રજવાડા ગયાં, પણ રાજકારણ ન ગયું…

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024માં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી વિરોધ કરી રહ્યો છે. હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપે 49 પૂર્વ રાજવીઓનું સમર્થન મેળવીને આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ રાજવી પરિવારના સભ્યોએ ક્ષત્રિયોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે. આ રાજવીઓ હાલ રાજકારણમાં સક્રિય ન હોવાથી તેમની અપીલ કેટલી અસરકારક રહેશે તે તો 4 જૂનના રોજ જ ખબર પડે. પરંતુ હાલ તો વાત કરીએ રાજકારણમાં સક્રિય રહેલાં કેટલાંક રાજવીઓની.આઝાદી સમયે સમગ્ર દેશમાં કુલ 562 રજવાડાઓ હતા. જેમાંથી ગુજરાતમાં અંદાજે 300થી વધુ નાના-મોટાં રજવાડાઓ હતા. જેઓ ભારત સંઘમાં ભળી ગયા. સ્વતંત્રતા પછી, રાજવીઓ માટે રાજનીતિમાં સક્રિય રહેવા માટે ચૂંટણી એ એકમાત્ર રસ્તો હતો. તેઓ શરૂઆતથી જ ચૂંટણીના મેદાનમાં રહ્યા હતા. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં બે રાજવી સ્પર્ધકો જોવા મળ્યા હતા – સાબરકાંઠાના ઇડરના મહારાજા હિંમતસિંહજી અને નવાનગરના મેજર જનરલ હિમતસિંહજી. જેઓ ક્રિકેટ જગતમાં જેમના નામની ગણના દિગ્ગજ ક્રિકેટર તરીકે થાય છે તેવાં મહારાજા રણજીતસિંહના ભત્રીજા હતા. તેમનાં ભાઈ દુલીપસિંહજી પણ જાણીતો ચહેરો હતો.બરોડા રાજ્ય, જેને બ્રિટિશ શાસન દરમિયાન 21 બંદૂકોની સલામીનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું, તેમાંથી સૌથી વધુ સંખ્યામાં શાહી દાવેદારો રાજનીતિમાં જોવા મળ્યા હતા. બરોડાના ગાયકવાડ પરિવારના સભ્યો અત્યાર સુધીમાં 10 સંસદીય ચૂંટણી લડી ચૂક્યા છે. રાજવી પરિવારના પ્રથમ વંશજ, ફતેહસિંહરાવ ગાયકવાડે 1957, 1962, 1971 અને 1977માં વડોદરા મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના નાના ભાઈ રણજીતસિંહ ગાયકવાડે 1980 અને 1984માં સફળતાપૂર્વક ચૂંટણી લડી હતી. તેઓ 1989માં ભાજપના દીપિકા ચીખલીયા સામે હારી ગયા હતા. તેમના પત્ની શુભાંગિનીરાજે 1996માં ચૂંટણી હારી ગયા હતા. જ્યારે સત્યજીતસિંહ ગાયકવાડ ભાજપના ઉમેદવાર સામે માત્ર 17 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. વડોદરાના રાજવી પરિવારના અન્ય સભ્ય, દેવયાનીદેવી અશોકરાજે ગાયકવાડ, 1998માં અખિલ ભારતીય રાષ્ટ્રીય જનતા પાર્ટી (AIRJP)ની ટિકિટ પર સામાન્ય ચૂંટણી લડ્યા હતા. સત્યજીતસિંહે 2009 સુધી INCના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું ચાલુ રાખ્યું પરંતુ તેમને સફળતા મળી ન હતી.કચ્છનો રાજવી પરિવાર જેને બ્રિટિશ શાસન દરમિયાન 17 બંદૂકોની સલામી આપવામાં આવતી હતી. તેમણે પણ રાજનીતિમાં બે વાર હાથ અજમાવ્યો હતો. હિમતસિંહજી વિજરાજજી ગુજરાત રાજ્યની રચના બાદ 1962માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. જો કે, યુવરાજ પૃથ્વીરાજસિંહજી 1971ની સામાન્ય ચૂંટણીમાં INC (O) ઉમેદવાર તરીકે સફળ થયા ન હતા.

નવાનગર રાજ્યના રાજવી કે જેને બ્રિટિશ શાસન દરમિયાન 15 બંદૂકોની સલામી આપવામાં આવતી હતી. તેમાંથી ડી. પી. જાડેજાએ 1971માં જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની રાજકિય યાત્રા શરૂ કરી હતી. તેઓ 1980 અને 1984માં એમ કુલ ત્રણ વખત સાંસદ પદે રહ્યા હતા. જ્યારે 1971થી 1977 સુધી તેઓ ધારાસભ્ય પણ રહ્યા હતા.ધ્રાંગધ્રાના શ્રીરાજ મેઘરાજ સુરેન્દ્રનગર બેઠક પરથી બે સંસદીય ચૂંટણી લડ્યા હતા અને 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા. વાંકાનેર રજવાડાના દિગ્વિજયસિંહજી ઝાલા 1980 અને 1984માં સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટાયા હતા પરંતુ 1989માં હારી ગયા હતા. દેવગઢ બારિયાના મહારાવ જયપાલસિંહજીએ 1980ના દાયકામાં ગોધરા મતવિસ્તારનું બે વાર પ્રતિનિધિત્વ કર્યું હતું. આમાંના મોટાભાગના શાહી દાવેદારો અલગ-અલગ સમયે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના જુદાં-જુદાં જૂથોમાંથી ઉમેદવાર રહ્યા હતા. કેટલાકે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી.

મોટા ઉપરાંત, નાના રજવાડાઓના વડવાઓએ પણ ચૂંટણીમાં ભાગ લીધો છે અને સંસદમાં ગયા છે. મોગરના ઠાકોર સાહેબ નટવરસિંહ સોલંકીએ કપડવંજનું બે વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ઘોડાસરના ફતેહસિંહજી ડાબીએ 1957માં કૈરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે અગાઉ બંધારણ સભામાં ગુજરાતના નોન-સેલ્યુટ રાજ્યોના પ્રતિનિધિ પણ હતા. કેરવાડાના નાના રજવાડાના ઠાકોર માનસિંહજી ભાઈસાહેબે પાંચમી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ગુજરાતના રજવાડાંઓમાંથી હાલમાં રાજનીતિમાં સક્રિય રાજા-મહારાજાઓમાં વાંકાનેરના કેશરીદેવસિંહ ઝાલાનો સમાવેશ કરી શકાય. કેશરીદેવસિંહ ઝાલાએ 2011માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ સાથે જોડાયને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રભારી હતા. તેઓ એક ટર્મ માટે રાજકોટના જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને એક ટર્મ માટે મોરબી જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ પદે રહ્યા હતા. કેસરીદેવસિંહ ઝાલા, 17 જુલાઈ 2023ના રોજ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.ભાવનગર નજીકના હનુભાના લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ રાજ્ય સભાના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. જો કે, એક સમય એવો હતો જ્યારે 1980ના દાયકામાં સતત બે ચૂંટણીઓમાં રાજવી પરિવારના પાંચ જેટલાં સભ્યોને એકસાથે લોકસભામાં મોકલવામાં આવ્યા હતા.