વિશ્વનો સૌથી મોટો મચ્છર ચીનમાં મળી આવ્યો…

વિશ્વનો રાક્ષસી કદનો મચ્છર ચીનના એક જંતુશાસ્ત્રીને ચીનના એક ખેતરમાંથી મળી આવ્યો છે.

આ સુપરસાઈઝ્ડ મચ્છરની બે પાંખોની ટોચ વચ્ચેનું અંતર (વિંગ સ્પેન) આશરે 11.15 સેન્ટીમીટર (4.4 ઈંચ) છે. સામાન્ય મચ્છરની વિંગ સ્પેન કરતાં આની વિંગ સ્પેન દસ ગણી વધારે છે. સામાન્ય મચ્છરની વિંગ સ્પેન 3.1 ઈંચ હોય છે.

આ મચ્છર વિશ્વમાં મચ્છરોની સૌથી મોટી ગણાતી જાતિ હોલોરુસિયા મિકાડોનો છે. આ સુપર મચ્છર 2017ના ઓગસ્ટમાં મળી આવ્યો હતો. હોલોરુસિયા મિકાડો જાતિના મચ્છર મૂળ જાપાનમાં પેદા થયા હોવાનું અને ત્યાંથી ફેલાયા હોવાનું કહેવાય છે.

આ જાયન્ટ મચ્છર ચીનના ઝાઓ લી નામના એક ઈન્ટમોલોજિસ્ટને મળી આવ્યો હતો. ઝાઓ લી પશ્ચિમ ચીનના ઈન્સેક્ટ મ્યુઝિયમના ક્યૂરેટર છે. આ જાયન્ટ મચ્છરને હાલ આ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે.

એમણે કહ્યું કે ગયા વર્ષના ઓગસ્ટમાં પોતે ચીનના સિચુઆન પ્રાંતના ચેંગ્ડુમાં માઉન્ટ કિંગચેન્ગના પ્રવાસે ગયા હતા અને એક ખેતરમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એમને આ મચ્છર મળી આવ્યો હતો.

આ પ્રચંડ કદના મચ્છરો દેખાવમાં રાક્ષસી લાગે છે, પણ એ લોહીમાંથી પોષણ મેળવતા નથી.

પુખ્ત વયના મચ્છરોનું આયુષ્ય અમુક દિવસોનું જ હોય છે. તેઓ મુખ્યત્વે વનસ્પતિઓમાંથી મળતા મધુર રસ (મધ) પર નભતા હોય છે.

ઝાઓનું કહેવું છે કે દુનિયામાં લાખો જાતિઓનાં મચ્છરો છે. એમાંની માંડ 100 જાતિના મચ્છરો લોહીમાંથી પોષણ મેળવે છે અને માનવીઓને પરેશાન કરે છે.

httpss://youtu.be/zfxD01rjDzc

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]