ચાઇનીઝ મોબાઇલ ફોન વિશે આપણે સૌ જાણીએ છીએ. ભારત સહિત વિશ્વની ઘણી મોબાઇલ બજારો પર તે કબજો કરી રહ્યા છે. પણ ચીન એટલે માત્ર રમકડાં જેવા મોબાઇલ નહિ. મોબાઇલ માર્કેટમાં ચીન બહુ આગળ વધી ગયું છે. ચીન ફોનથી આગળ વધીને, ટાવરથી આગળ વધીને, ટેલિફોન એક્સચેન્જથી આગળ વધીને, સ્પેક્ટ્રમથી આગળ વધીને, 5G ટેક્નોલૉજીમાં નવીન શોધો કરીને દુનિયામાં નંબર વન બની ગયું છે.
ઇન્ટરનેટની દુનિયામાં 4G પછી હવે 5Gના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે ચીનની કંપની હ્યુવેઇ તેમાં સૌથી આગળ વધી રહી છે. એટલી આગળ વધી રહી છે કે અમેરિકા અકળાવા લાગ્યું છે. અમેરિકાની કોઈ કંપની પાસે હ્યુવેઇને ટક્કર મારે તેવી આવડત રહી નથી. વેપારમાં ગરાસ લૂંટાઈ જતો જોઈને અમેરિકા ચીન સામે ચકળવકળ થયું છે, પણ ચીન ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યો છે.
હ્યુવેઇ સાથે યુરોપના દેશો કામ ના કરે તે માટે ડોનાલ્ડ ટ્રમ્પ ધમપછાડા કરી રહ્યા છે, પણ જર્મની સહિતના દેશો અમેરિકાને ઠેંગો દેખાડીને હ્યુવેઇને ઓર્ડર્સ આપી રહ્યા છે. કારણ બહુ સરળ છે – હ્યુવેઇ પાસે સૌથી સસ્તી 5G ટેક્નોલૉજી છે. 5G ટેક્નોલૉજી માટે જરૂરી તમામ ઉપકરણો તે જાતે બનાવે છે. બેઝ સ્ટેશનની સ્થાપનાથી માંડીને, સેલ સાઇટ્સ, 5G રિસિવલ, રૂટર, સ્વીચ, વાઇફોઇ હોટસ્પોટ અને મોબાઇલ સહિત આખી રેન્જ તેની પાસે છે. તે સૌથી સસ્તા અને સૌથી સરળ પણ છે. દાખલા તરીકે 4G કરતાં 5Gના સિગ્નલ નબળા હોવાથી બહુ દૂર ના જઈ શકે. તેથી નજીક નજીક, દરેક ગલીમાં એકથી વધુ ટાવર એટલે કે સેલસાઇટ ઊભી કરવી પડે. આ કામ ખર્ચાળ હોય છે. તમે પેલા તોતિંગ ટાવર જોયા હશે. તેને ઊભા કરવાના અને પછી ક્રેનની મદદથી તેના પર ઉપકરણો લગાવવાના. હ્યુવેઇએ ચીની જુગાડ શોધી કાઢ્યો છે. સામાન્ય થાંભલા ઊભા કરી દેવાના અને ક્રેનની મદદ વિના બે માણસ થાંભલા પર ચડી જાય અને સેલ સાઇટના ઉપકરણો લગાવી દે.
