નવાઝ શરીફની સરકાર હતી ત્યારે તેના ગોટાળા બહાર પાડનારી ચેનલોને કારણે તેમની વિરુદ્ધ માહોલ ઊભો થયો હતો. ઇમરાન ખાન અને બીજા વિરોધ પક્ષોએ ત્યારે શરીફ સામે ઝૂંબેશ ચલાવેલી. મીડિયાએ આ પક્ષોના પ્રદર્શનો, કાર્યક્રમો, દેખાવો, મુદ્દાને ભારે પબ્લિસિટી પણ આપી હતી. તેના કારણે શરફની સરકાર વધારે ને વધારે મુશ્કેલીમાં મુકાતી ગઈ અને આખરે ચૂંટણીમાં હારી ગઈ. પરંતુ હવે સત્તા પર આવેલી ઇમરાન ખાનની સરકારને આ જ મીડિયા પસંદ પડતું નથી. ઇમરાન ખાને વાતો કરી હતી, તેવી કોઈ કામગીરી કરી નથી. તેમના પક્ષ પાસે કોઈ નક્કર કાર્યક્રમ નથી. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે તેને સુધારવાની કોઈ સમજ નથી. સેનાનું વર્ચસ વધ્યું છે અને ઇમરાન માત્ર કઠપૂતળી હોય તેવું લાગે છે. આવી વાતો ઇમરાન ખાનને ગમતી નથી. તેમની સરકાર હવે એક સમયે તેમને જ મદદરૂપ થનારી ચેનલો સામે કાર્યવાહી કરી રહી છે.
ઇમરાનની સરકાર કોઈ ને કોઈ બહાનું કાઢીને ચેનલોનું પ્રસારણ અટકાવી દે છે. પાકિસ્તાનમાં ટીવી ન્યૂઝ ચેનલો પર નિયંત્રણ માટે પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (PEMRA) કોઈ ને કોઈ બહાનું કાઢીને નોટીસ મોકલી આપે છે અને ચેનલને થોડા દિવસ કે થોડા દિવસ માટે ઓફ્ફ એર એટલે કે પ્રસારણ બંધ કરાવી દે છે.
અબ્બતક નામની ચેનલમાં એન્કરિંગ કરતાં ફરીહા કહે છે કે પાકિસ્તાનમાં સેન્સરશીપ લાગી ગઈ હોય એમ અમને લાગે છે. આ સ્થિતિ ઇમરાન સરકાર માટે સારી નથી એવી ચેતવણી પણ તેઓ આપે છે. તેમનું કહેવું છે કે નવાઝની સરકાર હતી ત્યારે તેમની વિરુદ્ધ કાર્યવાહીની ધમકીઓ અપાતી હતી તે નવાઝને ભારે પડી હતી. સરકારના દબાણ છતાં તે વખતે વિપક્ષમાં રહેલા ઇમરાન અને બીજા વિપક્ષના ધરણાને ટીવી પર લાઈવ બતાવવામાં આવતા હતા.
ફરીહા કહે છે કે ચેનલ ઓફ્ફ એરના દબાણ છતાં તે લોકો વિપક્ષના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને અને કાર્યક્રમોને સમર્થન આપતા રહ્યા હતા. પણ હવે વક્રતા જુઓ કે ઇમરાનની પાકિસ્તાને તહેરિકે ઇન્સાફ (પીટીઆઈ) સત્તામાં આવી છે ત્યારથી એવો માહોલ ઊભો કરાઈ રહ્યો છે કે સરકાર વિરુદ્ધ કોઈ સમાચારો ચલાવે તે કાંતો પેઇડ છે કે પછી દેશદ્રોહી છે. ભારત સાથે આ સ્થિતિ સરખાવા જેવી છે. વિરોધ કરનારાને સીધા દેશદ્રોહી જ ઠરાવી દેવાના. અરે પેલી કંગના પણ… તેને ના ગમતા પત્રકારને સીધો દેશદ્રોહી જ ગણાવી રહી છે બોલો.
