એડન બંદર પર દક્ષિણના ભાગલાવાદીઓનો કબજો,નાના યુદ્ધનો બહુ જ મોટો ખતરો

ડન બંદર ગુજરાતના લોકો માટે જાણીતું છે. સદીઓથી એડન બંદર સાથે ભારતનો વેપાર રહ્યો છે. એડન યમનની રાજધાની છે અને હાલમાં ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. યમન સાઉદી અરેબિયાના પૂર્વમાં અરબી સમુદ્રના કાંઠે આવેલું છે, પણ ત્યાં ચારેક વર્ષથી લડાઈ ચાલી રહી છે. સુન્ની અને શિયા વચ્ચેની લડાઈ ત્યાં ચાલી રહી છે. યેમનનો એક છેડો ઈરાનની નજીક પડે છે. વચ્ચે હોર્મુઝની સામુદ્રઘાની પાર કરીએ એટલે સામે જ ઈરાન આવે. ઈરાન અહીંના શીયાઓને ટેકો આપે છે, પણ સાઉદી અરેબિયા સુન્નીઓને ટેકો આપે છે. બે મોટા દેશોના સમર્થનને કારણે યમનના બે જૂથો લડતા રહ્યા છે. દક્ષિણ યમનને જુદો દેશ બનાવવાની વાત છે. દક્ષિણ યમન જૂદો દેશ જ હતો, પણ 1990માં બંને દેશોને ભેગા કરવામાં આવ્યા હતા. પહેલાં જુદા હતા, પછી ભેગા થયા અને હવે ફરીથી જુદા થવા માટેની લડાઈ ચાલી રહી છે. એડન યમનની કામચલાઉ રાજધાની છે, કેમ કે સત્તાવારા રાજધાની સના છે. સના પર હજીય સાઉદી અરેબિયાના ટેકા સાથે હૂતી પ્રજાનો કબજો છે, પણ એડનને દક્ષિણના અલગ દેશ બનાવવા માગતા જૂથે કબજે કરી લીધું છે.

ઉત્તર યમનમાં વધારે વસતિ હૂતીની છે. હૂતીને ઈરાનનો ટેકો છે. ઉત્તર તરફના દરિયાકિનારથી ઈરાન સાથે સહેલાઈથી સંપર્ક થઈ શકે છે. બીજી બાજુ દક્ષિણમાં રહેતા સુન્નીઓને સાઉદી અરેબિયાનો ટેકો છે. અમેરિકા પણ સાઉદીને દોસ્ત ગણે છે એટલે તેનો ટેકો પણ દક્ષિણના સુન્નીઓને છે. સમગ્ર યમન પર કબજો જમાવવાની ગણતરીથી અહીં સાઉદી ઉશ્કેરણી કરે છે, પણ દક્ષિણમાંથી ભાગલાવાદી જૂથોએ એડન કબજે કરી લીધું તેનાથી મામલો ગૂંચવાયો છે.  ઈરાનનો ટેકો ધરાવતા હૂતીઓને હરાવીને સાઉદી અરેબિયા સુન્નીઓનું રાજ યમનમાં કાયમી કરવા માગે છે. સમગ્ર યમનને એક રાખવું અને સુન્ની વહાબી રૂઢિચૂસ્ત શાસન અહીં સ્થાપવાની નેમ સાઉદીની છે, પરંતુ દક્ષિણના કેટલાક જૂથોને એમાં રસ નથી. તેમને ફરીથી અલગ યમન બનાવવાની ઈચ્છા છે. ઉત્તરમાં હૂતીનું વર્ચસ્વ છે તેનાથી અલગ થઈ જવાની વાત છે. તેથી જ એડન પર કબજો કરી લેવાયો છે.

હવે મુશ્કેલી એ છે કે એડન પર કબજો કરનારા જૂથનું વર્ચસ્વ એડન શહેર અને તેની આસપાસના થોડા વિસ્તારો પૂરતું જ મર્યાદિત છે. દક્ષિણના વિસ્તારોમાં બીજા જૂથો સાઉદી અરેબિયાના કહ્યા પ્રમાણે આગળ વધવા માગે છે. તેથી હવે દક્ષિણમાં જ બે ભાગ પડી જાય તો સાઉદીની રમત નકામી થાય. હૂતીઓએ સના પર કબજો જમાવ્યો ત્યારથી, 2015થી લડાઈ ચાલી રહી છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ વચ્ચે પડીને વાટાઘાટ માટે કોશિશ કરી છે. પણ હજી સુધી ઉકેલ આવ્યો નથી. આ લડાઈમાં ત્રીજો પક્ષ પણ સક્રિય બન્યો છે. સંયુક્ત આરબ અમિરાતના ટેકાને કારણે જ દક્ષિણના ભાગલાવાદીઓ એડન પર કબજો કરી શક્યા છે. હૂતીના દળોએ પોતાના મથકો પર મિસાઇલ્સનો મારો કર્યો હતો એટલે અમારે આ પગલું લેવું પડ્યું છે તેમ ભાગલાવાદીઓનું કહેવું છે. એડનમાં આવેલા લશ્કરી મથક પર તેઓ સહેલાઈથી કબજો કરી શક્યા હતા અને તે રીતે સમગ્ર એડન હવે તેમના હાથમાં છે. એડન પર તેમના કબજા સામે


