અરે યાર, આ નેતાઓનું સંતાન ભાંગરો ના વાટે તો જ નવાઇ. પહેલેથી જ યાર એવો હતો. તેની કુખ્યાતી સોશિયલ મીડિયામાં ફેલાવા લાગી હતી, કેમ કે એન્ટી-સેમેટિક મેમે એટલે કે સેમેટિકનો વિરોધ કરનારા કાર્ટૂનો વગેરે યાર પોતાના એકાઉન્ટમાં મૂકતો હતો અને તેના કારણે પિતાએ નીચાજોણું થતું હતું. આ યાર એટલે પહેલો ઉદગાર નથી યાર, આ યાર તો નામ છે નેતન્યાહૂના દીકરાનું. યાઅર એવો ઉચ્ચાર પણ થાય, પણ યાર, યાર સાથે એવો પ્રાસ મળે છે કે યાર લખવાનું મન થાય.આ યાઅરની એક ઓડિયો ટેપ ઇઝરાયલની સૌથી જાણીતી ચેનલે ચલાવી દીધી અને ભારે હોબાળો મચ્યો છે. નેતન્યાહૂ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે અને ગુજરાત પણ આવવાના છે. ઇઝરાયલની સાથે મળીને પ્રાંતીજ નજીક શાકભાજીની આધુનિક નર્સરી તૈયાર કરાઇ છે. સાણંદમાં આઇ-ક્રિએટ (iCreate) નામની સંસ્થા છે જે સ્ટાર્ટ-અપને ઇન્નોવેશનમાં મદદ કરે છે. યુવાનોને ખેતી કરવાની અને નવીન શોધ કરવાની પ્રેરણા મળે તેવા આ સાહસો ઇઝરાયલના સહયોગથી ચાલે છે. પણ નેતન્યાહૂનો યુવાન દીકરો આડા પાટે ચડી ગયો છે.
બે વર્ષ પહેલાંની એક ઓડિયો ટેપ બહાર આવી છે. યાઅર પોતાના દોસ્ત સાથે સ્ટ્રીપ ક્લબમાં ગયો હતો ત્યારનો આ સંવાદ છે. આ સ્ટ્રીપ ક્લબ એટલે આપણાં ડાન્સ બારને વટાવી જાય. વેશ્યાવૃત્તિ પણ એટલી જ ચાલે. ડાન્સ સાથે એક પછી એક કપડાં ઉતરતા જાય અને નશામાં યુવાનો ચૂર થતાં જાય. સ્ટ્રીપ કરનારી ડાન્સર પર પૈસા ફેંકવામાં આવે. આવી જ એક ક્લબમાં નાચનારીઓ પર પૈસા ફેંકવા માટે દોસ્ત પાસે યાઅરે ઉછીના માગ્યાં. આ દોસ્ત પણ વળી અબજપતિનો દીકરો. તેના પિતા નેચરલ ગેસની સૌથી મોટી કંપનીના માલિક છે. યાઅરે ભાંડો ફોડી નાખ્યો કે તારા પિતાની ગેસ કંપનીમાં 20 અબજનો ફાયદો થઈ જાય તે રીતે સરકારી નિયમોના મારા બાપની સરકારે ફેરફાર કર્યા છે અને તું થોડા હજાર શેકલ્સ (ઇઝરાયલી ચલણ) માટે માથાકૂટ કરે છે.
યાઅરની વાતચીત જે દોસ્ત સાથે થાય છે તેનું નામ રોમન અબ્રામોવ છે. તેના પિતા કોબી મેઇમોન ગેસ ટાઇકૂન તરીકે જાણીતા છે અને અબજપતિ છે. બે વર્ષ પહેલાં સરકારી કાર લઇને બંને સ્ટ્રીપ ક્લબ જવા નીકળ્યાં હતાં. મેઇમોને સ્ટ્રીપ ક્લબમાં જે ખર્ચો કર્યો તેની ચર્ચા ચાલે છે. એક સ્ટ્રીપ ડાન્સર કારમાં તેમની સાથે આવવા તૈયાર હતી કે નહીં એવી વાતો પણ ચાલે છે. રોમન પાસેથી યાઅરે પૈસા લીધેલાં છે તેની વાત નીકળતાં કહે છે કે એ તો વેશ્યા પાછળ વપરાઇ ગયાં. એ પછી કહે છે કે તારા પૈસા પાછાં આપી દેવા માટે હું તને મારી ગર્લફ્રેન્ડ સાથે ગોઠવી દઈશ. જુવાનીયાઓ કરતા હોય તેવી ગંદી વાતો તેઓ કરે છે, પણ વાત ત્યારે ગંભીર બને છે, જ્યારે યાઅર કહે છે કે સંસદમાં મારા પિતાએ તારા પિતાની ગેસ કંપની માટે બહુ માથાકૂટ કરી હતી.
