એફ-16 વિમાનનું જૂઠાણું પણ પકડાઈ ગયું

પાકિસ્તાન જૂઠું બોલે તેમાં કોઈને નવાઈ ના લાગે. પણ ભારતમાં ચૂંટણી ચાલતી હોય અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો અગત્યનો બન્યો હોય ત્યારે પાકિસ્તાનને લગતા કોઈ પણ સમાચાર તરત ધ્યાન ખેંચે. ચૂંટણીના દોઢેક મહિના પહેલાં જ સરહદે તંગદિલી વધી અને પાકિસ્તાને વિમાનોનું ધાડું મોકલીને કાશ્મીરમાં અટકચાળું કરવાની કોશિશ કરેલી. ભારતીય વાયુ સેનાન જવાનો તૈયાર જ હતા અને જોરદાર જવાબ આપેલો. અભિનંદનનું વિમાન તૂટી પડ્યું, પણ ભારતે પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું હતું તે સમાચાર સૌથી અગત્યના બન્યા હતા.
અભિનંદનનું વિમાન રશિયાએ ભારતને આપેલું જૂનું મિગ-21 બાયસન હતું. તે તૂટી પડ્યું, પણ સામે અમેરિકાએ પાકિસ્તાનને આપેલું અત્યાધુનિક એફ-16 તૂટી પડ્યું હતું. તેના કારણે આ સમાચાર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ વર્તુળોમાં પણ ચમક્યા હતા. એફ-16 વિમાનમાં એમરેમ મિસાઇલ લગાવેલી હોય છે. અમેરિકાએ આપેલી આ મિસાઇલ એફ-16 વિમાનમાં જ લાગી શકે. એમરેમ મિસાઇલનો તૂટેલો ટુકડો ભારતે દુનિયાને દેખાડ્યો હતો.
આના કારણે બે બાબતો બની હતી. એક તો પાકિસ્તાનનું વિમાન ભારતની સરહદમાં ઘૂસ્યું હતું. તેણે અમેરિકન મિસાઇલ છોડી હતી. એમ કરીને પાકિસ્તાને અમેરિકા સાથે કરેલો કરાર તોડ્યો હતો. એફ-16 જેવા આધુનિક શસ્ત્રો અમેરિકા પાકિસ્તાને આપતું રહે છે. ભારતના વિરોધ છતાં આપતું રહે છે. અમેરિકા આતંકવાદ સામે લડાઈને વાત કરે અને પછી પાકિસ્તાનને મદદ કરે – એ તો સાલું કેવું એ આપણે સમજીએ છીએ, પણ એ વાત જવા દો અત્યારે. મૂળ તો એફ-16 વિમાન તૂટી પડ્યું એટલે ભારત પાસે અમેરિકાને ફરિયાદ કરવાની તક મળી હતી.
ભારતે અમેરિકાને જણાવ્યું હતું કે તમે પાકિસ્તાનને આપેલા શસ્ત્રો ભારત સામે વપરાય છે. આ શસ્ત્રો અપાયા ત્યારે પણ ભારતે વિરોધ કર્યો હતો, પણ ત્યારે ભારતને જણાવાયું હતું કે પાકિસ્તાનને શરતો સાથે શસ્ત્રો અપાયા છે. પાકિસ્તાને અમેરિક શસ્ત્રો આતંકવાદ સામેની લડાઈમાં જ ઉપયોગમાં લેવાના છે. બહુ બહુ તો સ્વરક્ષા માટે ઉપયોગ કરી શકે, પણ ભારત સામે ક્યારેય ઉપયોગ નહિ કરે.
તેથી જ હવે જ્યારે એફ-16 ભારતીય જવાનોએ તોડી પાડ્યું ત્યારે અમેરિકા માટે પણ મૂંઝવણ ઊભી થઈ હતી. તેમના અત્યાધુનિક ગણાતા એફ-16 વિમાનની આબરૂનો પણ સવાલ હતો. તેથી પાકિસ્તાન ઇનકાર કરે જ, પણ એવા સમાચાર પણ અમેરિકન મીડિયામાં છપાયા કે એફ-16 તૂટી પડ્યું નહોતું. અમેરિકાને પણ રસ હોય કે એફ-16 તૂટી પડ્યાની વાત ખોટી સાબિત થાય. તેથી ભારતમાં આપણે એમ માની શકીએ કે અમેરિકા પણ પાકિસ્તાનની જેમ ખોટું બોલવાનું કામ કરી રહ્યું છે. અમેરિકા પણ પોતાનું વિમાન બહુ મજબૂત છે તેવું દેખાડવા માટે આવા સમાચાર ચલાવતું હશે. સાચી વાત એ છે કે અમેરિકા કે અમેરિકન સરકારે આવા કોઈ સમાચાર લીક કર્યો નહોતા. જાણકારો કહે છે કે અમેરિકામાં કેટલાક કહેવાતા સંરક્ષણ નિષ્ણાતોનો આ દાયકાઓ જૂનો ધંધો છે, જેમાં પાકિસ્તાનની વાહવાહી થાય છે.
