લોકડાઉનમાં માનસિક સંતુલન જાળવી રાખવા આ કરો

લોકડાઉન એટલે ફક્ત ઘેર બેઠાં આરામ જ નથી. કાંઇ પણ કર્યા વિનાનો આ આરામ છેવટે હતાશા, નિરાશા અને ડિપ્રેશનમાં પરિણમી શકે છે. તણાવના આ માહોલમાં માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઇએ? જાણીતા મનોવૈજ્ઞાનિક સુજાતા કુમાર ચિત્રલેખા.કોમ ના વાચકો માટે અહીં એની સરળ રીતો બતાવે છે… 

—————————————————————-

આજે આપણે એક એવા વિશ્વમાં જીવી રહ્યા છે, જેમાં ના જાણ્યું જાનકીનાથે આવતી કાલે શું થવાનું છે એવી સ્થિતિ પ્રવર્તે છે. સવારે જ્યારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપણું કોઈ નિશ્ચિત રૂટિન હોતું નથી, કેમ કે કોરોનાને લીધે લોકડાઉનનો સમયગાળો ચાલી રહ્યો છે, જેથી મિત્રો, સહકર્મચારી કે પછી કોઈ બિઝનેસ મીટિંગ નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગને પગલે આપણા અન્ય લોકો સાથે સંપર્કો ય ખૂબ મર્યાદિત થઈ ગયા છે.

બીજું આપણી આસપાસની દરેક બાબત ઝડપથી બદલાઈ રહી છે, કેમ કે જીવનની અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. મોટા ભાગે દરેક વ્યક્તિ ભવિષ્યનું આયોજન કરે છે, પરંતુ હાલના સમયે આ બધું શક્ય નથી, કેમ કે જાન હૈ તો જહાં હૈ.

હાલ નવરાશના સમયમાં ઘરમાં કેદ કોઈપણ વ્યક્તિને ચિંતા થાય એ સ્વાભાવિક છે, કેમ કે હાલ લોકો પાસે સમય જ સમય છે. ફુરસદના આ સમયમાં તેની પાસે કોરોના વાઇરસની ઢગલાબંધ સાચી-ખોટી માહિતી અને વિડિયો આવી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ મિડિયા જેવા કે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર તેને કોરોનાથી કેવી રીતે બચવું એની પ્રતિ દિન 100થી વધુ વિવિધ દવાઓ તેમજ નુસખા મળી રહ્યા છે.

આ બધા અતિરેકથી તે અસ્વસ્થ થાય છે. વ્યક્તિ માનસિક રીતે હતાશ, નિરાશ કે પછી ક્યારેક ડિપ્રેશનમાં પણ સરી પડે છે, જેની અવળી અસર તેના શરીર પર થવા માંડે છે. તેની માંસપેશીઓમાં તાણ થવા માંડે છે અથવા પીડા થવા માંડે છે. તે આરામ કરવા માગે છે, પણ મન બેચેન હોવાને લીધે આરામ કરી શકતી નથી. આ ઉપરાંત, કોઈ પણ વિષય કે જે કાંઈ કામ કરે એમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં તેને મુશ્કેલી થાય છે. તે અકારણ માનસિક થાકી જાય છે, જેની અસર તેના તન પર પડે છે. તેને ઊંઘવા માટે મુશ્કેલી થાય છે અથવા વારંવાર તે જાગી જાય છે અથવા તેની ઊંઘમાં વિક્ષેપ પડે છે.

પહેલું પગલું એકદમ સરળ છે કે આ અસ્વસ્થતા કે વ્યથાને પહેલાં ઓળખી લો કે એ ખરેખર સમસ્યા છે કે પછી એ કાલ્પનિક છે.

જો કે વાસ્તવિક સમસ્યા કંઈક આવી હશેઃ જેમ કે, મારે જરૂરી ચીજવસ્તુ ખરીદવા બહાર નીકળવું પડશે, પણ મારે કોઈ વસ્તુને અડવું તો નહીં પડેને? અથવા મારે મારા ચહેરાને સ્પર્શ ના કરવો જોઈએ… આ એક કુદરતી ચિંતા છે, જે તમને સલામત રહેવામાં મદદ કરશે અને એનાથી તમે સજાગ અને સતર્ક રહેશો. આ ઉપરાંત, તમે પૂરતી સાવચેતી રાખશો જેથી તમે સુરક્ષિત રહી શકશો.

જોકે કાલ્પનિક ભય તમને ખરાબ પરિસ્થિતિની કલ્પના કરાવશે કે જો હું આવશ્યક ચીજવસ્તુઓ લેવા જઈશ અને દુકાનોમાં એ ખતમ થઈ ગઈ હશે તો? અથવા દુકાનો જ ખુલ્લી નહીં હોય તો? આવા સમયે તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જશો, હતાશ થશો.

મેનેજમેન્ટ

તમે તમારી જાત ચકાસો. તમે તમારા મનને પૂછો કે શું તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો?  જો જવાબ હા હોય તો તમારે શું કરવાનું છે એ તમને ખબર છે, પણ જો એનો જવાબ ના હોય તો એ સમસ્યા કે કામને હાલપૂરતું ટાળી દો. એને ભૂલી જવું જ યોગ્ય છે, ઉત્તમ છે, પણ એકના એક વિચારો તમારો કેડો ના મૂકતું હોય અથવા તમને ફરીફરીને એ નકારાત્મક વિચાર પજવતા હોય ત્યારે એના માટે એક જૂની પણ સરસ થેરપી છે, જેનું નામ ટ્રેડિશનલ કોગ્નિશિયેટિવ બિહેવિયર થેરપી છે. આ થેરપી વ્યક્તિની નકારાત્મકતા, માનસિક અસ્વસ્થતા, હતાશાને ઓછી કરે છે, જેમાં વ્યક્તિએ પોતાની સમસ્યા લખી રાખવાની છે અને એ લખ્યા પછી બીજી રીતે ઉકેલ શોધવાનો હોય છે. આ એક અલગ ટેક્નિક છે.

