પલાળેલા અને અંકુરિત ચણા ખાવ અને તાકાત વધારો

પણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે તેમણે તેમના સંઘર્ષના દિવસોમાં સીંગ ચણા ખાઈને દિવસો પસાર કર્યા છે. આપણને એમ થાય કે સીંગ ચણા ખાઈને કેવી રીતે શક્તિ ટકાવી શકાય, પરંતુ જો તમે ચણાના ફાયદા જાણશો તો તમને પણ થશે કે રોજ ચણા ખાવા જોઈએ.પરંતુ અગત્યનું એ છે કે કોઈ પણ ચીજના ફાયદા જાણીને તેના પર તૂટી ન પડવું, ડૉક્ટરની સલાહ લેવી અને ખાસ તો, તે કઈ રીતે ખાવા તે જાણીને તેનો ઉપયોગ કરવો.

આયુર્વેદ મુજબ, ચણા ખાવાથી તમારું શરીર માત્ર સ્વસ્થ જ નથી રહેતું પરંતુ બળવાન અને શક્તિશાળી પણ બનશે. ચણા યુવાનો અને શ્રમ કરનારા માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે કારણકે તેને પચાવવા માટે સારી પાચનશક્તિ હોવી જરૂરી છે. બીજું આ બે પ્રકારની વ્યક્તિઓને બળની વધુ જરૂર પડે છે. નિમ્નલિખિત બે રીતે ચણા ખાશો તો વધુ ફાયદા થશે.

25 ગ્રામ દેશી (કાળા) ચણા લઈને તેને સારી રીતે સાફ કરી નાખો. મોટા પુષ્ટ ચણાને પસંદ કરીને, સાફ કરીને, કીડાવાળા કે ટૂટેલા ચણા કાઢી લો. સંધ્યાના સમયે 125 ગ્રામ પાણીમાં તેને પલાળવા મૂકો. સવારે શૌચાદિથી નિવૃત્ત થઈને અને વ્યાયામ પછી ચણાને સારી રીતે ચાવીને ખાવ અને ઉપરથી ચણાના પાણીને એ જ રીતે અથવા તેમાં એક-બે ચમચી મધ ભેળવીને પી જાવ. આમ તો આ બહુ સરળ વાત લાગશે પરંતુ શરીરને બળ અને શક્તિ પ્રદાન કરવામાં તે બહુ જ પ્રભાવશાળી છે.ચણાનું માપ ધીરેધીરે 25 ગ્રામથી 50 ગ્રામ સુધી વધારી શકાય છે. પલાળેલા ચણા ખાધા પછી જો દૂધ પીવામાં આવે તો વીર્યમાં પુષ્ટિ થાય છે. વ્યાયામ પછી રાતના પલાળેલા ચણા, ચણાનું પાણી નિયમિત રીતે સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહેશે. જોકે એક સાવધાની રાખવી જરૂરી છે કે જેની પાચનશક્તિ ખૂબ જ નબળી હોય કે ચણા ખાવાથી પેટમાં આફરો ચડતો હોય તેમણે ચણાનું સેવન ન કરવું જોઈએ.

આ ઉપરાંત અંકુરિત ચણા ખાવા સૌથી વધુ ફાયદાકારક છે. અંકુરિત ચણા ધાતુ પુષ્ટ કરનારા, માંસપેશીઓને સુદૃઢ બનાવનારા અને શરીરને વજ્ર સમાન બનાવનારા તથા લગભગ બધા જ ચર્મ રોગનો નાશ કરનારા છે. વિટામીન સીની પ્રચુરતાના કારણે આ નાસ્તો વજન વધારે છે. તેનાથી લોહી પણ વધે છે. તે ઉપરાંત અંકુરિત ચણાનું સેવન ફેફસાંને મજબૂત કરે છે, લોહીમાં કૉલેસ્ટેરૉલ ઓછું કરે છે અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં સહાયક નિવડે છે.

ચણાના આટલા બધા ફાયદા જોઈને તમને થશે કે લાવો, અત્યારે જ ફણગાવેલા ચણા ખાઈ લઈએ. પરંતુ ના. ઉતાવળે આંબા ન પાકે તેમ ફણગાવેલા ચણા પણ તાત્કાલિક ન ખાઈ શકાય.  હવે પ્રશ્ન એ છે કે ચણાને ફણગાવવા કઈ રીતે?

અંકુરિત ચણા કરવા માટે ચણાને સારી રીતે સાફ કરીને તેને એટલા પાણીમાં પલાળો કે જેથી તેટલું પાણી ચણામાં શોષાઈ જાય. પ્રાતઃકાળ પાણીમાં પલાળી દ્યો અને રાત્રે પાણીમાંથી કાઢીને કોઈ પણ સાફ જાડા કપડાં અથવા તેની થેલીમાં બાંધીને તેને લટકાવી દ્યો. ગરમીમાં 12 કલાક અને ઠંડા હવામાનમાં 18થી 24 કલાક સુધી પલાળ્યા પછી ભીના કપડામાં બાંધવાથી બીજા-ત્રીજા દિવસે તેમાં અંકુર ફૂટી નીકળે છે. ગરમીમાં થેલી પર આવશ્યકતા અનુસાર પાણી છાંટતા રહેવું જોઈએ. આ રીતે ચણા ફણગાઈ જશે. ફણગાવેલા ચણાનો નાશ્તો એક ઉત્તમ ટૉનિક છે. અંકુરિત ચણામાં કેટલાક લોકો સ્વાદ માટે મરીનો ભૂકો, સિંધવ, મીઠું, ખમણેલું આદુ, લીંબુનાં રસનાં કેટલાંક ટીપાં પણ નાખે છે, પરંતુ જો તમે કંઈ પણ નાખ્યા વગર માત્ર ફણગાવેલા ચણા ખાઈ શકતા હો તો તે વધુ ઉત્તમ રહેશે.