અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં યોગ યાત્રા

ભારત દેશની સ્વતંત્રતાના ૭૫મા વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ શિર્ષક અંતર્ગત દેશભરમાં થઇ રહેલી ઉજવણીમાં સામેલ થવાની નેમ સાથે અદાણી ફાઉન્ડેશને રાજ્યમાં યોગ યાત્રાનું આયોજન કર્યું છે.

આ યાત્રા ગુજરાતભરમાં આવેલા  પુરાતત્વીય સ્થળો, પૂરાતનના અજોડ વારસાની સીમાચિન્હરૂપ ઐતિહાસિક ધરોહરો અને પ્રવાસન મથકો મળી ૭૫ સ્થળોને સાંકળી લેશે. ગુજરાતના સમૃદ્ધ અને જીવંત સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવાના ધ્યેયથી પસંદ કરવામાં આવેલા ગુજરાતના આ ૭૫ સ્થળોમાંના પ્રત્યેક સ્થળો સાથે એક યાદગાર ઇતિહાસ જોડાયેલો છે અને આ પૈકીના અનેક આદરણીય ધર્મ સ્થળો છે.

ગુજરાતની પારંપારિક અદભૂત સંસ્કૃતિ, ઈતિહાસ, બેનમૂન સ્થાપત્યની અજાયબીઓ, પ્રાકૃતિક ઈકો-સિસ્ટમ અને વૈવિધ્યસભર ભૂગોળની પૃષ્ઠભૂમિમાં યોગના ફાયદાઓ દર્શાવતી માટે રાજ્યભરમાં યોગ પ્રદર્શનોનું ટૂંકી ફિલ્મોના રૂપમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ સામગ્રી દર્શકો માટે વિવિધ ઓનલાઈન અને બ્રોડકાસ્ટ પ્લેટફોર્મ પર  સરળતાથી નિહાળી શકાય તેવા ફોર્મેટમાં ઉપલબ્ધ છે.  વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા,ગુજરાતના અણમોલ સૌંદર્યના પ્રચાર પ્રસાર કરવા વિવિધ યોગ મુદ્રાઓ સાથે જાણીતા સંગીત નિર્દેશક સચીન-જીગરે સ્વરાંકન કરેલ અને મશહૂર ગાયક શંકર  મહાદેવને ગાયેલ ‘યોગ કરો” ગીતનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગીતમાં પ્રસ્તુત કરવામાં આવેલા આસનો ઘટકો કે મુદ્રાઓને ચોક્કસ સ્થળ જેવા કે ગિર જંગલના સિંહાસન,વૃક્ષાસન, મયુરાસન સાથે સાંકળી લેવામાં આવી છે.

“આ યોગ યાત્રાનો દરેક એપિસોડ દર્શકો અને યોગ ઉત્સાહીઓને રાજ્યના સૌથી નોંધપાત્ર સ્થળો અને યોગની પ્રેક્ટિસના અસંખ્ય પાસાઓની ધ્યાનાકર્ષક સફરે લઈ જઈને ગુજરાતની નયનરમ્ય સુંદરતા અને ભાતીગળ ભવ્યતાને ઉજાગર કરે છે’’. એમ જણાવી અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો.શ્રીમતી પ્રીતી અદાણીએ કહયું છે કે ” “આપણે શું હતા અને આપણે કેવા હોવું જોઈએ તે શોધવા માટે આપણા પ્રાચીન મૂળ અને સાંસ્કૃતિક વારસાને જાણી, તેની અનુભૂતિ કરીને તેની સાથે આપણી જાતને જોડવી અતિ મહત્વપૂર્ણ છે. યોગ એ વિશ્વને ભારતની ભેટ છે. તે માત્ર તંદુરસ્તીનો જ માર્ગ નથી, પરંતુ અટકાયતી સ્વાસ્થ્ય સંભાળ અને સર્વગ્રાહી સુખાકારી તરફની સફર છે.”

ભારત સરકારે આઝાદીના પોણોસો વર્ષની ઉજવણી અને સ્મૃતિ જાળવવા માટે કરેલી પ્રસંશનિય પહેલનો આ યોગ યાત્રા આઝાદી કા અમૃત મહોત્સવનો એક હિસ્સો છે, આ યોગ યાત્રામાં ગુજરાતના ૭૫ પર્યટન અને પુરાતન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે, તદનુસાર, કાંકરીઆ તળાવ, સરખેજ રોઝા, બાઇ હરીની વાવ, લોથલ, વિન્ટેજ કાર મ્યુઝિયમ, ગાંધી આશ્રમ, ઢાલની પોળ, સાબમતી રીવરફ્રન્ટ, કાલુપૂર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંગ ડેરા, વિજ્ઞાન નગરી, આંબરડી સફારી પાર્ક, સરદાર પટેલ મેમોરિયલ, શામળાજી, અંબાજી, નડાબેટ, કબિરવડ, નિલમબાગ પેલેસ, પાલીતાણા, વેળાવદર રાષ્ટ્રીય પાર્ક, સાળંગપૂર મંદિર, કુસુમ વિલાસ પેલેસ, શિવ મંદિર, સાપુતારા, દ્વારકાધિશ મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર મંદિર, દાંડી કૂટીર, અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિધાનસભા, દેવળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, સોમનાથ, રણમલ તળાવ, ખાપરા ખોડીયા, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દામોદર કુંડ, ગિરનાર, વિજય વિલાસ પેલેસ, પ્રાગ મહેલ, સફેદ રણ, ધોળાવીરા, લખપત ગુરુદ્વારા, માંડવી બીચ, મુંદ્રા પોર્ટ, રણછોડરાય મંદિર, ડાયનાસોર ફોસિલ મ્યુઝિયમ, માનગઢ હીલ, ધરોઇ ડેમ,મોઢેરા સૂર્ય મંદિર, તારંગાની ગુફાઓ, બહુચરાજી મંદિર, વડનગર કિર્તી તોરણ, રોયલ ઓએસિસ વાંકાનેર, સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દાંડી સ્મારક, જાંબુઘોડા અભ્યારણ્ય, ચાંપાનેર, જામી મસ્જીદ, રાણીની વાવ, માધવપુરા બીચ, કિર્તી મંદિર, ખંભાળીયા બુધ્ધિષ્ટની ગુફાઓ, રાજકૂમાર કોલેજ, પોલો ફોરેસ્ટ, ઇડર રોક બોલ્ડર્સ પોશિના પેલેસ, સૂરતનો કિલ્લો, કચ્છનું નાનું રણ, સોનગઢનો કિલ્લો, લક્ષ્મી વિલાસ પેલેસ, સયાજી બાગ, એમ એસ યુનિવર્સિટી, તિથલ બીચ અને ઉદવાડા અગિયારીને આ યાત્રા મારફત આવરી લેવામાં આવ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]