આ ભાગલાવાદી જૂથનું નામ સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ છે. તેના લગભગ 90,000 લડાયકોને સંયુક્ત આરબ અમિરાતે શસ્ત્રોથી સજ્જ કર્યા છે. પ્રમુખ અબ્દ-રબ્બુ મન્સૂર હદીની સરકારે પણ તેમને ચેતવણી આપી છે કે એડન પર આ રીતે કબજો ના કરે. હદીની સરકાર અને સધર્ન ટ્રાન્સિઝશનલ કાઉન્સિલ બંનેનો હેતુ હૂતીઓને હરાવવાનો છે, પણ ત્યાર બાદ શું કરવું તે માટે બંનેના પોતપોતાના અલગ માર્ગો છે. સાઉદી અને અમેરિકાએ હૂતી સામે લડતા જૂથોને એક કર્યા હતા, પણ હવે કાઉન્સિલે પોતાની રીતે પગલું ભરીને એડન પર કબજો કરી લીધો છે.
હૂતીઓને પણ દક્ષિણમાં બહુ રસ નથી. તેમની વસતિ ઉત્તરમાં વધારે છે અને ઇરાનનો ટેકો છે. તેમને પણ માત્ર ઉત્તર યમનમાં રસ છે, પણ સાઉદી અને અમેરિકા યમનને એક રાખીને હૂતીઓને હરાવવા માગે છે અને સુન્નીઓને સત્તામાં બેસાડવા માગે છે.

એડનમાં આ બીજી વાર કબજો થયો છે. જાન્યુઆરી 2018માં પણ તેમણે કબજો કર્યો હતો. તે વખતે સાઉદી અરેબિયાએ સંયુક્ત આરબ અમિરાતને વચ્ચે રાખીને કબજો હટાવ્યો હતો. તે પછી પણ સંયુક્ત આરબ અમિરાત સક્રિય રહ્યું છે. દક્ષિણમાં અને ખાસ કરીને દરિયા કિનારે સમથળ પ્રદેશોમાં રહેતા જૂથોને શસ્ત્રો પૂરા પાડીને મજબૂત દળ તૈયાર થયું છે. તેના કારણે હવે માત્ર સાઉદી પોતાની ધારણા પ્રમાણે યમનમાં ઉકેલ લાવી શકે તેવું રહ્યું નથી.
અત્યાર સુધી મહદ અંશે સાઉદી અને સંયુક્ત આરબ અમિરાત એકમત રહ્યા છે. વચ્ચે વચ્ચે તેમના વચ્ચે મતભેદો બહાર આવતા રહે છે. યમનનો ઉકેલ કેવી રીતે લાવવો તે મુદ્દે બંને વચ્ચે હજીય થોડી અસમહતી છે. ફક્ત ઇરાનના ટેકાથી લડી રહેલા શિયાઓને કાબૂમાં રાખવા માટે જ બંને ભેગા થયા છે. ઇરાનના ટેકાથી શિયાઓનું જોર વધે અને સુન્નીઓના હાથમાં સત્તા જતી રહે તેમ સાઉદી કે સંયુક્ત આરબ અમિરાત ઇચ્છતા નથી. બીજી બાજુ ગલ્ફમાં તંગદિલીભરી સ્થિતિ રહે તેમ સંયુક્ત આરબ અમિરાત ઇચ્છતું નથી. સાઉદી અરેબિયા સાથે અમેરિકાની ગાઢ દોસ્તી છે એટલે સીધી દરમિયાનગીરી થયા કરે છે. અમેરિકાના દળો સાઉદીમાં રહીને કામગીરી કરે તે પણ બહુ પસંદ પડે તેવી વાત નથી. યુદ્ધમાં આ દળો વચ્ચે વચ્ચો બોમ્બમારો કરે તેમાં નાગિરકોનો ભોગ લેવાય છે તે વાત સંયુક્ત આરબ અમિરાતને પસંદ નથી.

બીજું અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી વધી છે ત્યારે સ્થિતિ વકરી શકે છે. હોર્મુઝની સામુદ્રઘાનીમાંથી પસાર થતાં ઑઈલ ટેન્કર્સ પર જોખમ વધ્યું છે. આ માર્ગે માલવાહક જહાજોની હેરફેર પણ જોખમી બની છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વિશ્વનું દબાણ અહીં વધશે એમ સંયુક્ત આરબ અમિરાતને લાગશે. નાનકડું પણ યુદ્ધ થાય તો આ વિસ્તારમાં મોટું નુકસાન થઈ શકે છે. સંયુક્ત આરબ અમિરાતને ટુરિઝમ સહિતની બીજી આવક પણ ઘણી છે. યુદ્ધ જેવી સ્થિતિમાં તેમાં નુકસાન થઈ શકે છે. દુબઈ જેવા શહેરોમાં દુનિયાભરના ધનિકો રોકાણ કરવા આવે છે. તેમના પર બ્રેક વાગી શકે છે.


આવી સ્થિતિમાં યમનમાં સ્થિતિ ઝડપથી થાળે પડે તેમાં સંયુક્ત આરબ અમિરાતને રસ છે. તે માટે જરૂર પડે તો ફરીથી યમનના ટુકડા કરી નાખવા અને દક્ષિણ યમનને અલગ કરી દેવું. 2018માં એડનનો કબજો થયો હતો ત્યારે સમજૂતિથી હટાવાયો હતો. આ વખતે સંયુક્ત આરબ અમિરાત કબજો હટાવવા માટે તૈયાર થશે કે કેમ તે જોવાનું રહે છે.  સંયુક્ત રાષ્ટ્રસંઘ વાટાઘાટો માટે સક્રિય છે. હદીની સરકાર અને હૂતી જૂથ વચ્ચે સમજૂતિ કરાર થયેલો છે કે દળોને આગળ ના વધારવા. પણ તેનું પાલન થતું નથી. ફરીથી તે માટેના પ્રયાસો થશે તેમ લાગે છે. ચિંતા એટલી જ છે કે યમનનું નાનું યુદ્ધ, ઇરાનના બહાને મોટા ખાડી યુદ્ધમાં ફેરવાઈ ના જાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]