શા માટે હોસ્પિટલ પરથી ઘટી રહ્યો છે લોકોનો ભરોસો…

મય એવો આવી ગયો છે કે અત્યારે લોકોનો હૉસ્પિટલ પરથી ભરોસો ઘટી રહ્યો છે. ત્યારે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયાં કારણો છે કે જેના કારણે લોકો હોસ્પિટલ સુધી જતાં અચકાય છે, ખચકાય છે, મૂંઝાય છે…

‘ના, ના…મારે હૉસ્પિટલમાં તો નથી જ જવું.’

‘પણ સારવાર તો લેવી જ પડે ને?’

‘ગમે તે થાય, પરંતુ મારે હૉસ્પિટલ નથી જવું એટલે નથી જ જવું.’

‘પણ હૉસ્પિટલમાંફાઇવ સ્ટાર હૉટલ જેવી સુવિધા છે. એ.સી. છે, જમવાનું ત્યાંથી જ મળે છે. ડૉક્ટરો અને નર્સો પણ સારી છે.’

‘ગમે તે થાય, મને હૉસ્પિટલ પર ભરોસો નથી.

તમે આવા સંવાદો સાંભળ્યા હશે. કાં તમારા પોતાના ઘરમાં અથવા બીજા કોઈના ઘરમાં. લોકોને હૉસ્પિટલ પર ભરોસો નથી હોતો. આ વાત કેટલેક અંશે સત્ય છે.

કેટલા અંશે?

અર્ન્સ્ટ એન્ડ યંગ (ઇવાય)- ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના અહેવાલ મુજબ, દર્દીઓનો સર્વે કરાયો તો તેમાંથી વર્ષ ૨૦૧૯માં ૬૦ ટકાએ કહ્યું કે તેમને નથી લાગતું કે હૉસ્પિટલ તેમના હિતમાં કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૬માં ૩૭ ટકા દર્દીઓએ આવું કહ્યું હતું. આનો અર્થ એ થયો કે ત્રણ વર્ષમાં હૉસ્પિટલ પર ભરોસો ન કરનારની સંખ્યા વધી છે.

દર્દીઓનો ભરોસો ઘટવાનું કારણ શું છે? ઇવાયએ ભારતમાં ૧,૦૦૦ દર્દીઓ પર ઑનલાઇન સર્વે કર્યો હતો. સર્વેના તારણમાં એવું પણ જાણવા મળ્યું કે દર્દીઓને હૉસ્પિટલ પર ભરોસો ન હોવાનું કારણ એક એ છે કે હૉસ્પિટલ ખરાબ પ્રતિસાદ આપે છે અને ત્યાં રાહ બહુ જોવી પડે છે. ૬૩ ટકા દર્દીઓએ આવું કારણ આપ્યું હતું. ૫૯ ટકા દર્દીઓ મુજબ, કારણ એ હતું કે તેમને દર્દીઓના પ્રતિભાવની કોઈ પડી નથી હોતી. 

ભારતમાં સારવાર વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી સસ્તી છે. પરંતુ સારવાર મોટા ભાગના લોકો માટે અપ્રાપ્ય અને અપોષક (પોષાય નહીં તેવી મોંઘી) છે. આનો અર્થ એ થયો કે દેશભરમાં હજુ પણ તબીબી સારવારની કિંમત ઘટાડવાની જરૂર છે.

અહેવાલમાં નિષ્ણાતોએ ભલામણ કરી છે કે આપણા દેશમાં ૭૦ ટકા વસતી ગામડાંમાં રહે છે. અને ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય હજુ પણ પછાત અવસ્થામાં છે. અંતરિયાળ વિસ્તારોમાં નવીન પ્રાથમિક સારવાર માટે ખાનગી કંપનીઓને રોકવી, મેડિકલ સપ્લાય માટે મેક ઇન ઇન્ડિયા પ્રાપ્ય બનાવવું, ઘરઆંગણે વિનિર્મિત ઉત્પાદનો ઓછા ખર્ચે ઉપલબ્ધ બનાવવાં વગેરે પગલાં લેવાથી આ શક્ય બની શકે છે કે ગામડામાં લોકોને તબીબી સારવાર મળી શકે.

એક નિષ્ણાતના કહેવા પ્રમાણે, આ અહેવાલ ખૂબ જ સમયસર આવ્યો છે. તેના લીધે તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત લોકો પુનઃવિચાર કરશે અને પ્રક્રિયાઓનું પુનર્ગઠન કરશે.

આરોગ્ય સારવાર ખૂબ જ પરિવર્તન માગે છે. આજના સમયની જરૂરિયાત એ છે કે ધરમૂળથી નવેસરથી વિચારવાની જરૂર છે. સામાજિક અને આર્થિક જે મુશ્કેલીઓ છે તેના માટે નક્કર ઉકેલ શોધવાની જરૂર છે. સૌથી વધુ અગત્યનું તો દર્દીને કેટલી રાહત મળે છે, સારવાર તેનું દર્દ કે રોગ મટાડવામાં કેટલી અસરકારક નીવડે છે, તે છે.

ફિક્કીહૅલ્થ સર્વિસ કમિટીના અધ્યક્ષ ડૉ. અરવિંદ લાલે કહ્યું કે ભારતની સરકારે અનેક અગત્યનાં પગલાં લીધા છે જેના લીધે દર્દીઓને તબીબી ક્ષેત્રે ઘણી રાહત મળશે. તેમાં આયુષમાન ભારતનો સમાવેશ થાય છે. પરંતુ આપણે આપણા દેશને સંપૂર્ણ પણે તંદુરસ્ત કહી શકીએ તે માટે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે.

આ સમય છે કે આપણે આપણી આરોગ્ય સારવાર પ્રણાલિનુંપુનર્ગઠન કરીએ. પ્રણાલિગત અને માળખાગતપરિવર્તનો કરીએ. સાથે જ વાસ્તવિક સ્થિતિ પણ ધ્યાનમાં રાખીએ. આરોગ્ય સારવારના નવીન પરંતુ સાથે ટકાઉ મૉડલ તથા વેપાર પ્રક્રિયાઓઅપનાવીએ. આ બધાથી ઉપર, એક વાત એ છે કે દર્દી અને ડૉક્ટર વચ્ચે ભરોસાનો અભાવ છે, દર્દી અને હૉસ્પિટલ વચ્ચે વિશ્વાસની ઉણપ છે તે ઘટાડવી જોઈએ. તો જ દર્દીને ફાયદો થઈ શકે છે.

આ સર્વેમાં એ વાતનું ધ્યાન રખાયું છે કે નહીં તે ખબર નથી, પરંતુ દર્દી અને હૉસ્પિટલ તેમજ દર્દી અને ડૉક્ટર વચ્ચે વિશ્વાસની ઉણપ ઘટાડવા ડૉક્ટરે અને હૉસ્પિટલે જડવત્ વ્યવહાર બંધ કરવો જોઈએ. ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ના ડૉ. અસ્થાનાની જેમ દર્દીને સબ્જેક્ટ માનીને સંવેદનહીન વ્યવહાર કરવાના બદલે તેની સાથે પ્રેમપૂર્વક, આત્મીયતાથી વ્યવહાર કરવો જોઈએ. લાગણીસભર વ્યવહાર પણ દર્દ મટાડવામાં ઘણી વાર કારગત નિવડતો હોય છે.