શ્રીલંકાએ છોડેલા પ્રથમ સેટેલાઇટનું નામ રાવણ-1 કેમ?

ત 19 જૂને શ્રીલંકાએ જાતે તૈયાર કરેલો પ્રથમ ઉપગ્રહ આખરે અવકાશમાં પહોંચ્યો, ત્યારે આ નાનકડા ટાપુ રાષ્ટ્ર માટે એક મહત્ત્વની ઘડી હતી. નાનો દેશ હોવાથી આ વર્ષના વિશ્વ બેન્કના અહેવાલમાં શ્રીલંકા ભારતથી એક ડગલું આગળ નીકળ્યો છે. (આ વિશે વાંચો ચિત્રલેખાનો વિશેષ અહેવાલ…httpss://bit.ly/30k2Q6K) નિમ્ન-મધ્યમ-આવક જૂથમાંથી તે આગળ નીકળીને ઉચ્ચ-મધ્યમ-આવકમાં પ્રવેશ્યો છે. ભારત હજીય નિમ્ન-મધ્યમ-આવક જૂથમાં છે. એટલે કે ભારત કરતાં માથાદીઠ આવકની બાબતમાં શ્રીલંકા આગળ વધ્યો છે.

અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં હવે તેણે પ્રવેશ કર્યો છે અને પોતાનો પ્રથમ ઉપગ્રહ છોડ્યો છે. જોકે ભારત અવકાશ વિજ્ઞાનમાં બહુ જ આગળ છે અને વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે. મંગળ સુધી ભારતે ઉપગ્રહ મોકલ્યો છે અને ચંદ્ર પર પગલું પાડવાની તૈયારીઓ થઈ ગઈ છે. એટલે ભારત સાથે સ્પર્ધા કરી શકાય તેવી સ્થિતિ નથી, પણ શ્રીલંકાએ સાંસ્કૃત્તિક અને ઐતિહાસિક બાબતમાં ભારત સામે જાણે પડકાર ફેંક્યો છે એમ કેટલાકને લાગ્યું છે.

ભારતે પ્રથમ ઉપગ્રહ 1975માં રશિયાની મદદથી છોડ્યો ત્યારે તેનું નામ આર્યભટ્ટ રાખ્યું હતું. આર્યભટ્ટ એટલે પ્રાચીન ગણિતશાસ્ત્રી. આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધિ સાથે પ્રાચીન સિદ્ધિઓને જોડવાની વાત નવી નથી, પણ શ્રીલંકાએ પ્રથમ ઉપગ્રહને રાવણ-1 નામ આપ્યું તો શું તે રાવણને પોતાને હીરો માને છે? રાવણને હીરો માને છે તો રામને શું માને છે?

રામ અને જયશ્રી રામ ભારતમાં રાજકારણમાં હલચલ મચાવી રહ્યા છે ત્યારે જ શ્રીલંકાએ રાવણ-1 ઉપગ્રહ છોડીને ધ્યાન ખેંચ્યું. એ વાત સાચી છે કે શ્રીલંકામાં એક વર્ગ એવો છે જે ભારતનો વિરોધ કરે છે. ભારતના બધા જ પડોશી દેશોમાં ભારતનો વિરોધ કરનારો એક વર્ગ રહ્યો છે. નેપાળ અને માલદીવમાં પણ ભારતવિરોધી મજબૂત લોબી છે અને વચ્ચે વચ્ચે સત્તા પર પણ આવી જાય છે.

શ્રીલંકામાં ભારતના વિરોધનું કારણ સમજાય તેવું છે, કેમ કે તમિળ ઉદ્દામવાદ ચાર દાયકા સુધી દેશને પરેશાન કરતો રહ્યો હતો. તમિલ ટાઇગર્સે ઉત્તર શ્રીલંકાનો કબજો લઈ લીધો તે પછી ભારતે શાંતિરક્ષક દળો મોકલ્યા હતા. ભારતે શ્રીલંકાની સરકારને મદદ કરવા અને તમિલ ટાઇગર્સ સામે કાર્યવાહી માટે દળો મોકલ્યા હતા, પણ સિંહાલા કટ્ટરવાદીઓને તેમાં પણ ભારતીય જોહુકમી જ દેખાઈ હતી. ભારતનું આઇપીકેએફ એટલે ‘વાંદરાઓની સેના’ એવું કહીને તેનો વિરોધ થયો હતો. જનતા વિમુક્તિ પેરામુના સંસ્થાએ ‘વાનર સેના’ના વિરોધમાં પોસ્ટરો લગાવ્યા હતા.

