ગુજરાતમાં પોતાની જ્ઞાતિની ઓળખ, પોતાના ભગવાનની ઓળખ છતી કરવા લોકો ભગવાનના નામ પોતાના જ્ઞાતિના નામ પોતાના પરિવારજનનું નામ વાહન પર લખાવતા હોય છે. પણ આપને એ વાત જાણીને નવાઈ લાગશે કે વિશ્વની મહાસત્તા અમેરિકામાં પણ મૂળ ગુજરાતીઓ પોતાની ઓળખ પોતાના વાહન પર નંબર પ્લેટમાં દર્શાવીને પ્રસ્થાપિત કરે છે.
સામાન્ય રીતે ભારતીયોને અમેરિકામાં કોઇ અયોગ્ય કાર્ય થાય તો, દંડ થાય તેવો ભય હોય છે. પરંતુ ગુજરાતીઓએ અમેરિકાના નિયમોનું પાલન થાય અને પોતાને જે ઇચ્છા વ્યક્ત કરવી હોય તે થઈ શકે તે પ્રકારનો રસ્તો કાઢ્યો છે.
જોઈ લો, આ કારની નંબર પ્લેટ જેમાં જય માતાજી…જેડી પટેલ…પંજાબ -૧… જેવા નંબર લગાવવામાં આવ્યા છે. આ અંગે જેડી પટેલ કારના માલિક જવલભાઇ દીપકભાઇ પટેલે chitralekha.com સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓએ આ ખાસ પ્રકારનો કારનો નંબર અમેરિકાની સરકાર પાસેથી નાણાં ભરી લીધો છે. જવલ ભાઈને પોતાની એક ઇચ્છા હતી કે, તેમની અમેરિકામાં વસાવેલી પ્રથમ કાર પોતાના પરિવારના નામ સાથે ઓળખાય. જેના પગલે તેમને અમેરિકાની કાર રજિસ્ટ્રેશન ઓફિસનો સંપર્ક સાધ્યો જ્યાં તેમને જાણવા મળ્યું કે આ પ્રકારના કારના નંબર તેઓ મેળવી શકે છે. જેના માટે તેમને અલગથી ડોલર સરકારમાં જમા કરાવવા પડશે. જેના પગલે જવલ ભાઇએ પોતાની ગાડીનો નંબર જેડી પટેલ લીધો છે.
ગુજરાત સહિત દેશભરના રજિસ્ટ્રેશન ઑફિસમાં પણ પોતાને મનપસંદ નંબર લેવા માટે ખાસ અલગથી નાણાંની ભરપાઈ કરી પોતાનો મનપસંદ નંબર લઈ શકાતો હોય છે, ત્યારે ગુજરાતીઓ પોતાના નામનો અને પોતાને મનપસંદ એવો નંબર અમેરિકામાં પોતાની કારની નંબર પ્લેટમાં લાગે તે માટે અલગથી ડોલરની ભરપાઈ કરી પોતાને મનપસંદ એવા નંબર મેળવી રહ્યા છે.
અમેરિકામાં વસતાં ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝને લઇને ધંધા રોજગાર તો વિકસાવ્યાં જ છે, સાથે સાથે અહીં વસતાં ગુજરાતીઓએ પોતાના વાહન પર પોતાના નામની નંબર પ્લેટ લગાવી પોતાની ઓળખ એક અલગ રીતે પ્રસ્થાપિત કરી છે. જેમાં ગુજરાતી હોવાનો ગર્વ અનુભવાય છે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