ઉત્તર અને કોરિયા વચ્ચે શું થશે તેની ચિંતા રાજદ્વારીઓ જેટલી શેરબજારના લોકોને થતી હોય છે. વિશ્વના એક શેરબજારને છીંક આવે તો બીજી બજારને શરદી થઈ જાય છે. ને ત્રીજીને તાવ આવી જાય. વચ્ચે ઉપરાઉપરી અણુપરીક્ષણો કરવાનું શરૂ કર્યું ઉત્તર કોરિયાએ ત્યારે લાગ્યું કે નાનકડું વિશ્વયુદ્ધ થઈ જશે. દક્ષિણ કોરિયા અને જાપાનની સહાય માટે અમેરિકાએ પોતાના નૌકાકાફલાને રવાના કર્યો હતો.જોકે તે પછી સ્થિતિ થાળે પડી છે. ક્રૂડની મૂવમેન્ટ કેવી રીતે થશે તેનો થોડો અંદાજ હોય છે, તેથી તેને ફેક્ટર કરી શકાય છે, પણ યુદ્ધ જેવી સ્થિતિમાં ક્યારે શું થશે તે કહેવું મુશ્કેલ હોય છે. ક્રૂડના ભાવવધારા સાથે ખાદ્યતેલોમાં એટલી મૂવમેન્ટ ના આવી તેના કારણે નિષ્ણાતોને નવાઈ લાગી હતી, પણ એટલી સરપ્રાઇઝ માર્કેટ સહન કરી શકે તેમ હોય છે.
સરપ્રાઇઝ ન લાગે તેવી એક ગતિવિધિ એ થઈ છે કે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી હોટલાઇન શરૂ થઈ ગઈ છે. બંને વચ્ચે હોટલાઇન હતી જ, પણ 2016માં તે બંધ કરી દેવાઈ હતી. વાતચીતના બીજા રસ્તા પણ બંધ થવા લાગ્યા હતા અને તેના કારણે જ તંગદિલી વધી હતી. જાન્યુઆરી 2016માં ફરી હોટલાઇન શરૂ થઈ અને બંને દેશના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે હોટલાઇન પર થોડી વાતચીત થઈ એટલે વાતાવરણ થોડું ઠંડું પડ્યું હતું. સંવાદનું મહત્ત્વ એટલે જ હોય છે. થોડા સંવાદ પછી ઉત્તર કોરિયાએ નક્કી કર્યું હતું કે પોતાના ખેલાડીઓને વિન્ટર ઓલિમ્પિક્સમાં રમવા માટે દક્ષિણ કોરિયા મોકલશે.
એક જ કૂળના બે દેશો વચ્ચે એવી દુશ્મનાવટ થઈ ગઈ છે કે એક બીજાના નાગરિકોએ વાતચીત કરવી હોય તો કોઈ માધ્યમ નથી. એક જ કુટુંબ બે દેશો વચ્ચે વહેંચાઈ ગયું હોય, તેના માટે સગાનો સંપર્ક કરવો બહુ મુશ્કેલ છે. બંને દેશો વચ્ચે ટેલિફોન લાઇનો નથી. નેટ પર ઉત્તર કોરિયામાં પ્રતિબંધ જેવું છે. નવાઈ લાગશે કે આજના આધુનિક યુગમાં બંને દેશો વચ્ચે માત્ર ત્રીસેક ટેલિફોન લાઇનો છે. તેમાંની કેટલીક રેડક્રોસ સોસાયટીની છે. બંને દેશોમાં રેડક્રોસ સંસ્થા કામ કરે છે. તેમની કચેરીઓને એક બીજા સાથે વાતચીત કરવા માટે ટેલિફોન લાઇનો નાખવા દેવામાં આવી છે. તે સિવાય બંને દેશના નાગરિકો એક બીજા સાથે વાત કરી શકે નહિ. સત્તાવાર રીતે વીઝા મેળવીને થોડી આવનજાવન થાય, પણ તેમાં બહુ સરકારી અડચણો હોય છે.
