સોપારી ચાવવાના ફાયદા અને નુકસાન

સોપારી. નામ તો સાંભળ્યું જ હશે. ભાઈ, કિસને સુપારી દે રખ્ખી હૈ….એક ખોખા દેના પડેગા સુપારી કે લિયે…

આવા ફિલ્મી સંવાદો યાદ આવી ગયા હોય તો તેમને ભૂલી જાવ. આપણે વાત સોપારી નામના ફળની કરી રહ્યાં છીએ. ગુંડાઓની સાંકેતિક ભાષાની નહીં.supariસોપારી એ ગુજરાતીઓના ઘરેઘરમાં જોવા મળતું ફળ છે. પૂજામાં રિદ્ધિસિદ્ધિ તરીકે ગણપતિજીની બાજુમાં મૂકાય છે. તેને ચાંદલો કરી ચોખા ચોડી પૂજા પણ કરાય છે. તો ઘણા લોકો સોપારીને ખાસ અંજારથી લાવેલી મઢાવેલી સૂડીથી જે રીતે કતરતા તે જોવું એ લહાવો છે. પાનવાળા લોકો સોપારીના ટુકડા અને ભૂકો અથવા કતરણ રાખે. જમીને સોપારી કાપીને ખાવાનો રિવાજ હતો. ઘણાં ઘરોમાં આજે પણ છે. પાનમાં નાખીને સોપારી ખવાય છે. તો ઘણા માવા, ફાકી કે મસાલાના નામે પ્લાસ્ટિકના કાગળમાં અપાતા એક મિશ્રણમાં સોપારી ખાય. એ પણ કાચી ટુકડા. જી. સોપારી બે પ્રકારની આવે. કાચી અને શેકેલી અથવા પાકી.

હવે આપણે સોપારીના આરોગ્યલક્ષી ફાયદા જોઈએ કારણ કે આપણી દિનચર્યામાં જે કંઈ વાતો વણાયેલી છે તે આરોગ્યલક્ષી છે. સોપારીમાં ત્રણ પ્રકારના ઘટક હોય છે.

સોપારી માત્ર ભારત નહીં, દુનિયાના ઘણા હિસ્સાઓમાં લોકપ્રિય છે. તેના મનોવૈજ્ઞાનિક અને ઉત્તેજક પ્રભાવોના લીધે તેનો ઉપયોગ એશિયા અને આફ્રિકામાં વધુ છે. સોપારીના કેટલાક ઘટકોમાં ઔષધીય ગુણો હોય છે. તેનો ઉપયોગ ઉચ્ચ કે નિમ્ન રક્તચાપ (બ્લડપ્રેશર), અનિયમિત હૃદયગતિ, અને અસ્થમાને વધારી શકે છે. કેન્સરનો ખતરો પણ વધી શકે છે.

InteliHealth મુજબ, સોપારીનો અર્ક સ્ટ્રૉકની સમસ્યામાં ફાયદારૂપ હોઈ શકે છે. તે અવાજ સુધારવા, મૂત્રાશય નિયંત્રિત કરવા, અને માંસપેશીઓની તાકાત વધારવા માટે થઈ શકે છે.

એનઆઈએચ મુજબ, પ્રારંભિક શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકોને સ્કિઝોફ્રેનિયા છે તેમને સોપારીથી રાહત મળે છે.

સોપારીમાં જીવાણુવિરોધી ગુણ હોય છે. તેનો ઉપયોગ કેવિટી રોકવા ટૂથપેસ્ટમાં એક ઘટક તરીકે કરાતો હતો.

આ ઉપરાંત જે લોકો સોપારી ચાવે છે તેમના મોઢામાં લાળ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તેથી મધુમેહ (ડાયાબિટીસ) અને સજોગ્રેન (sjogren’s syndrome) જેવા રોગના કારણે મોઢું સૂકાવાની સમસ્યાથી છૂટકારો આપવામાં મદદ કરે છે.

સોપારીમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રૉટીન અને ખનીજ તત્ત્વો હોય છે. સાથે, ટેનિન, લિગ્નિન અને ગેલિક એસિડ તેમાં રહેલા હોય છે. સોપારી ચામડીના રોગોમાં પણ લાભદાયક છે. ખંજવાળ, ચકામા, ધાધર, ખસમાં સોપારીને પાણીમાં ઘસીને લેપ લગાડવાથી ફાયદો થાય છે. સોપારીનો ઉકાળો બનાવીને ઘા પર લગાડવાથી પણ રાહત મળે છે. તેનું બારીક ચૂર્ણ લગાવવાથી લોહી વહેતું અટકી જાય છે. સોપારી ચાવવાથી તણાવમાં પણ રાહત મળે છે. સોપારીમાં એન્ટી ઑક્સિડન્ટ હોય છે. તેનાથી શરીર રોગોથી બચે છે. બહુમૂત્રતામાં સોપારીનું ચૂર્ણ એકથી બે ગ્રામ ગાયના ઘી સાથે નિયમિત સેવનથી લાભ થાય છે. સોપારીના પાકથી પુરુષને નસોમાં નબળાઈ દૂર થવામાં અને શીઘ્રપતન રોકવામાં લાભ મળે છે.

જોકે તેના સતત સેવનથી વાત વધે છે. સોપારી કાચી ન ખાવી જોઈએ. તેના વધુ પડતા ઉપયોગથી લોહીનું દબાણ વધુ ઘટી જાય છે અને ચક્કર આવવા લાગે છે.