શ્રીલંકાનો સાંસ્કૃત્તિક અને ધાર્મિક ઇતિહાસ ભારત સાથે જ જોડાયેલો છે. અઢી હજાર વર્ષ પહેલાં ભારતના કલિંગથી રાજકુમાર વિજય સિંહલદ્વિપ પહોંચ્યો અને ત્યાં સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અશોકે મોકલેલા બૌદ્ધ સાધુઓએ ત્યાં જઈને બૌદ્ધ ધર્મ ફેલાવ્યો હતો. કલિંગના વિજય ઉપરાંત ગુજરાતમાં એવી પણ દંતકથાઓ છે કે શિહોરનો રાજકુમાર વિજય નાનકડી સેના લઈને લંકા પહોંચે છે અને સામ્રાજ્ય જમાવે છે.

આજની સિંહાલા-બૌદ્ધ સંસ્કૃતિ વિજય સામ્રાજ્યના પાયા પર રચાયેલી છે. ઇસૂ પૂર્વ પાંચમી સદીમાં અનુરાધાપુરમાં બૌદ્ધ સાધુઓએ પાલી ભાષામાં લખેલો મહાવંશ ગ્રંથ સિંહાલી સંસ્કૃતિનો આધારસ્તંભ છે. જોકે પાલી ભાષાને બદલે સિંહાલા ભાષાને મહત્ત્વ આપવાના અને સિંહાલા ભાષા પર પાલી અને સંસ્કૃતની અસરને દૂર કરવા માટેની ઝુંબેશ પણ કુમારતુંગા મુનીદાસા નામના પુનરુત્થાનવાદી નેતાએ ઉપાડી હતી. 1941માં તેમણે હેલા હેવુલા એવા નામની સંસ્થા સ્થાપી હતી, જેથી તમિલ પ્રજા સામેના સંઘર્ષમાં સિંહાલાને વધુ મજબૂત કરી શકાય.

તમિલ પ્રજાની સંખ્યા વધતી ગઈ તે સાથે લંકામાં મુશ્કેલી સર્જાવા લાગી હતી. તેના કારણે હવે ભારતમાંથી આવીને અહીં વસવાટ થયો છે તે વાત જ સ્વીકારવા માટે સિંહાલા તૈયાર નહોતા. માત્ર અઢી હજાર વર્ષ જૂના પોતાના ઇતિહાસને વધુ પ્રાચીન બનાવવાની કોશિશ થવા લાગી હતી. રાજકુમાર વિજય અને બૌદ્ધ ધર્મના આગમન સાથે જ શ્રીલંકાનો સમાજ બન્યો તેવી વાત બધાને પસંદ પડતી નથી.

સ્વાભાવિક છે કે રામાયણ તેના કરતાંય પ્રાચીન ગ્રંથ છે અને તેમાં શ્રીલંકા અને રાવણ એટલા જ અગત્યના છે. તેના કારણે રામાયણ કાળ જેટલા પ્રાચીન ઇતિહાસ તરફ દૃષ્ટિ દોડાવાનું શરૂ થયું હતું અને તેમાં રાવણને હિરો તરીકે દર્શાવાતો હતો. રાવણ મહાનાયક અને મહાવીર હતો, પરંતુ તેના ભાઈ વિભિષણે દગો કર્યો એટલે જ તે હાર્યો. દગા વિના રામ પણ રાવણને હરાવી શકે તેમ નહોતા. હેલા હેવુલા સંસ્થા રાવણને નાયક તરીકે આગળ કરતી આવી છે. રાવણને મહાન દર્શાવતા નાટકો, ગીતો, કાવ્યો, કથાઓ લખાતા રહ્યા છે.

અહીં વક્રતા એ છે કે જે તમિલ પ્રજા સાથે સંઘર્ષ લાંબો ચાલ્યો તે તમિલ પ્રજા પણ રાવણને હિરો માને છે. ભારતમાં રહેલા તમિલોમાં દ્રવિડ ચળવળ ચાલી ત્યારે રામને આક્રમણ કરનાર તરીકે રજૂ થયા હતા. રામ એટલે તેમના માટે આર્ય પ્રજાનું પ્રતીક કે જેમણે દ્રવિડ સંસ્કૃત્તિને ખતમ કરી નાખી. ભારતમાં આઝાદીની ચળવળ જોરમાં હતી અને અંગ્રેજોએ વિદાય લેવી પડશે તે નક્કી મનાતું હતું. 20મી સદીના એ આરંભ કાળે ભારતમાં ભવિષ્યનું જે રાજકારણ આકાર લેવાનું હતું તેમાં ઉત્તર ભારતીયોનું અને હિન્દીનું મહત્ત્વ રહેશે તેમ દેખાય આવતું હતું. એ પણ એક કારણ હતું કે દક્ષિણ ભારતમાં દ્રવિડ રાજકારણ મજબૂત થવા લાગ્યું હતું.