બંને દેશો પ્રચારનો મારો ચલાવવા માટે એક બીજાના દેશમાં બલૂન મોકલીને ચોપાનિયા ફેંકતા હોય છે. આ ઉપરાંત રેડિયો સ્ટેશનો ચલાવે છે, જેથી પ્રચારનો મારો સામા દેશમાં કરી શકાય. થોડી હાસ્યાસ્પદ સ્થિતિ વચ્ચે એવી થઈ હતી કે સરહદે કાંટાળી વાડ હોય તેની બંને બાજુ બંને દેશે મોટા મોટા લાઉડસ્પીકર લગાવ્યા હતા. હજી પણ છે. આ લાઉડસ્પીકર પરથી જોરશોરથી સામા પક્ષની નિંદા થાય. સરહદ પાર સામે એકદમ નજીક કોઈ ગામડું હોય ત્યાં થોડું સંભળાય. તે સિવાય માત્ર એક બીજાના દેશના સૈનિકોના કાન લાઉડસ્પીકર સાંભળીને પાકી જાય. થોડા મહિનાથી લાઉડસ્પીકર પર પ્રચાર ઓછો કરાયો છે.
દરમિયાન એવી જાહેરાત થઈ છે કે બંને દેશના ટોચના નેતાઓ એક બીજા સાથે વાતચીત કરી શકે તે માટે નવી હોટલાઇન નાખી દેવાઈ છે. જૂની હોટલાઇન સરહદ પર આવેલા પોનમુનજોમ નામના એક નાના ગામમાં રાખવામાં આવી છે. તે બે વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી, પણ 2018માં ફરી શરૂ કરાઈ છે. જોકે તે બંને દેશોના અધિકારીઓ માટે છે, પણ નવી હોટલાઇન દક્ષિણ કોરિયાના પ્રમુખના કાર્યાલયમાં રાખવામાં આવી છે. 20 એપ્રિલે જ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સામો છેડો વિદેશ વિભાગના કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે. વિદેશ વિભાગ ઉત્તર કોરિયાના સર્વેસર્વા કિમ જોંગ-ઉન પોતે જ સંભાળે છે. 27 એપ્રિલે બંને દેશોના નેતાઓ વચ્ચે શીખર મંત્રણા થવાની છે. તે પહેલાં બંને નેતાઓ એકવાર આ હોટલાઇન પર વાતચીત કરશે તેવી શક્યતા છે.
થોડા મહિનામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કિમ જોંગ-ઉનની મુલાકાત થવાની છે. પડોશી દેશ સાથે વાતચીત સારા માહોલમાં થાય અને અમેરિકા સાથેની મંત્રણા પણ ફળદાયી નીવડે તે માટે ઉત્તર કોરિયાએ જાહેરાત પણ કરી દીધી છે કે તે હવે અણુ પરીક્ષણ નહિ કરે. ઉત્તર કોરિયાએ અણુ કાર્યક્રમ અટકાવી દેવો જોઈએ તેવી માગણી અમેરિકાની હતી. અમેરિકાનું દબાણ વધી રહ્યું હતું. અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોની અસર થઈ રહી હતી. ચીન તરફથી ખાનગીમાં મદદ થતી હતી, પણ દુનિયામાં એકલા રહેવું લાંબો સમય કોઈ દેશ માટે શક્ય નથી.
બીજી બાજુ રશિયાએ પણ મમરો મૂક્યો છે કે પોતાના કહેવાથી કિમ જોંગ-ઉને અણુ કાર્યક્રમ અટકાવ્યો છે. રશિયાની સરહદ ઉત્તર કોરિયા સાથે મળે છે એટલે અમેરિકા કરતાં રશિયાને આ મામલામાં વધુ રસ હોય. વધુ એકવાર રશિયાના પ્રમુખ બન્યા પછી વ્લાદિમીર પુતિન શક્તિશાળી બન્યા છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે વધુ સક્રીય ભૂમિકા ભજવવા તૈયાર છે. રશિયા ઉત્તર કોરિયાને ચીનની જેમ મદદ કરી શકે છે, પણ આવી બાબતોમાં ખેલ શાણપણનો હોય છે. પુતિને એવું સમજાવ્યું હોવું જોઈએ કે હવે વધુ પરીક્ષણો કરવાનો અર્થ નથી. અણુ ક્ષમતા હાંસલ થઈ ગઈ છે તે જ અગત્યનું છે. નાહકના સત્તાવાર પ્રતિબંધોનો સામનો કરવાનો અર્થ નથી. ભારતે પણ વાજપેયી સરકાર વખતે વધુ એક વાર અણુવિસ્ફોટ કરીને પછી સ્વંય પરીક્ષણો અટકાવ્યા હતા. તેના કારણે થોડો સમયની વિશ્વની મહાસત્તાઓની નારાજી પછી અણુ ઉર્જા માટે કરારો કરી શકાયા છે.