તેનો અર્થ એ થયો કે 5G નેટવર્ક ઊભું કરવામાં ઝડપ પણ થાય અને ખર્ચ પણ ઓછો આવે. તેના કારણે એક પછી એક દેશો હ્યુવેઇની 5G ટેક્નોલૉજીમાં રસ લેવા લાગ્યા હતા. તેના કારણે જ અમેરિકાએ પોતાના વેપારી હિતો ખાતર, પોતાની કંપનીઓનો ધંધો બચાવવા માટે ચીન પર પ્રતિબંધો મૂકવાની વાત કરી છે. હ્યુવેઇ કંપની જાસૂસી કરે તેવા ઉપકરણો બનાવે છે એવી વાત કરીને તેની સાથે બિઝનેસ ના કરવા માટે સાથી દેશોને દબાણ કરવાના ધમપછાડા ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. ચીનની 5G ટેક્નોલૉજી વાપરવા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે, પણ સાથી દેશોએ તેને પરવા કરી નથી. પડોશી દેશ કેનેડામાં હ્યુવેઇ કામ ના કરે તે માટે અમેરિકાએ બહુ જ માથાકૂટ કરી હતી. આમ છતાં કંપનીએ હાલમાં જ જાહેરાત કરી છે કે 30 દેશોમાંથી તેને 46 કોન્ટ્રેક્ટ્સ 5G માટે મળી ગયા છે.
પોતાના દેશમાં પણ 5G ટેક્નોલૉજીનો વ્યાપ વધારવામાં ચીન બીજાથી આગળ નીકળી રહ્યું છે. ગયા અઠવાડિયે જ દેશની ચાર મુખ્ય સરકારી ટેલિકોમ કંપનીઓને 5G ટેક્નોલૉજી ના લાયસન્સ આપી દેવાયા છે. બે વર્ષમાં ચીનમાં ઠેર ઠેર 5G ટેક્નોલૉજીના ફોન ગુંજતા થઈ ગયા હશે. દુનિયાનો સૌપ્રથમ 5G મોબાઇલ ફોન કોલ ચીને જ કરી બતાવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પ્રથમ 5G કોલ કર્યો હતો અને પ્રથમ 5G ટર્મિનલ કાર્યરત કરી દીધું હતું. ભારતમાં પણ હાલમાં જ જાહેરાત થઈ છે કે 5Gનું ટેસ્ટિંગ શરૂ થઈ જશે. પણ આપણે કમ સે કમે બેથી ત્રણ વર્ષ પાછળ ચાલી રહ્યા છીએ. દુનિયાના અનેક અગ્રણી દેશો પણ ચીનથી બેએક વર્ષ પાછળ ચાલી રહ્યા છે.
ચીનની મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષા અજાણી નથી. તે વેપાર મારફતે પણ મહાસત્તા બનવા માગે છે. જગતનું કારખાનું બનીને ચીન દુનિયાભરમાં વસ્તુઓ મોકલી રહ્યું છે. વિકસિત દેશોને લાગ્યું કે આ મહેનત મજૂરીનું કામ આપણે કરવાની જરૂર નથી. ચીન જેવા ત્રીજા વિશ્વના દેશોને આપી દો. આજે સમય એ આવ્યો છે કે ચીન ત્રીજું વિશ્વ રહ્યું નથી. તે પ્રથમ વિશ્વ બની રહ્યું છે. કારખાનામાં વસ્તુઓનું ઉત્પાનદ કરતાં કરતાં ચીન એ વસ્તુઓને અને તેની ટેક્નોલૉજીને સમજવા પણ લાગ્યું. એટલું જ નહિ તે ટેક્નોલૉજીમાં તે હવે આગળ પણ વધવા લાગ્યું છે. બૂલેટ ટ્રેન અને મેગ્લેવ ટ્રેનમાં પણ તે જગતથી આગળ નીકળી રહ્યું છે. કમર્શિયલ વિમાનો બનાવવામાં પણ તે આગળ વધી રહ્યું છે.
સસ્તી મજૂરીને કારણે માત્ર જથ્થાબંધ ઉત્પાદન કરવાથી એક હદથી વધુ ફાયદો નહિ થાય તે ચીન સમજી શક્યું હતું. ચીન ઉત્પાદન ઉપરાંત તેની પાછળની ટેક્નોલૉજીમાં પણ આગળ નીકળી જવા માગે છે. 5Gમાં તે આગળ નીકળી પણ ગયું છે. હ્યુવેઇનો દાવો છે કે તેના ઉપકરણો નાના, હળવા અને સસ્તા છે અને 30% ઓછી વીજળી વાપરે છે. તેને ઝડપથી લગાવી શકાય છે અને સંભાળ લેવાનું પણ સસ્તું પડે છે.
