ડાયાબિટીસના દર્દી ફળ ખાઈ શકે?

ડાયાબિટીસના દર્દી એક વાતે હંમેશા મૂંઝવણમાં હોય છે કે, તેમનાથી ફળ ખાઈ શકાય? કારણ કે, ફળમાં કુદરતી શર્કરા હોય જ છે. તેથી ફળ ખાવા માટે તેઓ અચકાતા હોય છે.

ડાયાબિટીસ ધરાવનારે પોતાના શરીરમાં લોહીમાં સાકરનું લેવલ જળવાય તેથી ડાયેટમાં ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે. ફળો ન્યુટ્રીશનથી ભરપૂર હોવા છતાં તેમાં રહેલી સાકરને લીધે ખાવા કે નહીં અને ખાવા હોય તો ખાવામાં એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? આ બાબતે પ્રિયંકા અગ્રવાલ અહીં જાણકારી આપી રહ્યાં છે. પ્રિયંકા અગ્રવાલ ‘મેક્સ હોસ્પિટલ’માં ન્યુટ્રીશનિસ્ટ છે.

‘અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન’ (ADA) અનુસાર, ડાયાબિટીસનો દર્દી કોઈ પણ ફળ ખાઈ શકે છે. સિવાય કે, એ વ્યક્તિને કોઈ ખાસ પ્રકારની ફળની એલર્જી ના હોય. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં લેવાની કે, તમારા બ્લડ સુગર લેવલને ચકાસી લેવું અને એ પ્રમાણે ફળ લેવાનું પ્રમાણ નક્કી કરવું.

ન્યુટ્રીશનિસ્ટ પ્રિયંકા આ વાત સમજાવતાં જણાવે છે, ‘ફળ ખાતાં પહેલાં ડાયાબિટીસના દર્દીએ ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ (GI) તપાસી લેવો. કોઈ પણ ખાદ્ય પદાર્થ કેટલી ઝડપે બ્લડ સુગર લેવલ વધારી દે, એનો આંકડો ગ્લાઇસેમિક ઇન્ડેક્ષ (GI) બતાવી આપે છે. ઉંચા (GI)વાળા ફળ મધ્યમ અને નીચા (GI)વાળા ખોરાક કરતાં વધુ ઝડપથી પચી જાય છે. ગ્લાઇસેમિક લોડ (GL) એ ગ્રહણ કરેલા ખોરાકનો (GI) તેમજ કાર્બોહાઈડ્રેટ કેટલા પ્રમાણમાં છે, એનો આંકડો બતાવી આપે છે. આમ, કયા ખોરાકને લીધે લોહીમાં સુગર લેવલ વધે છે એનું સચોટ પરિણામ ગ્લાઇસેમિક લોડ (GL) બતાવી આપે છે.’

‘દરેક વ્યક્તિએ પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. પરંતુ ડાયાબિટીસ ધરાવનાર લોકોએ પોતાના ખોરાક બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, પૌષ્ટિક તેમજ સંતુલિત આહાર લોહીમાંના ગ્લુકોઝ એટલે કે, સાકરનું સંતુલન જાળવી રાખે છે.’ આટલું જણાવીને પ્રિયંકા ડાયાબિટીસના દર્દી ખાઈ શકે તેવા ફળનું લિસ્ટ અહીં આપે છે.


1. કલિંગર: કલિંગરનો (GI-72) ત્યારે (GL-4) છે, તો જેમને ડાયાબિટીસ છે, તેઓ આ મોસમી ફળ ખાઈ શકે છે. કલિંગર શરીરને પૂરતું હાઇડ્રેશન પૂરું પાડે છે. સાથે સાથે એમાં રહેલા વિટામિન્સ, ખનિજ તત્વો તેમજ વિટામીન સી શરીરને ઉપયોગી થઈ રહે છે.

2. સ્ટ્રોબેરી: ભરપૂર વિટામીન સી ધરાવનાર સ્ટ્રોબેરી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનો (GI-41) તો (GL-3) છે. એટલે ડાયાબિટીસના દર્દી ખુશીથી આ ફળ પણ ખાઇ શકે છે. ઉપરાંત સ્ટ્રોબેરીમાં ફોલેટ તત્ત્વ છે. જે શરીરના ટિશ્યૂની વૃદ્ધિ માટે મદદરૂપ થાય છે. સ્ટ્રોબેરીમાં મેંગેનીઝ તેમજ પોટેશિયમ પણ મળી આવે છે. સ્ટ્રોબેરી ચામડીની તંદુરસ્તી માટે ઘણી સારી ગણાય છે.

3. ચેરી: ચેરીનો (GI-20) અને (GL-6) છે. ડાયાબિટીસના દર્દી ચેરીનો પોતાના ડાયેટમાં સમાવેશ કરી શકે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ચેરી હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણી લાભકારી છે. તેમજ નિંદ્રાની ગુણવત્તામાં પણ સુધારો લાવે છે.

4. પ્લમ: ડાયાબિટીસના દર્દી પ્લમ પણ નિશ્ચિત થઈને ખાઈ શકે છે. કારણ કે, તેનો (GI-40) અને (GL-2) છે. પ્લમ્સમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. સાથે તેમાં વિટામિન સી, એ અને વિટામિન કે મળી રહે છે. તેમજ ખનીજ તત્ત્વ જેવાં કે, મેંગેનીઝ, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ મળી રહે છે. પ્લમ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધુ કાર્યક્ષમ બનાવે છે.

5. સફરજન: સફરજનના સ્વાસ્થ્ય માટેના ફાયદા જાણીતા છે. સફરજનનો (GI-39) અને (GL-5)છે. તેમાં વિટામિન સી ભરપૂર છે તેમજ ફાઈબર છે, જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે. ઉપરાંત સફરજમાં પ્રિબાયોટિક ગુણ છે. જે શરીરમાં સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરે છે.

‘ડાયાબિટીસના દર્દીએ એક વાતની ખાસ નોંધ લેવી કે, તેમણે કોઇ પણ ફળ વધુ પ્રમાણમાં ન ખાવા. હંમેશા એનું પ્રમાણ મર્યાદિત રાખવું. તમે ફળ ખાવાનું પ્રમાણ ડોક્ટરની સલાહ લઇને નક્કી કરી શકો છો. ડોક્ટર તમને તમારા લોહીના ગ્લુકોઝ લેવલ પ્રમાણે કેટલા પ્રમાણમાં ફળ ખાવા તે જણાવી શકશે.’ ‘ડાયાબિટીસના દર્દીએ બીજી એક વાતની ખાસ નોંધી લેવી કે, તેમણે હેલ્ધી બ્લડ સુગર લેવલ જાળવવા માટે ફળોનો જ્યુસ પીવાનું ટાળવું. તેમણે ફળ હંમેશા ચાવીને ખાવા.’