ફરીહાને લાગે છે કે બિનજરૂરી રીતે PEMRAના અધિકારીઓ વધારે સક્રિય બન્યા છે અને વાતે વાતે ચેનલોને ઓફ્ફ એર કરી રહ્યા છે. નવાઝ શરીફની પુત્રીએ ટ્વીટ કર્યા હતા તે ફરીહાએ પોતાના કાર્યક્રમમાં વાંચી સંભળાવ્યા હતા. તેના કારણે પીટીઆઇના પ્રવક્તાએ મને ગુનેગાર ગણાવી દીધી. આવી અસહિષ્ણુતા ટૂંકી દૃષ્ટિની છે અને પીટીઆઇને જ નડશે એમ તેમને લાગે છે. હકીકતમાં વિપક્ષનો અવાજ પાકિસ્તાનની ટીવી ચેનલો પર સંભળાય નહિ તે માટે ઇમરાનની સરકાર ભૂરાઈ થઈ છે. નવાઝ શરીફના પુત્રી મરિયમ ઉપરાંત આસિફ અલી ઝરદારીનો ઇન્ટરવ્યૂ એક મહિના પહેલાં PEMRAએ અટકાવી દીધો હતો.
એકાદ મહિના પહેલાં આસિફ અલી ઝરદારીનો ઇન્ટરવ્યૂ જીયો ન્યૂઝ પર અધવચ્ચે અટકાવી દેવાયો હતો. તેવી જ રીતે હાલમાં જ મરિયમનો ઇન્ટરવ્યૂ હમ ન્યૂઝ પર અટકાવી દેવાયો. જોકે પાકિસ્તાનના પત્રકારો પણ માથાભારે છે. મરિયમનો ઇન્ટરવ્યૂ કરનારા પત્રકાર નદીમ મલિકે આ ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર ચડાવી દીધો અને ટ્વીટર પર સૌને લિન્ક મોકલી આપી. ટ્વીટર પણ મલિકે લખ્યું કે મરિયમનો ઇન્ટરવ્યૂ લાઇવ ચાલતો થયો તેની થોડી જ મિનિટોમાં તેને પરાણે અટકાવી દેવાયો.
મરિયમનો ઇન્ટરવ્યૂથી નવાઝ શરીફને થયેલી સજાનો મામલો વધારે ચગશે તેવો ડર કદાચ ઇમરાનની સરકારને હતો. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ મરિયમે પત્રકાર પરિષદ બોલાવીને દાવો કરાયો હતો કે તેમના પિતાને સજા કરવા માટે ન્યાયાધીશ પર દબાણ કરાયું હતું. ખુદ ન્યાયાધીશે આ વાત કબૂલી હતી તેનો વિડિયો પણ તેમણે પત્રકારોને આપ્યો હતો. ન્યાયાધીશ અર્શદ મલિકે વિડિયોમાં કબૂલાત કરી હતી કે તેમને બ્લેકમેઇલ કરાયા હતા અને શરીફની વિરુદ્ધ ચૂકાદો આપવા દબાણ કરાયું હતું. ટીવી ચેનલોએ મરિયમની પત્રકાર પરિષદ લાઈવ બતાવી હતી અને તેમાં આ વિડિયો પણ વાગી ગયો હતો. તેના કારણે PEMRAએ બદનક્ષીના બહાને ચેનલોને નોટીસો ફટકારી દીધી હતી.
ત્યારબાદ મરિયમે પંજાબના મંડી બહાઉદ્દીનમાં રેલી કાઢી તેનું કવરેજ કરનારી ત્રણ ચેનલોને ઓફ એર કરી દેવાઈ હતી. સત્તાધીશો સાથે માથાકૂટ કરીને માંડ ચેનલોને ફરી શરૂ કરી શકાય હતી. PERMAના અધિકારીઓ ચેનલ માલિકોને ધમકાવી રહ્યા છે કે તમે ટ્રાયલ ચાલતી હોય અને જે ગુનેગાર ઠર્યા હોય તેવા લોકોના ઇન્ટરવ્યૂ પ્રસારિત ના કરો. જજ અર્શદ મલિકનો વિડિયો મરિયમે જાહેર કર્યો તે પછીય તેમની સામે કાર્યવાહી તો થઈ જ. ઇસ્લામાબાદ હાઇ કોર્ટે ન્યાયાધીશને હોદ્દા પરથી હાંકી કાઢ્યા. આ સંદર્ભમાં મરિયમનો ઇન્ટરવ્યૂ વિવાદ જગાવશે તેમ સમજીને તેમનો ઇન્ટરવ્યૂ અધવચ્ચે અટકાવી દેવાયો હતો. નજમ સેઠી પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર છે અને ચેનલ 24 ચલાવે છે. તેમણે નવાઝનો ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરી હતી, પણ મળ્યો જ નહોતો. તે પછી કેબલ ઓપરેટરોને ધમકી મળી એટલે દેશભરમાં તેમની ચેનલ દેખાતી બંધ થઈ ગઈ હતી. તપાસ કરવામાં આવી ત્યારે ઇશારા ઇશારામાં જણાવી દેવાયું કે મરિયમ શરીફની રેલીઓ તમે બહુ બતાવો છે તે બંધ કરો. વિપક્ષને આટલી બધી જગ્યા ના આપો એવું ટૂંકમાં ઇમરાન સરકારનું કહેવું થાય છે. પાકિસ્તાની પત્રકારો એટલે રોષે ભરાયા છે કે ઇમરાન પોતે વિપક્ષમાં હતા ત્યારે સતત તેમને કવરેજ આપ્યું હતું. તેઓ શરીફ સામે રેલીઓ કાઢતા હતા તે લાઇવ બતાવતા હતા.