તેના કારણે જ જર્મનીની કંપનીઓએ સરકાર પર દબાણ કર્યું છે કે હ્યુવેઇની ટેક્નોલૉજી લઈને ઝડપથી 5Gમાં આગળ વધવું જોઈએ. ચીન નાનકડા દેશ મોનાકોમાં ઝડપભેર કામ રહી રહ્યું છે અને દુનિયાનું પ્રથમ સંપૂર્ણ રીતે 5G રાષ્ટ્ર તેને બનાવી દેવાનું છે. જર્મની ઉપરાંત સ્વીટ્ઝર્લેન્ડ પણ હ્યુવેઇને આવકારવા તૈયાર છે. મધ્ય પૂર્વમાં તુર્કી અને સાઉદી અરેબિયામાં પણ તેની ટેક્નોલૉજી જ લાગવાની છે. દક્ષિણ આફ્રિકા સહિતના મોટા ભાગના આફ્રિકન દેશો ચીની કંપનીને જ ઓર્ડર આપી રહ્યા છે.
હ્યુવેઇની સામે સ્પર્ધામાં છે નોકિયા, એરિસ્કન અને સેમસંગ. કોરિયામાં ઇન્ટરનેટનું મોટું માર્કેટ હોવાથી સેમસંગ આગળ વધી રહ્યું છે, પણ યુરોપ અને અમેરિકામાં નોકિયા અને એરિક્સનને હ્યુવેઇએ સ્પર્ધા આપી છે. તે નંબર બની ગઈ છે, જ્યારે આ બે કંપનીઓ બીજા અને ત્રીજા સ્થાને જતી રહી છે.
અમેરિકાની કંપની સિસ્કો સ્વીચ અને રૂટર્સમાં અગ્રણી છે, પણ ટાવરો ઊભા કરવા અને ઠેર ઠેર સિગ્નલ પહોંચાડવા માટે સંપૂર્ણ ટેક્નોલૉજી જોઈએ તેમાં તે નથી. 30 વર્ષ પહેલાં અમેરિકાનું ઇન્ટરનેટમાં એકહથ્થુ શાસન હતું. અમેરિકન કંપનીઓ નવી નવી શોધ કરીને વિશ્વની માર્કટ કબ્જે કરતી હતી. ધીમે ધીમે ઉત્પાદન ચીનમાં ગયું અને આજે ચીન ટેક્નોલૉજીમાં તેનાથી આગળ થઈ ગયું. એપલ કંપની પોતે જ હ્યુવેઇના દોઢસો જેટલા પેટન્ટ વાપરે છે. એપલના ફોન ચીનમાં જ બને છે. એપલ જેવી વધારે પડતી વખાણાયેલી કંપની પણ પાછળ રહી ગઈ છે અને બે વર્ષ પછી જ તેનો 5G ફોન બજારમાં આવી શકવાનો છે. ચીનની કંપનીઓ ઓલરેડી 5G ફોન વેચવા લાગી છે.
