પાચન સુધારવું હોય તો સૂતાં પહેલાં આ કામ કરો!

પાચનની તકલીફ આજકાલ માત્ર ઘરડાં લોકોને જ નથી હોતી. બાળકોથી માંડીને યુવાનોને પણ આ તકલીફ જોવા મળે છે. કેટલાક માને છે કે હવે શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે એટલે આવું થવા લાગ્યું છે. તો કેટલાક માને છે કે પહેલાં જેવા ખોરાક નથી રહ્યાં અને પચવામાં ભારે ખોરાક વધુ લેવાય છે તેથી પાચન થતું નથી. તો કેટલાક માને છે કે તણાવના કારણે પાચન ઘટી ગયું છે. જેટલા લોકો તેટલી થીયરી. પરંતુ આપણે થીયરીમાં પડવું નથી. આપણે તો એ જાણવું છે કે પાચન સુધારવું હોય તો શું કરવું?

કેટલાક લોકો કહે છે કે સવારમાં પાણી પીવાથી તમારું પાચન સુધરે છે. તો કેટલાક કહે છે કે તીખું મરીમસાલાવાળું ખાવાથી પાચન સારું થાય છે. પરંતુ કેટલાકના મતે આ કીમિયા ખાસ અસરકારક નથી.

સવારમાં ઊઠીને પહેલાં પાણી પીવું તે પણ કેટલાકને અસર કરતું નથી. જોકે બ્રિટિશ જર્નલ ઑફ ન્યૂટ્રિશનમાં તાજેતરમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાચન જો સુધારવું હોય તો સૂતા પહેલાં કૉટેજ ચીઝ ખાવું. અહીં એ સમજી લેવું જોઈએ કે પશ્ચિમના  લોકો કૉટેજ ચીઝ જેને કહે છે તે વાસ્તવમાં પનીર છે.

હવે આ પનીરની તાત્કાલિક અસર પાચનના દર પર અને સ્નાયુની સાચી સ્થિતિ મેળવવા માટે થાય છે કે કેમ તે નક્કી કરવા ફ્લૉરિડા સ્ટેટ યુનિવર્સિટીના ફૂડ એન્ડ એક્સર્સાઇઝ સાયન્સીસ વિભાગમાં ન્યૂટ્રિશનના ઍસોસિએટ પ્રૉફેસર મિશેલ ઑર્મ્સબી અને વાયુ સેનામાં સંશોધક પોષણઆહાર વિશેષજ્ઞ સામન્થા લેય્હે વીસથી ત્રીસ વર્ષની આયુની મહિલા સહભાગીઓને અભ્યાસમાં લીધી.

તેમણે તેઓ સૂવા જાય તેના અડધાથી એક કલાક પહેલાં પનીર આપ્યું. સૂવા જતા પહેલાં સહભાગીઓનો આરામ ઊર્જા ખર્ચ (રેસ્ટિગં એનર્જી ઍક્સ્પેન્ડિચર – આરઇઇ) માપવામાં આવ્યું. જાગતી વખતે પણ આ એકમ ફરીથી માપવામાં આવ્યું. તેનાં પરિણામો પરથી તેમણે તારણ કાઢ્યું કે સૂવા જવાના ૩૦ મિનિટ પહેલાં ૩૦ ગ્રામ પ્રૉટિન લેવાથી સ્નાયુની ગુણવત્તા, પાચનતંત્ર અને સમગ્ર આરોગ્ય પર હકારાત્મક અસર પડે છે. તેમણે એવું પણ તારણ કાઢ્યું કે પનીર જેવું ખોરાક પ્રૉટીન સપ્લીમેન્ટની જેમ જ સારી રીતે કામ કરે છે.

અન્ય નિષ્ણાતો પણ સહમત થયા કે તમારે જો કુદરતી રીતે તમારી પાચનપ્રણાલિ સુધારવી હોય તો તેનો એક શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે વધુ પ્રૉટીન અને તંદુરસ્ત ચરબીવાળો ખોરાક ખાવ અને વધુ તાકાતવાળું પ્રશિક્ષણ લો.

જોકે પાચન સુધારવાના અન્ય રસ્તા પર પણ આપણે ઉડતો દૃષ્ટિપાત કરી લઈએ. એક અભ્યાસમાં જજણાયું છે કે સાઇકલ ચલાવનારાઓએ ૪૫ મિનિટ સાઇકલ ચલાવી તે પછી તેમની પાચનપ્રક્રિયા ૧૪ કલાક સુધી સારી રહી. આ ૪૫ મિનિટ રોજ નહીં, સપ્તાહે. અભ્યાસના લેખક ડેવિડ નિએમન જે એપાલાચિયન સ્ટેટ યુનિવર્સિટીમાં પબ્લિક હૅલ્થના ડૉક્ટર અને ઍક્સર્સાઇઝ સાયન્સના પ્રાધ્યાપક છે તેમના કહેવા પ્રમાણે, દર સપ્તાહે ૪૫ મિનિટ બેથી ત્રણ વખત સખત સાઇકલિંગ કરો તો દર બે સપ્તાહે તમારી ચરબી ૪૫૩ ગ્રામ ઓગળે છે.

બીજો એક રસ્તો પાચનતંત્ર સુધારવાનો એ છે કે સવારે નાસ્તો કરવો જ. આખી રાત કંઈ ખાધું ન હોવાથી સવારે તમે જો નાસ્તો ન કરો તો તેનાથી તમારા શરીરની ચરબી ઓગાળવાની પ્રક્રિયા ધીમી પડે છે કારણકે તે ઊર્જા બચાવવા માટે પ્રયાસ કરે છે. આથી સવારે ઊઠો તેના એક કલાકમાં આરોગ્યપ્રદ નાસ્તો કરવાની ટેવ જરૂર પાડવી જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સવારે ઊઠીને આવો નાસ્તો બનાવવાનો સમય ક્યાં હોય? તો તમે રાત્રે તે નાસ્તો તૈયાર કરી લો.

એક રસ્તો પાચનતંત્ર સુધારવાનો એ પણ છે કે તમે નિયમિત કસરત કરો. કસરત કરવાથી માત્ર કેલેરી જ નથી બળતી પરંતુ તેનાથી ડીએનએમાં ફેરફાર થાય છે જેનાથી તાત્કાલિક જ તમારું પાચનતંત્ર સુધરે છે. નિષ્ણાતો તો કહે છે કે તેના લાભ એક કલાકમાં જ જોવા મળે છે.

એક રસ્તો એ પણ છે કે તમે રાત્રે જમવાનું બંધ કરી દો તો તમને લાગે કે પાચનતંત્ર સુધરી જશે. ચરબી પણ ઘટશે. પરંતુ તેનાથી ઉલટું થાય છે. તમે રાત્રે ન જમો તો તેનાથી તમારું શરીર વિચારે છે કે તે ભૂખે મરે છે. આથી તે કેલેરી બાળવાના બદલે વધુ કેલેરી જમા કરે છે. આથી દિવસમાં છ વાર ઓછું ઓછું જમવાથી તમારી ભૂખ પણ મટશે, રક્તશર્કરા (બ્લડ સ્યુગર)નું સ્તર પણ સ્થિર રહેશે અને તમારું પાચનતંત્ર પણ બરાબર કામ કરશે.