અમેરિકાના એકસ્ટ્રીમ વેટિંગ વિઝા,બધેબધું તપાસાશે…

0
2947

મેરિકાએ વિઝા માટેના નિયમો વધારે કડક કર્યા છે. ટ્રમ્પ પ્રમુખ તરીકે આવ્યા છે ત્યારથી તેમની નીતિ ઇમિગ્રન્ટ્સ વિરોધી રહી છે. કોઈ પણ દેશને અધિકાર છે કે પોતાની વસાહતી નીતિ કેવી રાખવી. અમેરિકામાં તો જગતભરમાંથી લોકો આવતાં રહે છે. આ પ્રવાહને કારણે જ અમેરિકા સમૃદ્ધ અને જગતની મહાસત્તા બન્યું છે તે વાત સાચી, પણ તેના કારણે આંતરિક સલામતીના પ્રશ્નો પણ ઊભા થતા રહે છે. આગામી દાયકાઓમાં વસતીની અસમતુલાના પ્રશ્નો પણ ઊભા થાય.

ભારતના લોકોને અમેરિકાના વિઝા અને તેની દરેક બાબતમાં રસ પડે છે, કેમ કે તેમને સીધી રીતે સ્પર્શે છે. ગુજરાતીઓ અને પંજાબીઓ ઉપરાંત આઈટી બૂમ પછી હૈદરાબાદ અને બેંગાલુરુમાંથી પણ અમેરિકા જવા માગનારાની લાઈન વધતી જ રહી છે. ગુજરાતીઓને અમેરિકન વિઝા એટલે લોટરી. એ લોટરી અટપટી બને ત્યારે ઘણા બધા કુટુંબોને પણ ચિંતા થાય, કેમ કે અડધા અમેરિકામાં વસી ગયાં હોય અને અડધા ભારતમાં બાકી રહ્યાં હોય.

ગુજરાતીઓમાં એનઆરજી એવી આખી જાતિ ઊભી થઈ છે. જોકે અમેરિકાના વિઝા મેળવવા કેવા રસ્તા શોધી કાઢવા તે ગુજરાતીઓ જાણતા હોય છે, એથી એક્સ્ટ્રીમ વેટિંગમાંથી પણ ગુજરાતીઓ માર્ગ શોધી કાઢશે. એક્સ્ટ્રીમ વેટિંગ એટલે અમેરિકાનો વીઝાનો નવો નિયમ. આ નિયમ નવો નથી અને અમેરિકન વીઝા માટે એપ્લાય કરનાર અથવા અમેરિકામાં સગા વસતા હશે તેવા એનઆરજી પરિવારને તેની જાણ હશે જ. પરંતુ એનઆરજી સગા ના હોય અને વિદ્યાર્થી તરીકે કે વ્યવસાયી તરીકે અમેરિકા જવા માગતા યુવાનોએ આ વિશે થોડું જાણી લેવું જોઈએ.

યુવાનોએ એ પણ જાણી લેવું પડશે કે તમે છેલ્લાં થોડા વર્ષો દરમિયાન સોશિઅલ મીડિયામાં દે ધનાધન પોસ્ટું પર પોસ્ટું કરતાં હતા તે હવે નડશે તો નહીંને!

રાજકીય પક્ષોના ભ્રામક પ્રચારને કારણે ગંદકીથી ખદબદતા સોશિઅલ મીડિયામાં યુવાનો આ વર્ષોમાં આળોટતા રહ્યાં છે. (રાજકીય પક્ષો એમ બહુવચન વાપર્યું છે તેની નોંધ લઈને આગળ વાંચવું) આ યુવાનોના વખાણ કરવાની પ્રથા પાડવામાં આવી છે, એટલે યુવાનો છકી ગયા છે. યુવાનોને કોઈ જણાવતું નથી કે તમારું બ્રેઈન વૉશ કરીને નેતાઓએ તેમના કારસ્તાન પાર પાડ્યાં છે. રાજકીય નેતાઓની કારસ્તાનીમાં સામેલ થવાની યુવાનોની અણસમજ તેમને અમેરિકન વિઝામાં નડી શકે છે. તમે પણ હૈસો હૈસો કરીને સોશિઅલ મીડિયામાં બેફામ જૂઠ અને બેફામ વાણીવિલાસ કર્યો હશે તેનું અર્થઘટન અમેરિકન અધિકારી ખોટું કરશે તો તમારા વિઝા મેળવવાના ચાન્સ ઘટી જશે?