મોટોરોલા અને લ્યુસેન્ટ જેવી કંપનીઓ પાછળ રહી ગઈ છે. નોકિયા અને એરિક્સન સ્પર્ધામાં છે, પણ તે બંનેના સંયુક્ત માર્કેટ જેટલી માર્કેટ હ્યુવેઇએ કબજે કરી લીધી છે. બંને કંપનીનું ટર્નઓવર 25 25 અબજ ડૉલરની આસપાસ હતું. તેનાથી બમણું ટર્નઓવર હ્યુવેઇનું છું. નોકિયાનો 17 ટકા અને એરિક્સનનો 13 ટકા બજાર હિસ્સો છે, પણ હ્યુવેઇએ 45 લાયસન્સ સાથે 29 ટકા બજાર કબજે કરી લીધી છે. તેમાં વધારો જ થવાનો છે, કેમ કે યુરોપિયન દેશો પણ અમેરિકાના પ્રતિબંધોની અવગણના કરીને હ્યુવેઇને કોન્ટ્રેક્સ આપવા માટે તૈયાર છે. વોડાફોન જેવી યુરોપની મલ્ટિનેશનલ કંપની પણ હ્યુવેઇ સાથે કામ કરવા માગે છે, કેમ કે ઝડપથી અને ઓછા ખર્ચે નેટવર્ક ઊભું કરવું જરૂરી બન્યું છે.
1980માં ચીનની સેનામાં એન્જિનિયર તરીકે કામ કરતાં રેન ઝેન્ફેઇએ આ કંપનીની સ્થાપના કરી હતી. સ્વાભાવિક છે કે ચીનની સરકારનો સંપૂર્ણ ટેકો તેને મળ્યો હતો. ચીની કંપનીઓ માટે કામકાજ શરૂ કર્યા પછી ધીમે ધીમે વિશ્વ બજાર કબજે કરવાનું શરૂ કર્યું છે. 2000ની સાલથી વિશ્વબજારમાં પ્રવેશ પછી કંપની બહુ ઝડપથી આગળ વધી છે. 2018ના નાણાકીય વર્ષમાં કંપનીનું ટર્નઓવર 107 અબજ ડૉલર પર પહોંચી ગયું હતું. અમેરિકાએ તેનો ધંધો પડી ભાંગે તે માટે માથાફોડી કરી તોય તેનું કામકાજ 20 ટકા વધી ગયું અને નફામાં 25 ટકાનો વધારો થયો. નફો વધીને થયો હતો 8.8 અબજ ડૉલર.
અસલી વિકાસ માટે કોઈ પણ દેશ પાસે મલ્ટિનેશનલ કંપનીઓ હોવી જરૂરી છે. ભારતમાં પણ ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ છે, પણ તેનાથી સંતોષ માનીને આપણે જાણે ધીમા પડી ગયા હોઈએ તેમ લાગે છે. ટીસીએસ, ઇન્ફોસિસ અને વીપ્રોની સફળતાથી આપણે પોરસાવા લાગ્યા હતા, પણ ચીન કંપની સામે આ ત્રણેય કંપનીઓ બચ્ચાઓ લાગે. તાતા મોટર્સ અને તાતા સ્ટીલે વિશ્વની કેટલીક કંપનીઓ હસ્તગત કરી પણ તે પૂરતું નથી. મેન્યુફેક્ચરિંગમાં ચીન જે કરી શક્યું તે આપણે લોકશાહી દેશ તરીકે કદાચ ના કરી શકીએ. પરંતુ ટેક્નોલૉજીમાં મહારત હાંસલ કરવામાં ક્યાં અવરોધ છે? સવાલ માત્ર દૃષ્ટિકોણનો છે. ચીનની સામ્યવાદી સરકારની જેમ ભારતની કોઈ સરકાર આપખુદ થઈને નીતિઓ નક્કી ના કરી શકે, પણ આરએન્ડડી પાછળ વધારે ખર્ચ, ટેક્નોલૉજીમાં શોધને વધુ પ્રોત્સાહન, ટેક્નિકલ શિક્ષણ લગભગ મફત અને સાર્વત્રિક વગેરે જેવું કાર્ય કરવામાં શું આડે આવતું હતું તે સમજવું મુશ્કેલ લાગે છે. આમ તો મુશ્કેલ પણ નથી, ગણતરીઓ માત્ર ચૂંટણી જીતવાની જ હોય, ત્યાં જગત જીતવાની કલ્પના નેતાઓને ક્યાંથી આવે…