ચેનલના માલિકો હવે વધારે સાવધ રહીને કામ કરે છે. નઝમ સેઠીના જણાવ્યા અનુસાર નવાઝનો ઇન્ટરવ્યૂ ના કર્યો તે પછી ધીમે ધીમે તેમની ચેનલ ફરી બતાવાતી થઈ. પરંતુ તેમણે મરિયમનો ઇન્ટરવ્યૂ કર્યો તે પણ ચેનલ પર ચાલ્યો નહિ. ચેનલના માલિકોને લાગ્યું કે ફરી એકવાર આવું કરવાથી ચેનલને ઓફ્ફ એર કરી દેવાશે.
જોકે ચેનલો મોકો મળી જાય ત્યારે ઇમરાનને ભીંસમાં લેતા સમાચારો બતાવ્યા જ કરે છે. સિનિયર પત્રકારો પણ ઇમરાન ખાન સરકારની સતત ટીકા કરે છે. ચેનલ 24ને એક મહિના માટે બંધ કરી દેવાનો ભારે વિરોધ થયો હતો અને તેથી સરકારે પીછેહઠ કરવી પડી હતી. નવાઝ શરીફે પણ મીડિયાને ધમકાવીને કામ લેવાની કોશિશ કરી હતી. તેનું શું પરિણામ આવ્યું હતું તે યાદ કરાવીને પાકિસ્તાની પત્રકારો ઇમરાન ખાન સરકારને પણ સાનમાં સમજી જવા અને મર્યાદામાં રહેવા જણાવી રહ્યા છે. જોકે ઇમરાનના ચાહકો અને સરકારના ટેકેદારો પત્રકારોને ધમકાવવા માટે અન્ય રીતે પણ પ્રયાસો કરતા રહે છે. દાખલા તરીકે આસ્મા શિરાઝી નામના પત્રકારે ભારતના ધ હિન્દુ અખબાર સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમના ઘરમાં બે વાર ચોરીનો પ્રયાસ થયો હતો. તેમને એવી શંકા છે કે આ પણ પત્રકારોને ધમકાવાની એક રીત છે. સોશ્યલ મીડિયા પર ગાળો દેવાની વાત ભારત અને દુનિયાના બાકીના દેશોની જેમ સામાન્ય વાત છે.
પાકિસ્તાનના પત્રકારો કહે છે કે તેમના માટે આવી સેન્સરશીપ નવી વાત નથી. દાયકાથી તેઓ સેન્સરશીપ વચ્ચે જ કામ કરતા આવ્યા છે. શાસકો બદલાય તેમ સેન્સરશીપની રીત બદલાતી રહે છે, પણ રહે છે ખરી. પાકિસ્તાનમાં વિપક્ષ માટે પણ કામ કરવું મુશ્કેલ હોય છે. ઇમરાનના કિસ્સામાં બન્યું હતું તેમ ચૂંટાયેલી સરકાર પાકિસ્તાની સેનાને ના ગમતી હોય ત્યારે તે વિપક્ષને મદદ કરતી હોય છે. પાકિસ્તાની સેનાએ ઇમરાન ખાન અને બીજા વિપક્ષોને ભરપુર મદદ કરી હતી. સેના કોના તરફ છે તેનો અણસાર પાકિસ્તાની પત્રકારોને આવી જતો હોય છે. અત્યારે ઇમરાન હજી સેનાના પ્રીતિપાત્ર છે એટલે પત્રકારો મર્યાદામાં રહીને ટીકા કરે છે. ઇમરાન ધાર્યું નહિ કરે ત્યારે સેનાના ઇશારે પાકિસ્તાની પ્રેસ ઇમરાનની પણ પાછળ પડી જશે તેમાં શંકા નથી.