ફિલ્મઃ રાઝી
કલાકારોઃ આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જયદીપ અહલાવત, શિશિર શર્મા
ડિરેક્ટરઃ મેઘના ગુલઝાર
અવધિઃ બે કલાક વીસ મિનિટ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ ★
”હમારે ઈતિહાસ મેં ઐસે કઈ લોગ હૈ જિન્હે કોઈ ઈનામ યા મેડલ નહીં મિલતા. હમ ઉનકા નામ તક નહીં જાનતે. ના હી ઉન્હે પેહચાનતે હૈ- સિર્ફ વતન કે ઝંડે પર અપની યાદેં છોડ જાતે હૈં”…
ડિરેક્ટર મેઘના ગુલઝારની ‘રાઝી’ ધ્વજ પર સ્મૃતિ છોડી ગયેલા એવા જ ‘કૂછ લોગ’ની કહાની છે. ફિલ્મ ઓપન થાય છે કશ્મીરી બિઝનેસમૅન હિદાયત ખાન (રજિત કપૂર)થી. એ વેપારાર્થે અવારનવાર પાકિસ્તાનની મુલાકાત લીધા કરે છે. એક્ચ્યુલી એ બન્ને દેશના એજન્ટ તરીકે રાધર, ડબલ એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. રાવલપિંડીના એમના ખાસ દોસ્તદાર બ્રિગેડિયર સૈયદ (શિશિર શર્મા)ને ખાતરી છે કે હિદાયત આપણો જાસૂસ છે. હકીકત એ છે સ્વાતંત્ર્યસેનાનીના બેટા હિદાયત ખાન ભારતીય ગુપ્તચર ખાતાના વિશ્વાસુ જાસૂસ છે. કમનસીબે હિદાયતનું આયખું હવે પૂરું થવામાં છે, પણ એ સમય, (1971નું વર્ષ) ઘણો બારીક છે, ટેન્શન બન્ને દેશમાં વધી રહ્યું છે. આ બધું ધ્યાનમાં રાખીને હિદાયત દિલ્હીમાં ભણતી એની લાડલી દીકરી સેહમત (આલિયા ભટ્ટ)ને ભારતનાં ‘આંખ-કાન’ બનાવીને પાકિસ્તાન મોકલવાનું નક્કી કરે છે- બ્રિગેડિયર સૈયદના બેટા ઈકબાલ (વિકી કૌશલ) સાથે નિકાહ પઢાવીને. હવે જોવાનું એ છે કે 19-20 વર્ષની નાજુકનમણી કૉલેજકન્યા સેહમત શું એનું મિશન પાર પાડી શકશે ખરી?
ભારતીય નૌકાદળના પૂર્વ અફસર હરીન્દર એસ. સિક્કાની નવલકથા ‘કૉલિંગ સેહમત’ પરથી મેઘના ગુલઝાર-ભવાની ઐય્યરે મળીને થોડા ફેરફાર સાથે સ્ક્રીનપ્લે-ડાયલૉગ્સ લખ્યાં છે. ‘યુદ્ધમાં યુદ્ધ જીતવું મહત્ત્વનું, બાકી બધું ગૌણ. હું પણ કંઈ નથી, તું પણ કંઈ નથીઃ સિર્ફ જંગ હી માયને રખતી હૈ!’ ફિલ્મમાં સેહમતને તાલીમ આપનાર બાહોશ અફ્સર (જયદીપ અહલાવત)ના મોંમાં આ સંવાદ મૂકવામાં આવ્યો છે, જે ફિલ્મનું હાર્દ બની રહે છે, તેમ છતાં યુદ્ધ જીતવાની ચૂકવાતી આકરી કિંમત (માનવજીવન) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
ઈન્ટરેસ્ટિંગ્લી, 1971ની આ જ ઈન્ડો-પાકિસ્તાન વૉરનાં બે વર્ષ બાદ ચેતન આનંદે આ લડાઈ પર આધારિત ‘હિંદુસ્તાન કી કસમ’ સર્જેલી. એ પહેલાં ચેતનજીએ 1964માં સિનો-ઈન્ડિયન વૉર ફિલ્મ ‘હકીકત’ સર્જેલી. ‘હિંદુસ્તાન કી કસમ’ની વાર્તા 1971ની લડાઈ દરમિયાન ઈન્ડિયન ઍર ફૉર્સના એક મિશનની આસપાસ ફરે છે. મિશન છેઃ ઈન્ડિયન ઍર ફૉર્સનાં રેડિયો સિગ્નલ બ્લોક કરતું પાકિસ્તાન ઍરફૉર્સનું રાડાર તોડી પાડવું. આ માટે ભારતનું ગુપ્તચર ખાતું મોહિની (પ્રિયા રાજવંશ) નામની કન્યાને પાકિસ્તાની પાઈલટ (અમજદ ખાન)ની ફિયોન્સે (વાગ્દત્તા) તાહિરા બનાવીને જાસૂસી કરવા પાકિસ્તાન મોકલે છે. તો ગયા વર્ષે આવેલી ‘ગાઝી ઍટેક’ પણ આ જ પૃષ્ઠભૂ પર રચાઈ હતી.