અહીં કેટલીક ઉપયોગી આ બાબતો છે, જે માનસિક અસ્વસ્થતા ઓછી કરવામાં મદદ મળશે…

  •  મિત્રો, સગાંવહાલાંને કોલ કરો અને ખાસ કરીને વિડિયો કરો, જેથી આ સામાજિક એકલતાની લાગણીને ઘટાડી શકાય.
  •  સંભાળ અને શેર (વહેંચણી) દાખલા તરીકે તમારા વૃદ્ધ પડોશી, હાલના સમયે બહાર ના નીકળી શકતા હોય તો તેમને જરૂરી ચીજવસ્તુઓ લેવામાં મદદ કરો. આવાં પરોપકારી કાર્યો કરવાથી તમને આત્મસંતોષ થશે.
  • ઘણાબધા ઓનલાઇન કોર્સ (અભ્યાસક્રમો) ઉપલબ્ધ છે ત્યારે તમારી સ્કિલને અપગ્રેડ કરવાથી અથવા નવી સ્કિલને વિકસિત કરવાની જરૂર છે. કંઈક એવું જે તમે ઘણા સમયથી કરવા માગતા હતા, પણ કરી નહોતા શકતા.
  • તમને ગમતું મ્યુઝિક કે ગીતો સાંભળો, આવા ફુરસદના સમયમાં કંઈક મનગમતું કાર્ય કરો.
  • આપણામાંના ઘણાને ડાન્સ કરવો ગમતો હશે, પણ સમયના અભાવે કરી નહીં શકતા હોય. જેથી આવા નવરાશના સમયમાં વિવિધ ટ્યુન પર થોડોડ સમય ડાન્સ કરો, ધ્યાન કરપો, પ્રાર્થના કરો, યોગાભ્યાસ કરો.
  • આ સતત વ્યસ્ત સમયમાં જે તમે કરવા માગતા હતા અને હજી સુધી નથી થઈ શક્યું એવા તમારા શોખને પુનર્જીવિત કરો.
  • લોકડાઉનનો સમય પૂરો થયા પછી તમારે કયાં-કયાં કામોને પ્રાથમિકતા આપવાની છે એની યાદી બનાવો.
  •  તમારા પોતાના માટે સમય કાઢો, જેમ કે તમારા નખ કાપો, ફેસપેક લગાવો… વગેરે…વગેરે
  • ઘરની સફાઈ કરો, તમારા કાગળિયાંનું ફાઇલિંગ કરો. તમારી બેન્ક અકાઉન્ટ, પાસબુક વગેરે અપડેટ કરો. ઘરમાં તમારી તિજોરી બરાબર ગોઠવો…વગેરે
  • તમારી દૈનિક પ્રવૃત્તિઓની એક ડાયરી બનાવો અને એમાં દરેક નાની-મોટી કૌટુંબિક પ્રવૃત્તિ પણ નોંધો. તમે જેના માટે આદર કરો છો અથવા તમે જેના આભારી છો એની તેમાં નોંધ લો.
  • તમે નાનપણમાં જે રમત રમતા હતા, જેમ કે ચેસ, કેરમ, અમદાવાદ, વેપાર કે પત્તા વગેરે રમીને બાળપણની યાદોને ફરી તાજી કરો.
  • તમારા દૈનિક જીવનનું રૂટિન ગોઠવો, જેમ કે નિયમિત ઊઠવાનું, સૂવાનું, જમવાનું. આ ઉપરાંત દૈનિક પ્રવૃત્તિ માટે ચોક્કસ સમય નક્કી કરો. જે તમને સામાન્ય વર્તન કરવામાં મદદ કરશે.
  • માનસિક અસ્વસ્થતા ઘટાડવા માટે તમારા સોશિયલ મિડિયાનો સમય નિશ્ચિત કરો. મોબાઇલ સિવાય પુસ્તક વાંચો, ટેલિવિઝન પર ફિલ્મ જુઓ.
  • પોષણક્ષમ ખોરાક લો, નિયમિત કસરત કરો, શારીરિક સ્વચ્છતા જાળવો. સકારાત્મક રહો. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે એવો આહાર લો.
  • આ એક મુશ્કેલ દોર છે, જે તમને હાલ યાદ અપાવાની જરૂર નથી. આ સમય પણ જતો રહેશે.

 

 

 

(સુજાતા કુમાર)

હું એમ કહીને પૂરું કરવા માગું છું કે તમારા મનને ખુલ્લું રાખો તમારા જીવનમાં જે નવા પરિવર્તન થાય છે તેને સહજતાથી સ્વીકારતા શીખો અને ગમે તે પરિસ્થિતિમાં માનસિક સંતુલન ના ગુમાવો. જીવનમાં પડાકારો તો આવ તા રહેશે.

બસ, તેનાથી લડતા શીખો, મુશ્કેલીમાંથી માર્ગ કાઢો.

 

(લેખિકા ચેન્નઇસ્થિત જાણીતા મનોવૈજ્ઞાનિક છે.)