ગંભીર સ્થિતિ દર્શાવે છે. પ્રમુખે પણ સ્વીકાર્યું કે દેશમાં અસમાનતા વધી ગઈ છે. અસમાનતા એક હદે દરેક દેશમાં હોય છે, પણ અસમાનતાને કારણે વંચિત વર્ગ માટે મુશ્કેલીઓ વધવા લાગે અને તેઓ જેને નોર્મલ ગણતા હોય તે રોજબરોજનું જીવન પણ મુશ્કેલ બનવા લાગે ત્યારે અસંતોષ ફાટી નીકળતો હોય છે.
બાળકોના શિક્ષણની વાલીઓને પરવા હોય છે. સંતાનોના ભવિષ્યની એક આશા શિક્ષણ પાછળ હોય છે. મોટા શહેરોમાં દૂર દૂર શાળા અને કોલેજો હોય. સિટી બસ અને મેટ્રોને કારણે આવનજાવન થઈ શકતી હોય, પણ તેમાં ભાવ વધે અને આવનજાવન મુશ્કેલ બને ત્યારે અસમાનતાને કારણે જીવન કેવું દોહ્યલું બની રહ્યું છે તેનો ખ્યાલ વધારે સ્પષ્ટ રીતે સામાન્ય પ્રજાને આવે છે. આ રોષ ફાટી નીકળવાનું કારણ એ મનાઈ રહ્યું છે. ખાનગી વાહનોમાં બાળકોને શાળાએ મોકલવાનું પરવડે તેમ જ ન હોય ત્યારે વાલી કેટલા અકળાય તેનો આ નમૂનો છે. વાલીઓ ગરીબી સહન કરી લે છે, પણ બાળકો ભણી નહીં શકે અને તેમનું ભવિષ્ય બગડશે તે ચિંતા વધારે અકળાવનારી હોય છે. ભણીને બધાને રોજગારી નથી મળવાની, પણ આશામાં એમ જ વર્ષો નીકળી જાય છે. આશા પણ ન રહે ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે.
અસમાનતા પણ એ રીતે જ મોટા ભાગે વિકાસશીલ દેશોમાં સહન થતી હોય છે. અસમાનતા ઊડીને આંખે વળગે, પણ ધીમે ધીમે તેમાં ઘટાડો થઈ રહ્યો છે અને આવતીકાલ ઉજળી છે તે આશામાં આખી પેઢી ગરીબીમાં કાઢી નાખે છે. પણ અસમાનતા વધતી જ રહે અથવા ઘટે જ નહીં, ત્યારે આશા પણ ધૂંધળી થવા લાગે છે.
ભારત હજીય વિકાસશીલ દેશ જ છે, વિકસિત દેશ નથી. ભારતમાં અસમાનતા વધી છે, પણ ફરક એટલો છે કે તળિયાના લોકોની સ્થિતિ, પ્રમાણમાં, સરખામણીમાં થોડી થોડી સુધરી રહી છે. દેશના માલેતુજારો વિશ્વની સૌથી મોંઘી કાર વાપરે, પણ પોતે ટુવ્હીલર લઈ શકતો હોય ત્યાં સુધી અસમાનતા સહ્ય બને છે. સાયકલની જગ્યાએ પોતે સૌથી સસ્તી બાઇક લીધી તે વાત જીવનની આશાનો આધાર બની રહે છે. કદાચ એવું બને કે અડધી જિંદગી એ સૌથી સસ્તી બાઈકમાં જ પસાર થશે, અને બહુ વર્ષો પછી ફરી એકવાર નવું, તે વખતનું પણ સૌથી સસ્તું બાઈક ખરીદી શકશે.
પણ સસ્તું ટુ વ્હીલર ખરીદવા માટે પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિ આવે ત્યારે ચીલી જેવો અસંતોષ જાગે કે ના જાગે? ભારતમાં હાલમાં મંદીની સ્થિતિ છે, જે સરકાર સ્વીકારવા માગતી નથી. ભાજપના રવિશંકર પ્રસાદ જેવા નેતાઓને ફિલ્મ શનિરવિમાં એકસો કરોડનો ધંધો કરી લે છે તે જ દેખાય છે. તેમને એ નથી દેખાતું કે ઑટો સેક્ટરમાં મંદી આવી છે, તેમાં ટુવ્હીલરને પણ થોડી અસર થઈ છે.
ઓટો સેક્ટરની મંદી એટલે કાર, બસ વગેરે ઓછા વેચાતાં થાય તેને વચગાળાની મંદી પણ ગણી શકાય. પણ આ વખતે બાઇકના વેચાણમાં પણ વૃદ્ધિ મંદ પડી અને કમર્શિયલ વેહિકલ એટલે કે ટ્રકનું વેચાણ પણ ઘટ્યું છે. તે ચિંતા કરાવે તેના ચિહ્નો છે. યુવાનને નોકરી મળી જાય એટલે તે ટુવ્હીલર ખરીદે. ટુવ્હીલર થોડા ઓછાં વેચાતાં થયાં તેનો અર્થ નોકરીઓ બધાંને મળી રહી નથી. અથવા એવી નોકરી નથી મળી રહી કે લાંબા ગાળાનો વિશ્વાસ અને આશા જાગે.
ચીલીમાં ભાવવધારો પાછો ખેંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે. સાથે જ પ્રમુખે સમસ્યા સ્વીકારી, અસમાનતા સામાજિક અત્યાચાર પેદા કરી રહી છે તે પણ સ્વીકાર્યું અને તેના ઉપાયો માટે સેના, વિપક્ષ અને ન્યાયતંત્રના અગ્રણીઓને ખાતરી આપી છે. પ્રમુખને ખ્યાલ આવી ગયો છે કે પોતાની લોકપ્રિયતા ઘટી રહી છે. તેમનું એપ્રૂવલ રેટિંગ હાલમાં જ બે પોઈન્ટ ઘટી ગયું છે. ડિએપ્રૂવલ રેટિંગ વધીને 58 ટકા થઈ ગયું છે.
આખી વાતમાં ભડકો એટલે થયો કે એકતરફ ચાર ટકાનો ભાડા વધારો કરાયો, બીજી બાજુ પ્રમુખ સિનેરાના પૌત્રનો જન્મદિવસ હતો તેની ઉજવણી એક મોંઘા પીત્ઝા પાર્લરમાં કરાઈ હતી. પીત્ઝાની મજા માણી દાદા અને પૌત્રની તસવીરો ફરતી થઈ, તે જોઈને પોતાના શાળાએ જતાં બાળકોની હાલત કેવી થઈ રહી છે તેનો રોષ ચીલીના વાલીઓમાં જાગ્યો હતો. ચીલીના મેટ્રો અને બસના ભાડાં આમ પણ ઊંચાં હતાં, તેમાં વળી ચાર ટકાનો વધારો થયો અને પ્રમુખ અને તેનો પૌત્ર પીત્ઝાની મજા માણી રહ્યાં હતાં. અસમાનતાનું આ ચિત્ર ચીલીના લોકોને એટલું વાગ્યું કે તોફાનો ફાટી નીકળ્યાં હતાં.