આ ટેપ રોકવા માટે શાસક પક્ષે ભારે મથામણ કરી હતી, પણ ચેનલે એડિટ કરેલી ટેપ ચલાવી દીધી. ચેનલનું કહેવાનું છે કે બહુ ખરાબ વાતો થયેલી છે, પણ તેણે બધી ચલાવી નથી. આ ટેપ જાહેર થયાં પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો અને નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યાં હતાં. મજાની વાત એ છે કે તેમના પત્ની સારા સામે પણ ભ્રષ્ટાચારનો કેસ કરવો કે નહીં તેવી ચર્ચા થોડા વર્ષો પહેલાં ચાલી હતી. તે જોકે ગંભીર નહોતી, પરંતુ રસોડામાં થતો ખર્ચ અને બહારથી મહેમાનો માટે મગાવતા ભોજનનો ખર્ચ બહુ વધારે છે તેવી ટીકા થઇ હતી. લાખોનું બિલ સારાએ સરકારમાં મૂક્યું તેને ગેરરીતિ ગણી કામ ચલાવવા ફરિયાદ થયેલી છે.એ જ રીતે દીકરા યાઅરની આ ટેપ પછી એ વાત પણ સાબિત થઈ ગઈ કે દીકરો બાપની સરકારી ગાડીઓ વાપરે છે. રાત્રે મિત્રોને લઇને સ્ટ્રીપ ક્લબમાં રખડે છે, દારૂ પીએ છે અને બેફામ નાણાં ઉડાડે છે. સાથે રોમન અબ્રામોવ જેવા અબજપતિના છેલબટાઉ છોકરા હોય જે તેનો ખર્ચ ઉપાડે. સરકારી ગાડી સાથે સરકારી પગાર મેળવતાં બોડીગાર્ડ પણ હોય. આ બધાનો બોજ સરકારની તીજોરી પર છે તેનો વિવાદ પણ થયો છે.
જોકે સત્તાધીશોના સંતાનો, પત્નીઓ અને સગાંઓ સરકારી સંસાધનો બેફામ વાપરે તેની આપણે ત્યાં પણ નવાઇ નથી. સરકારી અધિકારીની પત્નીઓ પણ બપોરે સરકારી ગાડી લઈને શોપિંગ કરવા નીકળી પડે છે. સંતાનોને લેવા માટે સરકારી ગાડીઓ શાળાની બહાર ઊભેલી હોય છે. નાગરિકો બળાપો કાઢીને જોતાં રહે છે, પણ નેતાનો દીકરો ચોખ્ખું કહે કે તારા બાપના ધંધા ખાતર મારા બાપાએ સંસદ ગજવી હતી ત્યારે મામલો ગંભીર બને છે.
જોકે ભારતની જેમ જ ઘણાં લોકશાહી દેશોમાં નેતાઓ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કંઇ નીપજતું નથી. ચારા કૌભાંડમાં ત્રણ દાયકા પછી ચૂકાદો આવ્યો અને તેમાં પણ રાજકીય આક્ષેપબાજી થઈ. કનીમોઝી અને એ. રાજા જેવા નેતાઓ ટુજીના કેસમાં છૂટી પણ ગયાં. ભારતમાં પણ સ્ટિંગ ઓપરેશન દ્વારા ચેનલો આવી હલચલ મચાવતી રહી છે, પણ અમુક કેસમાં જ પરિણામો આવ્યાં છે. ભાજપના પ્રમુખ બાંગારુ લક્ષ્મણ નોટોની થપ્પી લેતાં ઝડપાઇ ગયાં હતાં. તે પછી પણ અનેક સ્ટિંગ ઓપરેશનોમાં રાજકીય ગણતરીઓ પ્રમાણે એકાદમાં સજા થઇ, મોટા ભાગમાં છટકબારીઓ મળી આવી.
ઇઝરાયલમાં પણ એવું થાય તેવી શક્યતા છે. યાઅર પાસે સરકારે માફી મગાવી લીધી છે. તેણે કહ્યું કે આ તો બે વર્ષ પહેલાં થયેલી વાતચીત છે અને ખાનગી વાતચીત છે. દોસ્તો સાથે દારૂ પીધા પછી મજાક મસ્તી ચાલતી હતી. દોસ્તને પણ મજાકમાં જ કહેલું કે તારા બાપ માટે મારા બાપે મહેનત કરી છે વગેરે. દારૂની અસર નીચે થોડી બકબક થઈ ગઈ, માફ કરો.
દારૂની અસર નીચે બકબકને માફ કરી શકાતી હોય તો લોકો ચોવીસ કલાક પીને જ વાત કરશે. કદાચ મિત્રોમાં થતી આ મજાકો હતી, પણ જે દીકરાને નેતન્યાહૂ ભવિષ્યમાં નેતા બનાવવા માગે છે તેના આ લક્ષણો કેવા તે ઇઝરાયલના નાગરિકો કેવી રીતે વિચારશે તે ખબર નહીં. યુવાનો ક્લબોમાં હરેફરે, પણ સ્ટ્રીપ ક્લબમાં જ ફરતાં રહેવાનું અને તે પણ સરકારી ખર્ચે, સરકારી ગાડી લઈને અને સરકારી ગાર્ડ સાથે તે કેટલું યોગ્ય તે સવાલ ઊભો જ છે. બાપના પૈસા બગાડીને નેતાનો દીકરો નાઇટક્લબમાં રખડતો હોય તો તેનો પરિવાર જાણે, પણ નાગરિકોના ટેક્સના પૈસા બગાડીને મંદિર દર્શન કરવા જવાનો હક પણ લોકતંત્રમાં કોઇને મળતો નથી.