જાણકારો કહે છે કે અમેરિકાના સંરક્ષણ ઉદ્યોગ માટે પાકિસ્તાન મોટું ઘરાક છે. અમેરિકાના કહેવાતા સંરક્ષણ નિષ્ણાતોમાં ઘણા બધા લેફ્ટ-લિબરબ ગણાય છે. તેમને ભારત સામે અમસ્થા જ સુગ છે. એક આગુ સે ચલી આતી વિચારસરણી શીત યુદ્ધ વખતની છે. શીત યુદ્ધ વખતે ભારતે તટસ્થ રહેવાની વાત કરી હતી. બિનજોડાણવાદની નીતિ આપણે અપનાવી હતી. પરંતુ અમેરિકાને તે નીતિ રશિયા તરફી લાગતી હતી. રશિયા સાથે ભારતના સારા સંબંધો થયા હતા તે વાત નકારી શકાય તેમ પણ નથી. રશિયા તરફથી જ આપણને શસ્ત્રો મળતા રહ્યા હતા તે પણ વાસ્તવિકતા છે. તેથી રશિયાને ધિક્કારનારા અમેરિક બુદ્ધિજીવીઓ સાથોસાથ ભારતને પણ ધિક્કારતા હોય છે અને પાકિસ્તાને પ્યાર કરતા હોય છે.
તેથી અસલી જાણકારો કહે છે કે 1965 અને 1971 વગેરે યુદ્ધમાં થયું હતું તે રીતે પાકિસ્તાની સેનાની વાહવાહ કરનારા અમેરિકન તત્ત્વોના વારસદારો જ આ વખતે ફરી સક્રીય થયા હતા. તે વખતે પણ અમેરિકામાં એવા નિષ્ણાતો હતા જે કહેતા રહ્યા હતા કે પાકિસ્તાન 1965 અને 1971માં હાર્યું નથી. પાકિસ્તાનના 93,000 યુદ્ધ કેદીઓને ભારતે એક વર્ષ સુધી સાચવ્યા હતા. આખી દુનિયાએ તે જોયું હતું, પણ અમેરિકાના વાંક દેખાઓ એવું કહેતા રહ્યા હતા કે પાકિસ્તાન હાર્યું જ નથી.
જાણકારો કહે છે કે આવા અમેરિકન સંરક્ષણ નિષ્ણાતોને પાકિસ્તાની સેના સાચવતી આવે છે. પાકિસ્તાની સેનાના અફસરો તેમને સલામ કરતા રહે છે. પાકિસ્તાનના ઘણા સૈન્ય અફસરો અમેરિકાની મિલિટરી કૉલેજમાં ભણીને આવે છે. અમેરિકામાં ભણતી વખતે અને તે પછી પણ અમેરિકનોને તેઓ સલામ કરતા રહે છે. તેમને મોટા ભા બનાવતા રહે છે.
1965 અને 1971ના યુદ્ધમાં ભારતે ગણતરીના દિવસોમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું. પણ અમેરિકાના ઘણા નિષ્ણાતોએ એવા પુસ્તકો લખ્યા હતા કે પાકિસ્તાન કઈ રીતે આખરે જીત્યું હતું. પાકિસ્તાને કઈ રીતે ભારતીય ટેન્કોનો ખુરદો બોલાવ્યો અને કઈ રીતે ભારતના એક સાથે પાંચ હન્ટર વિમાનોને તોડી પડાયા તેવા પુસ્તકો પણ લખાયા હતા. પાકિસ્તાની સેનાના અમુકતમુક અફસરોને હિરો બનાવીને, ભારત સામે તેમણે કરેલા પરાક્રમના પુસ્તકો અમેરિકન સંરક્ષણ નિષ્ણાતો લખતા રહ્યા છે.
એ જ પદ્ધતિએ આ વખતે પાકિસ્તાને પ્રચાર કર્યો હતો. એ જ પદ્ધતિએ અમેરિકાના કેટલાક કહેવાતા જાણકારોએ એવો દાવો કરી દીધો કે પાકિસ્તાનમાં રહેલા એક પણ અમેરિકન એફ-16 વિમાનનો નાશ થયો નથી. પાકિસ્તાનને જેટલા અપાયા હતા, તેટલા જ વિમાનો હજી પણ છે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે તરત વિરોધ કર્યો તે પછી અમેરિકન વહીવટીતંત્રે ખુલાસો પણ કરવો પડ્યો કે છે કે પાકિસ્તાનની ભૂમિ પર રહેલા એફ-16 વિમાનની કોઈ ગણતરી કરવામાં આવી નથી. કોઈ સત્તાવાર ગણતરી થઈ નથી, તેથી અગાઉ જેટલા જ વિમાનો છે અને એક પણ વિમાન ઓછું થયું નથી એવી કોઈ વાત નથી. આ રીતે વધુ એક જૂઠાણું ખૂલું પડી ગયું. આ જૂઠાણું અમેરિકાથી આવ્યું હતું એટલે સમાચાર લાગ્યા હતા, પણ હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ અગાઉની માફકનું પાકિસ્તાનનું જૂઠાણું છે. પાકિસ્તાનનું જૂઠાણું વાયા અમેરિકા 1965 અને 1971ની રીતે આવી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ પોતાની પ્રજા સમક્ષ બહાદુર બની રહેવું જરૂરી છે. તેથી આવા જૂઠ ફેલાવવામાં તેને રસ હોય, પણ ભારતની પ્રજા આવા જૂઠાણા જાણતી હોય છે તેથી ‘વિમાન તૂટ્યું નથી’, એવી ચર્ચા આપણે ત્યાં ખાસ જામી નહોતી.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]