ફિલ્મમાં ઘણા પ્રશ્ન અનુત્તર રહે છે. જેમ કે, શા માટે ડબલ એજન્ટ બને છે? શા માટે એ પોતાની માસૂમ દીકરીને આટલા ખતરનાક મિશન પર મોકલી દે છે? શા માટે સેહમત આ માટે તૈયાર થઈ જાય છે? ને એ માટે તનમનને તોડી નાખતી તાલીમ પણ લે છે? જો કે કૉલિંગ સેહમતના લેખક કમાન્ડર હરીન્દર સિક્કાએ પણ એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે સેહમતના પિતાએ શા માટે એને પાકિસ્તાન મોકલી એ મને સમજાયું નહોતું.
જો કે આ બધા સવાલ, મૂંઝવણને થિયેટરની બહાર મૂકીને એક સારા સિનેમા, વિચારપ્રેરક કથા તથા આલિયા ભટ્ટ (અને બીજા બધા)ના ઉમદા અભિનય માટે ‘રાઝી’ અવશ્ય જોવી જોઈએ. ખાસ આલિયા- અભિનયમાં એનું ઊંડાણ, એની ઈન્ટેન્સિટી કાબિલ-એ-તારીફ છે. ડિરેક્શનમાં મેઘના ગુલઝારની સંવેદનશીલતા તથા બારીકમાં બારીક વિગત સ્પર્શી જાય છે. સંવાદમાં જાસૂસીની સાંકેતિક ભાષનો છુટ્ટેહાથ ઉપોયોગ થયો છે. જેમ કે, “છત ટપક રહી થી, પર અબ મરમ્મત હો ગઈ હૈ! (“કોઈને મારી પર શંકા હતી, પણ એનો ઉકેલ મેં આણી દીધો છે”).
ફિલ્મનો કાળ 1971નો છે એટલે સંગીતમાં ક્યાંય ઈલેક્ટ્રોનિક વાદ્યનો ઉપયોગ નથી થયો. જો કે આવી વાર્તામાં ગીત સમાવવાં એ સર્જક માટે પડકાર હતો, પણ મેઘનાએ બખૂબી આ કાર્ય પાર પાડ્યું છે. ગુલઝાર સાહેબનાં ગીત ને શંકર-એહસાન-લૉયનાં સ્વરાંકન કર્ણપ્રિય છે. એક તો, કન્યાવિદાયનું ‘દિલબરો’ સોંગ છે. આમાં એક પંક્તિ છેઃ ‘દેહલીઝ ઊંચી હૈ યે, પાર કરા દે’… અહીં પિયરનો ઉંબરો ઓળંગવાની વાત તો છે, સાથે જ દેશની સરહદ પણ ઓળંગવાની છે… તો એક સિચ્યૂઍશનમાં ‘અય વતન મેરે વતન આબાદ રહે તૂ’ સોંગ સેહમત ભારતને યાદ કરીને તો પાકિસ્તાની આર્મીનાં સ્કૂલી બચ્ચાં પાકિસ્તાનને સાંભરીને લલકારે છે. કહેવાનું તાત્પર્ય એ કે દરેક ગીતમાં આવા દ્વિ-અર્થ જોવા મળે છે.
ટૂંકમાં મસાલા ફિલ્મથી થોડી જુદી ને ટિપિકલ સ્પાય થ્રિલરમાં જુદી તરી આવતી ફિલ્મ જોવી હોય તો ‘રાઝી’ની ટિકિટ અચૂક બૂક કરાવો.
(જુઓ ‘રાઝી’નું ટ્રેલર)
httpss://youtu.be/YjMSttRJrhA