પડોશી બદલી શકાતા નથી. પડોશીને ત્યાં પળોજણ થાય ત્યારે પંચાત કર્યા સિવાય છૂટકો નહીં. રાજીવ ગાંધી જંગી બહુમતી સાથે વડાપ્રધાન બન્યા પછી બે પડોશી દેશોમાં સેનાને મોકલી હતી. તેમાંથી એક શ્રીલંકામાં લાંબો સમય ભારતીય સેનાને કામગીરી બજાવી અને ભારે નુકસાની પણ વેઠવી પડી. એવી જ રીતે 1988માં ભારતે માલદિવમાં સેના મોકલી હતી. જોકે તે વખતે બહુ ઝડપી કામગીરી સેનાએ કરી હતી. થોડા જ કલાકોમાં બળવાખોરોને ખદેડીને માલદિવની રાજધાની માલેને મુક્ત કરાવી હતી અને તે વખતના પ્રમુખ અબ્દુલ ગયુમને સલામત બહાર કાઢી લીધાં હતા.
એ જ પડોશી દેશ માલદિવમાં ફરી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. વર્તમાન પ્રમુખ અયોગ્ય છે એવી અરજી ત્યાંની સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. બધા જ વિપક્ષોએ ભેગા થઈને પ્રમુખ અબ્દુલ યામીન સામે અરજી કરી છે. યામીનને કામચલાઉ રીતે સત્તા પરથી દૂર કરવાની માગણી વચ્ચે માલદિવના વિદેશપ્રધાન હાલ ભારત આંટો પણ મારી ગયા છે. માલદિવ માટે ભારતની દોસ્તી સૌથી અગત્યની છે એવું કહેવા માટે તેઓ આવ્યાં હતાં, પણ સાથોસાથ રાજકીય પરિસ્થિતિની પણ ચર્ચા થઈ હશે તેમ માનવામાં આવે છે.
આ વખતે ભારત દખલ દે તેવી કોઈ શક્યતા નથી, કેમ કે લોકતાંત્રિક ઢબે પ્રમુખનો વિરોધ થઈ રહ્યો છે. અબ્દુલ ગયુમ સામે નવેમ્બર 1988માં બળવો થયો હતો અને તેમને સત્તા પરથી હટાવી દેવાયા હતા. શ્રીલંકામાં લડત ચલાવી રહેલા એક તમિલ જૂથે આ હુમલો કર્યો હતો. પિપલ્સ લિબરેશન ઓર્ગેનાઇઝેશન ઓફ તમિલ ઇલમના કેટલાક ગેરીલા બોટમાં આવ્યા અને માલે એરપોર્ટને કબજે કરી, બાદમાં રેડિયો સ્ટેશન સહિતની સરકારી ઇમારતોને કબજે કરી લીધી હતી. બહુ નાનું જૂથ હતું, પણ માલદિવની પોલીસ કે સેના પણ તેનો સામનો કરી શકી નહોતી.
આજે એવી સ્થિતિ નથી, કેમ કે સેના પર અબ્દુલ યામીનની મજબૂત પકડ છે. બીજું, માલદિવની સુપ્રીમ કોર્ટ સરકારને હટાવી શકે નહીં. સરકારને હટાવવાનું કામ સંસદે કરવાનું હોય. મજલિસ તરીકે ઓળખાતી સંસદમાં વિપક્ષો એક થાય તો તેમની સંખ્યા વધી જાય તેમ છે. બીજું સાત મહિના પછી ચૂંટણી થવાની છે એટલે સંસદમાં લડવાના બદલે અદાલતમાં અને બાદમાં લોકોની અદાલતમાં જ વિપક્ષે લડવું રહ્યું.
એક વાર બળવાનો સામનો કરી ચૂકેલા અબ્દુલ ગયુમ પણ અત્યારે વિપક્ષમાં છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે યામીનના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. આક્ષેપોની તપાસ માટે એક કમિટી બેસાડવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે પ્રમુખને કામચલાઉ સત્તા પરથી દૂર કરવા જોઈએ. પણ તેમ થાય તેમ લાગતું નથી, કેમ કે મજલિસમાં કોઈ કાર્યવાહી જ ન થાય તેવી નીતિ યામીને અપનાવી છે. પોતાની સંપૂર્ણ બહુમતી ન હોવાથી વિપક્ષે એક થવાની કોશિશ કરી ત્યારે પ્રમુખે સેનાને સંસદમાં બોલાવીને વિપક્ષી સભ્યોને બહાર કાઢ્યા હતા. તે પછી મજલિસમાં કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા નથી. સાત મહિના પછી ચૂંટણી થશે કે કેમ તેની પણ હવે શંકા વિપક્ષને છે. કેટલાક કાયદાઓ પસાર કરીને નાગરિકોના અધિકારો મર્યાદિત કરાયા છે. બંધારણ બદલી નાખવાની પણ પ્રમુખ યામીનની ગણતરી હોય તેમ માનવામાં આવે છે.
જો યામીન ચૂંટણી ન કરે અને ડિક્ટેટરની જેમ શાસન કરવાની કોશિશ કરે તો ભારત શું કરે તે જોવાનું રહ્યું. ભારત માટે પ્રમુખ યામીન આમ પણ અળખામણા થયેલાં છે, કેમ કે તેમણે પણ ભારતનું નાક દબાવવા ચીન સાથે સંબંધો વધારવાની કોશિશ કરી છે. બીજું ભારત સામે દખલગીરીના આરોપો પણ મૂકાતા રહ્યાં છે. નેપાળમાં જે રીતે એક વર્ગ ભારતની દખલગીરી છે એમ કહીને ભારતવિરોધી સ્વર કાઢતો હોય છે તેવું માલદિવમાં પણ થઈ રહ્યું છે. અબ્દુલ ગયુમે લાંબો સમય શાસન કર્યું હતું અને તેમની સામે બળવો થયો ત્યારે ભારતે તેમને બચાવીને ફરી સત્તામાં બેસાડ્યા હતા. પણ તે પછી સત્તા બદલાઇ છે.
ભારત હવે પોતાને અનુકૂળ હોય તેવી સરકાર માલદિવમાં લાવવા માગે છે તેવું પણ શાસન પક્ષના ટેકેદારો બોલતા થયા છે. ભારતના વિદેશ મંત્રાલયે જરૂર પડી ત્યારે આવી વાતોને મક્કમતાથી નકારી કાઢી છે, પણ દક્ષિણ એશિયામાં સૌથી મોટા દેશ તરીકે ભારતે આવા આક્ષેપો સાંભળવા પડે છે. એક રીતે તેની જવાબદારી બને છે કે ભારતીય ઉપખંડમાં સ્થિરતા જળવાઈ રહે અને ભારતના હિતોને નુકસાન થાય તેવું કશું ના થાય. બીજી બાજુ નાના દેશોમાં દખલગીરીના આરોપોથી પણ સાવધાન રહેવું પડે.
આવા સંજોગોમાં ભારતે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે. સંસદમાં સેના મોકલીને પ્રમુખ યામીને વિપક્ષનો અવાજ ગૃહમાં દબાવી દીધો છે, પણ ચૂંટણીમાં એવું કરી શકશે ખરું તે જોવાનું રહ્યું. જોકે નિર્ધારિત સમયે ચૂંટણી થશે અને થશે તો નિષ્પક્ષ થશે કે કેમ તેવા સવાલો ઊભા જ છે. જો ચૂંટણી થાય અને તેમાં પ્રમુખ યામીન હારી જવાના હોય તો ભારતે અત્યારે સક્રિયતા દાખવીને નામ ખરાબ કરવાની જરૂર પણ નથી.