ડિરેક્ટરઃ અદ્વૈત ચંદન
કલાકારોઃ ઝાયરા વસીમ, મેહેર વીજ, રાજ અર્જુન, આમીર ખાન
અવધિઃ 150 મિનિટ્સ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ★
મારા ભત્રીજા પ્રિયાંશને સ્કૂલમાં સૌપ્રથમ વાર અર્થ એટલે કે પૃથ્વી એટલે આપણી વસુંધરા પર પ્રોજેક્ટ બનાવવાનો આવ્યો ત્યારે એ એટલો ઉત્સાહિત હતો કે એણે એની બધી એનર્જી, પોતે અર્થ વિશે જે કંઈ જાણતો હતો એ બધું પ્રોજેક્ટમાં ઠાલવી દીધું. લેખક-દિગ્દર્શક અદ્વૈત ચંદને પણ ઓવરએક્સાઈટેડ સ્કૂલી બચ્ચાંની પોતાની પહેલી ફિલ્મ બનાવી છે. કૉમેડી, ટ્રેજેડી, ઈમોશન, ડ્રામા, ઓવરડ્રામા બધું જ એમાં ઠાલવી દીધું. બટ ઓવરઑલ, ફિલ્મ પ્રેક્ષકને દોઢસો મિનિટ પકડી રાખે છે અને એ જ ઈમ્પોર્ટન્ટ છે.
ઈન્ટરવલ પહેલાં કથાગૂંથણી સરસ કરવામાં આવી છેઃ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારની 14-15 વર્ષની ઈન્સિયા (ઝાયરા વસીમ) એક ફિલ્ડ ટ્રિપ પરથી વડોદરા પાછી ફરી છે, ટ્રેનમાં સ્ટુડન્ટ્સ અંતકડી-બંતકડી રમે છે, ‘મ’ પરથી ‘મુન્ની બદનામ હુઈ’ ગવાય છે, પરાણે એમાં ભાગ લેતી લેતી ઈન્સિયા આશભરી નજરે બારીની બહાર તાક્યા કરે છે. સ્ટેશન પર અમ્મી (મેહેર વીજ) લેવા આવી છે. અમ્મીની આંખ તળે કાળાં કૂંડાળાં છે, લોહી જામી ગયું છે. વડોદરાના રસ્તા પર રિક્ષાની સાથે સાથે મા-દીકરીનો વાર્તાલાપ અવિરત ચાલે છે. ઘર આવે છે અને…
ઈન્સિયા અથવા ઈન્સુનું જીવનમાં એકમાત્ર ડ્રીમ છેઃ સિંગર બનવું. આ એટલા માટે શક્ય નથી કેમ કે એનો રૂઢિચુસ્ત, ફાટેલ પિયાલાનો, ઍબ્યુઝિવ અબ્બા (રાજ અર્જુન) સતત એને કન્ટ્રોલ કરે છે, વાતે વાતે પત્નીને ફટકારે છે… સદા સપોર્ટિવ માતા ઉપરાંત ઈન્સુનું વિશ્વ છેઃ સાથે રહેતાં બડી આપા, નાનો ભાઈ, સ્કૂલ-ફ્રેન્ડ ચિંતન (તીર્થ શર્મા) અને ગિટાર છે. પોતાની અંદર ભરેલી ઠાંસોઠાંસ ટેલન્ટને સંગીતપ્રેમી સમક્ષ મૂકવાનો ઈન્સુને એક રસ્તો જડે છેઃ એ બુરખો પહેરીને, ઘરમાં એક મ્યુઝિક વિડિયો બનાવી યુટ્યૂબ પર, પોતાની ચેનલ ‘સિક્રેટ સુપરસ્ટાર’ પર અપલોડ કરે છે અને… ચોતરફ જોરદાર ચર્ચા જામે છે. કરોડો ચાહક એ વિડિયો જુવે છે, અમિતાભ બચ્ચન જેવી અનેક સેલિબ્રિટી વિડિયોની લિન્ક ટ્વિટ કરે છે. ફેસબુક, ટ્વિટર પર સતત એની ચર્ચા ચાલે છેઃ કોણ છે આ ટીનેજ સેન્સેશન? શા માટે એણે ઓળખ છુપાવી છે? જાણીતો સંગીતકાર શક્તિ કુમાર (આમીર ખાન) એને પોતાની ફિલ્મમાં ગાવા આમંત્રણ આપે છે. ઈન્સિયા ચોરીછૂપી મુંબઈ જઈને ગીત રેકર્ડ કરે છે અને…
ઈન્ટરવલ પછી ફિલ્મ ધીરે ધીરે પ્રિડિક્ટેબલ બનતી જાય છે અર્થાત ઈન્ટરવલ પહેલાં સતત હવે શું? એવી ઉત્કંઠા જાગતી એ હવે ખતમ થઈ જાય છે. પ્રસંગ, સિચ્યુએશન્સ સગવડિયાં બનતાં જાય છે.
ફિલ્મમાં એકએક પાત્ર માટે કમાલનું કાસ્ટિંગ થયું છે. બળવાખોર ટીનેજર ઈન્સિયાના રોલમાં ઝાયરા વસીમને જોયા પછી એમ લાગે કે ‘દંગલ’માં તો એની પા ભાગની પ્રતિભા પણ બહાર આવી નથી. બાય ધ વે, ઝાયરાના ઘરેથી પણ એને ઍક્ટિંગમાં જવા પ્રોત્સાહિત કરવામાં આવી નહોતી એટલે અમુક અંશે એ એની પોતાની સ્ટોરી પણ છે. ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીની પાકિસ્તાની મા બનતી મેહેર વીજ માટે એક જ શબ્દઃ ફેન્ટાસ્ટિક. ઍબ્યુઝિવ બાપની ભૂમિકામાં અર્જુન- એ પરદા પર આવે છે ને ભયનું લખલખું પસાર થઈ જાય છે કે આ હવે શું કરશે? ફ્રેન્કલી, આમીર ખાન પોતાના પાત્રને અનુરૂપ લાઉડ ઍક્ટિંગ કરે છે જે ઑલરાઈટ વાત છે. ઈન્સિયાના સપોર્ટિવ સ્કૂલ ફ્રેન્ડ ચિંતનના રોલમાં વડોદરાના ‘જય અંબે વિદ્યાલય’માંથી આવતો તીર્થ શર્મા છે. વડોદરાની રંગભૂમિ પરથી આવતા તીર્થનો કૉન્ફિડન્સ કાબિલ-એ-તારીફ છે.
અમુક અવગુણ છતાં આ ફિલ્મ જોવા જેવી છે, કેમ કેઃ એમાં અદભુત કહેવાય એવા અભિનયનો અન્નકૂટ છે, સોશિયલી રેલેવન્ટ છે, શું કહીશું ગુજરાતીમાં? સામાજિક નિસબત ધરાવે છે, સંવેદનશીલ પ્રેક્ષકને હચમચાવી દેવા પૂરતી છે અને પ્રેરણાદાયી છે. જસ્ટ વૉચ, ઝાયરા વસીમની આશાભરેલી નજરું ને કાંતિમાન ચહેરો.
(જુઓ ‘સીક્રેટ સુપરસ્ટાર’ની એક ઝલક…)
httpss://www.youtube.com/watch?v=J_yb8HORges