શ્રીલંકામાં પણ અઢી હજાર વર્ષ સુધી પાલી ભાષામાં લખાયેલો મહાવંશ ગ્રંથ, બૌદ્ધ ધર્મ અને રાજકુમાર વિજયના સામ્રાજ્યની પરંપરા ગૌરવનું કારણ રહી. પરંતુ તમિલ વસાહતીઓનું વધતું પ્રભુત્વ અને દેશના ઇતિહાસને માત્ર અઢી હજાર વર્ષ જેટલો જ જૂનો ગણવા કરતાં વધુ પ્રાચીન ગણવા તરફનું વલણ વધ્યું હતું. તેના કારણે ભારતમાં 20 સદીની શરૂઆતમાં દ્વવિડ મૂવમેન્ટ પ્રબળ બની અને લંકામાં સિંહાલા-બૌદ્ધ પરંપરાને બદલે વધારે પ્રાચીને રાવણ પરંપરા અલગ પડવા લાગી હતી. આ બંને ચળવળમાં રામ આક્રમણકારી હતા અને રાવણ મહાનાયક જેમણે સ્થાનિક, મૂળ નિવાસીઓના અસ્તિત્ત્વ માટેની લડાઈ લડી. આખરે રાવણની હાર થઈ તે ઇતિહાસ પલટાવી શકાય તેમ નથી, પણ હારનું કારણ રામની વીરતા નહિ, પણ તેમણે દાખવેલી ફાટફૂટની નીતિ હતી એવું કથાનક તૈયાર થયું હતું. વિભિષણને ફોડી દેવામાં આવ્યો અને તેની દગાખોરીથી રાવણે સામ્રાજ્ય ગુમાવવું પડ્યું અને આક્રમણખોર આર્ય પ્રજા સામે સ્થાનિક સિંહાલી પ્રજા હારી.

જોકે રામાયણમાં દર્શાવેલી લંકા એટલે શ્રીલંકા જ એવું પાકા પાયે કહી શકાય તેવું નથી. અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે રાજકુમાર વિજય લંકા પર પહોંચ્યા ત્યારે પણ એકથી વધારે પ્રકારની રામાયણ પ્રચલિત હતી. દક્ષિણના સામ્રાજ્યો પૂર્વ એશિયામાં ફેલાયા હતા અને તેની સાથે રામકથા ઇન્ડોનેશિયા, મલેશિયા, જાવા, સુમાત્રા સુધી પહોંચી હતી. પ્રદેશો પ્રમાણે જુદી જુદી ભાષામાં પણ રામકથા લખાવા લાગી હતી. વાલ્મિકી રામાયણ અને તુલસી રામાયણમાં ભાષાનો ફરક છે, પણ મૂળ ભાવ એક છે, પરંતુ ભાષાફરક ઉપરાંત કથાફરક સાથેની પણ અનેક રામાયણ મળે છે.

જોકે માત્ર ભારતનો વિરોધ દર્શાવવા કે ભારત સાથે જોડાયેલા પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિને અલગ કરવા માટે જ રાવણને હિરો દર્શાવાય છે એવું પણ નથી. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રમાણમાં સારા સંબંધો રહ્યા છે. એકબીજાને દેખીતી રીતે નારાજ કરવાની વાત બેમાંથી એકેય દેશને સરકારના કરે. તેથી એવો ખુલાસો પણ કેટલાક વર્ગ તરફથી થઈ રહ્યો છે કે શ્રીલંકાએ રાવણ-1 એવું નામ રાખ્યું તેની પાછળ વૈજ્ઞાનિક પરંપરાનું કારણ છે.

રામાયણમાં પણ ઉલ્લેખ આવે છે કે રાવણ વિમાનમાં ઊડતો હતો. રામે પણ પુષ્પક વિમાનમાં પ્રવાસ કર્યો હતો. રાવણ વિદ્વાન હોવા ઉપરાંત પ્રજાકલ્યાણના કાર્યો કરનારો રાજા હતો. પ્રજાની સુખાકારી માટે કુબેરના ધનભંડારનો ઉપયોગ કરતો હતો અને જ્ઞાનવિજ્ઞાનના પ્રસારમાં માનતો હતો. રાવણની એ ઇમેજને ધ્યાનમાં રાખીને ઉપગ્રહનું નામ રાવણ-1 રખાયું છે. શ્રીલંકા જ એવો દેશ હતો અને તેનો પ્રાચીન રાજા એવો હતો, જે વિમાનમાં ઊડતો હતો. આજે શ્રીલંકાએ હવે આકાશમાં પોતાનો ઉપગ્રહ પણ ઉડાડ્યો એવું ગૌરવ જોડી શકાય તે માટે પણ રાવણ-1 એવું નામ ઉપગ્રહને આપવામાં આવ્યું છે તેવું કારણ સાવ અતાર્કિક પણ લાગતું નથી.