ઉત્તર કોરિયાના શાસક તરીકે કિમ જોંન-ઉનને ભેંજાગેપ તરીકે ચીતરવામાં આવે છે. તેમાં તથ્ય પણ હશે, પણ અમેરિકા આ પ્રકારના પ્રચારમાં માહેર છે. કૂતરાને ઠાર કરતાં પહેલાં તેને હડકાયો જાહેર કરવો પડે. પોતાને ના ફાવતા સરખુખત્યારોને અમેરિકાનું પ્રચાર તંત્ર દુષ્ટ તરીકે દુનિયાભરમાં ચીતરી મારે છે. સદ્દામ હુસૈનને રાક્ષસ તરીકે ચીતરીને આખરે ઇરાક પર હુમલો કર્યો હતો. સદ્દામ હુસૈન સારો હતો એવું નથી, પણ તેનો વાંક એટલો જ હતો કે અમેરિકાના પ્રભાવમાંથી નીકળી ગયો હતો અને અમેરિકાના દોસ્ત સાઉદી અરેબિયાના શેખોને પરેશાન કરતો હતો.
કિમનું ચિત્રણ પણ એ જ રીતે મગજમેટ તરીકેનું કરાયું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી તેણે એવાં પગલાં લીધા છે, જેને વ્યવહારુ કહેવા પડે. કિમે ચીનની ચારેક દિવસની મુલાકાત લીધી. પરિવાર સાથે મુલાકાત લીધી અને તેની તસવીરો પણ પ્રસિદ્ધ થવા દીધી. પીઆર એક્સરસાઇઝના ભાગરૂપે પણ આ મુલાકાત હતી.
આ ઉપરાંત દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે મંત્રણા થાય ત્યારે હિતોની જાળવણી કેવી રીતે કરવાની છે તેની સલાહ પણ ચીને આપી હોય. ચીને પોતાનું હિત જાળવવાનું છે અને પોતાના પડખામાં આવીને અમેરિકા દખલ કરે તે તેને સ્વીકાર્ય ના હોય.
ચીનની મુલાકાત બાદ કિમે એવું દર્શાવ્યું છે કે તે વિશ્વના બીજા દેશો સાથે સમાન ધોરણે સંબંધો રાખવા માગે છે. પ્રતિબંધોને કારણે એકલા પડી જવાના બદલે મંત્રણા કરીને માર્ગ કાઢવાની રીત વધુ માફક આવે. સ્થાનિક ધોરણે પણ તેમના પર દબાણ હોવું જોઈએ, કેમ કે આ શાસકની ત્રીજી પેઢી છે. પાંચ દાયકાથી દબાઇને રહેલી પ્રજા અકળાતી હોય તેવું પણ બને. દક્ષિણ કોરિયામાં રહેતા પોતાના સગાઓ સાથે સહેલાઈથી હળવા મળવાનું ના થાય તેના કારણે નાગરિકો નારાજ થતા હોય. પોતાના મામા સહિતના અનેક નિકટના સગાઓને કિમે ખતર કર્યા છે, પણ બળવાનો ખતરો સતત રહેતો હોય છે. તેથી સ્થાનિક ધોરણે પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે કિમે વિશ્વ સાથે સંબંધો સુધારવા પડે.
નવી નખાયેલી હોટલાઇન પર આ અઠવાડિયે બંને દેશોના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થશે. તે ઐતિહાસિક ઘડી હશે. દાયકાઓ પછી બંને દેશના સર્વોચ્ચ નેતાઓ એક બીજા સાથે વાત કરશે. ત્યારબાદ શીખર મંત્રણા છે અને અમેરિકાની મુલાકાત યોજાશે. તેના કારણે હાલ પૂરતી કોરિયાના મુદ્દે આવનારી કટોકટી ટળી છે તેટલી ટાઢક શેરબજારોને થશે.