એક્સ્ટ્રીમ વેટિંગના નિયમો વાંચી લેજો. આ નિયમ તદ્દન નવો નથી. છેલ્લાં થોડા વર્ષોથી તે ચર્ચામાં છે. કેટલાક જોખમી દેશોમાંથી વિઝા અરજી કરનારા લોકો માટે તે 2017થી અમલમાં પણ છે. પણ હવે આ નિયમ બધાં માટે લાગુ પડાયો છે. 2017માં અમેરિકામાં આડેઘડ ગોળીબાર કરીને સામૂહિક હત્યાકાંડ થયો હતો. તે ઘટના પછી પ્રમુખ ટ્રમ્પે તાત્કાલિક એક્સ્ટ્રીમ વેટિંગનો નિયમ લાગુ કરાવ્યો હતો.

ન્યૂ યોર્ક સિટીમાં આતંકવાદી પ્રકારનો હુમલો થયો હતો. તેમાં આઠનાં મોત થયા હતા અને 12 ઘાયલ થયા હતા. 2017ના માર્ચમાં આ બનાવ બન્યો હતો. હુમલાખોરની ઓળખ સૈફુલ્લા હબિબુલ્લાએવિક સૈપોવ તરીકે થઈ હતી. આ ત્રાસવાદી અમેરિકાની લોટરી સિસ્ટમનો લાભ લઈને અમેરિકામાં ઘૂસી ગયો હતો. તેથી પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કરીને જાહેરાત કરી કે તેમણે લોટરી સિસ્ટમ બંધ કરીને તાત્કાલિક એક્સ્ટ્રીમ વેટિંગને અમલમાં મૂકવાની સૂચના આપી દીધી છે.

અમેરિકામાં વૈવિધ્ય વધે અને જુદા જુદા દેશના લોકો આવી શકે તેવા શુભ હેતુથી લોટરી સિસ્ટમ હતી. જે દેશોમાંથી બહુ ઓછો લોકો અમેરિકામાં આવતા હોય તે દેશના લોકો માટે લોટરી સિસ્ટમ હતી. વિઝા માટે અરજી કરનારામાંથી લોટરીના આધારે અમુક સંખ્યામાં પ્રવેશ મળતો હતો. તેના બદલે પૂરતી તપાસ કર્યા વિના કોઈને પ્રવેશ ન આપવો તેવું ટ્રમ્પે નક્કી કર્યું હતું.

એક્સ્ટ્રીમ વેટિંગનો અર્થ એ કે વિઝા જેને આપવાના હોય તે વ્યક્તિની પૂરેપૂરી ચકાસણી થાય. તેના બેન્ક ખાતાંથી માંડીને, અભ્યાસ, વ્યવસાય, ગુનાહિત રેકર્ડ, માનસિકતા બધું જ જાણવાનું. આ વેટિંગનો નિયમ બધાં માટે લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. તે અન્વયે હવે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તમે કયું સોશિઅલ મીડિયા એકાઉન્ટ ચલાવતા હતાં અથવા ચલાવો છો તેની વિગતો પણ આપવાની રહેશે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વાપરેલા ઇમેઇલ એકાઉન્ટ અને જુદા જુદા ફોન નંબર પણ આપવાના રહેશે.

તેનો અર્થ એ થયો કે ગુજરાતી યુવાન અમેરિકન વિઝા માટે અરજી કરશે, ત્યારે તેણે છેલ્લા પાંચેક વર્ષથી જુદા જુદા જેટલા પણ સોશિઅલ મીડિયા એકાઉન્ટ તેણે ચલાવ્યાં હતાં તેની વિગતો આપવી પડશે. તેમાં ગ્રુપ બનાવીને કોઈને દે ધનાધન પ્રચાર કર્યો હશે, અમુક સમૂહના લોકોને ગાળો ભાંડી હશે, અમુક પ્રકારના જૂઠા સમાચારો એટલે કે ફેક ન્યૂઝ ફોરવર્ડ કર્યા હશે એ બધું અમેરિકન અધિકારી જાણી શકશે.

અમેરિકા ઇમેઇલ એકાઉન્ટસ પણ માગશે. તેનો અર્થ એવો થાય ખરો કે તમે આજ સુધીમાં કરેલા કે મેળવેલા ઇમેઇલમાં પણ અમેરિકા ખાંખાખોળા કરશે? બની શકે છે, કંઈ કહેવાય નહીં. આ બધી જ અમેરિકન કંપનીઓ છે. તેણે અમેરિકન સરકારની સૂચના મુજબ કામ કરવું પણ પડે. તમે ડિલિટ કરી નાખેલા ઇમેઇલની વિગતો પણ આ કંપનીઓ અમેરિકન સરકાર માગે તો કદાચ તેને હાજર કરી આપશે.

