ટાઇફૉઇડ હોય તો અજમાવો આ ઘરેલુ ઉપચાર

ટાઇફૉઇડની બીમારી બહુ જ તકલીફદાયક હોય છે. ટાઇફૉઇડનો તાવ પાચનતંત્ર અને રક્તપ્રવાહમાં બેક્ટેરિયાના ચેપના કારણે થાય છે. તે સેલમોનેલા ટાઇફી નામના બૅક્ટેરિયાના કારણે થાય છે. આ બેક્ટેરિયા પાણી, કોઈ પીણું કે ભજન સાથે આપણા શરીરમાં પ્રવેશે છે અને પાચનતંત્રમાં જઈને આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા શરીરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યા જેમ કે યકૃત (લિવર), બરોળ, પિત્તાશય વગેરે જગ્યાઓ પર ફરતાં રહે છે. તેમાં સતત તાવ રહેવો, ઠંડી લાગવી, પરસેવો થવો ભૂખ ઓછી લાગવી, ઉલટી થવી, ગળામાં ઘરઘરાટી થવી, માથું દુખવું, શરદી અને ઉધરસ થવી જેવાં લક્ષણો જોવા મળે છે.

આવો જાણીએ ટાઇફૉઇડના ઘરેલુ ઉપચાર…

ટાઇફૉઇડ થવાની શક્યતા ચોમાસામાં વધુ હોય છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે. થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો. તુલસીની ચા શરદી અને ઉધરસની સારવારમાં અસરદાર છે.

ટાઇફૉઇડ તાવમાં લસણ ખૂબ ફાયદાકારક છે. લસણ પ્રાકૃતિક એન્ટી બાયૉટિક છે. પાંચથી સાત કળી લસણ વાટીને તલના તેલ કે ઘીમાં તળો અને તેમાં સિંધવ મેળવીને ખાવ. ગમે તેવો તાવ હોય, આ ઉપાય કરવાથી આરામ મળે છે.આદુનો નાનો ટુકડો અને ફૂદીનાનાં કેટલાંક પાંદડા વાટીને એક કપ પાણીમાં મેળવીને દ્રાવણ બનાવી લો અને દિવસમાં બે વાર આ દ્રાવણને પીવાથી તાવ ઓછો થવા લાગશે. આદુની ચટણી એક કપ સફરજનના જ્યૂસમાં મેળવીને તેને પીવાથી પણ તાવમાં આરામ મળે છે.

ડુંગળીનો રસ થોડા થોડા સમયે પીવાથી પણ તાવ ઉતરવા લાગે છે. આ નુસખાથી કબજિયાતથી પણ છૂટકારો મળે છે.

એક પાકેલું કેળું પીસને તેમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર ખાવ. પાચન ક્રિયા સારી કરવા માટે મધ એક ગ્લાસ ગરમ પાણીમાં મેળવીને પીવો (જોકે તેમાં ઝાડા થવાની શક્યતા પણ હોય છે અને એટલે કોઈ પણ નુસખો આરોગ્ય નિષ્ણાતોની સલાહ પછી જ અજમાવા.)

તુલસીનાં પાંદડા ૧૫થી ૨૦ જેટલાં લઈ, તેમાં લીમડાનો રસ પાંચ ગ્રામ, નાની પીપરના દસ ટુકડા, દસ ગ્રામ સૂંઠ લઈ બધાને સારી રીતે મેળવી વાટીને એક ગ્લાસ પાણીમાં તે મિશ્રણને નાખીને ઉકાળો. તે ઉકાળાને ઠંડો પાડીને પીવો. આ દવા પીધા પછી અડધા કલાક સુધી અને અડધા કલાક પહેલાં કંઈ ન પીવો. આ આયુર્વેદિક ઉપાયને દિવસમાં બેથી ત્રણ વાર કરવાથી ડેન્ગ્યૂ, ટાઇફૉઇડ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોમાં આરામ મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]