સર્વેલન્સની બાબતમાં અમેરિકા બહુ પાવરફુલ છે. તમારે છેલ્લા પાંચ વર્ષના ફોન નંબર પણ આપવાના છે. તમે આ ફોન પર જીપીએસ ઓન કરીને ગૂગલ મેપ પર ફર્યા હશો. ગૂગલ કંપની અમેરિકાની છે. અમેરિકા ધારે તો છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન તમે કઈ કઈ ગલીમાં રખડ્યાં હતાં તે પણ જાણી શકે છે, જો જાણવા માગે તો. ગૂગલ કંપનીએ તમે મેપ ઓન કરીને, જીપીએસ કરીને ક્યાં ક્યાં ફર્યા હતા તેનો ડેટા સાચવી ન રાખ્યો હોય તેવું કદાચ ન પણ બને. આ કંપનીઓની જંગી તાકાત છે. તેમની પાસે અધધધ પ્રમાણમાં ડેટાને સંગ્રહી રાખવાની તાકાત છે. તમે ગૂગલ મેપમાં કયા આઇસક્રીમ પાર્લરમાં ગયાં હતાં અને કેટલા આઇસક્રીમનું બિલ ચૂકવ્યું હતું તે પણ બેન્ક એકાઉન્ટની વિગતોમાંથી જાણી શકે, કદાચ…

ટૂંકમાં અમેરિકન વિઝાના નવા નિયમોથી સવાલો ઊભા થવાના છે. જોકે અમેરિકાની સરકાર સ્વતંત્ર છે અને આપણને કોઈ પ્રશ્નો પૂછવાનો અધિકાર નથી. તમારે ગરજ હોય અમેરિકા જવાની તો આપો તમારા સોશિઅલ મીડિયાની વિગતો. આમ પણ તમારા સોશિઅલ મીડિયાની કોઈ વિગતો જગતથી છાની રહી નથી. ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર પણ આપવાના છે. તે વાત પણ કંઈ બહુ ખાનગી રહી હોતી નથી. ગૂગલ ઇમેઇલ વર્ષોથી તમારા ઇમેઇલ વાંચે છે. તમે શું લખ્યું છે તે આધારે, તમારા રસના વિષયો જાણીને તમને જાહેરખબર પણ દેખાડે છે. તમે ગુજરાતીમાં લખ્યું હોય તો પણ ગૂગલ વાંચી શકે છે, કેમ કે તેની ટ્રાન્સલેશન એપ્સ આપણે જ રોજેરોજ સુધારીને વધુ ને વધુ સક્ષમ બનાવી રહ્યાં છીએ.

અમેરિકામાં પ્રવેશ માટે દર વર્ષે 1.47 કરોડ લોકો અરજી કરે છે. તે બધાને આ નિયમોની અસર થવાની છે. આટલી મોટી સંખ્યામાં વસાહતીઓ આવતા હોય તે કોઈ પણ દેશ માટે ચિંતાનો અને કાળજી લેવાનો વિષય હોઇ શકે છે. અમેરિકાને ઇમિગ્રન્ટ્સના બહુ ફાયદા છે અને ઇમિગ્રેશન જ અમેરિકાનો પ્રાણ છે એવું માનનારા અમેરિકનો મોટી સંખ્યામાં છે. અમેરિકન કંપનીઓ દુનિયાભરની ટેલેન્ટને પોતાને ત્યાં આકર્ષે છે. આ ટેલેન્ટ એવા ઇનોવેશન કરે છે, જેના મારફત અમેરિકા જગત પર રાજ કરે છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલો ઇલોન મસ્ક નાનપણથી અમેરિકા જવા તલપાપડ હતો. તે યુવાનીમાં પ્રવેશ સાથે જ કેનેડા પહોંચી ગયો હતો. તેની મમ્મી મૂળ કેનેડાની હતી તેનો લાભ તેને મળ્યો. અમેરિકાથી તે કેનેડા ગયો. આજે ઇલોન મસ્ક ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બેટરી, સોલર પેનલ, વારંવાર વાપરી શકાય તેવા અવકાશયાન બનાવીને એવી ટેક્નોલોજી સર્જી રહ્યો છે જેના કારણે આગામી દાયકામાં જગત અમેરિકા પર નિર્ભર રહેશે. જગતભરમાં અમેરિકન ટેક્નોલોજી સાથેની ઇલેક્ટ્રિક કાર દોડતી હશે. અમેરિકા ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ અને બિઝનેસ માટે જવા માગતાં લોકોએ પણ નવા નિયમો પ્રમાણે આગળ વધવાનું રહેશે, ત્યારે જોઈએ કે અમેરિકામાંથી કેવા પ્રત્યાઘાત પડે છે.