કરીબ કરીબ સિંગલઃ મોજીલો પ્રવાસ

ફિલ્મઃ કરીબ કરીબ સિંગલ

ડિરેક્ટરઃ તનુજા ચંદ્રા

કલાકારોઃ ઈરફાન ખાન, પાર્વતી તિરુવોતુ

અવધિઃ બે કલાક, આઠ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★ 1/2

મુંબઈની એક કૉફી શૉપમાં ત્રીશી વટાવી ગયેલી એક કન્યાને પોતાના સ્માર્ટ ફોન પર ફટાફટ ટાઈપ કરતી જોઈને સામે બેઠેલો એવો જ ત્રીશી વટાવી ગયેલો યુવાન કહે છેઃ “આપકી ઉંગલિયાં બહૌત બોલતી હૈ…” ‘કરીબ કરીબ સિંગલ’ની અનેક ખૂબીઓમાંની એક આ છેઃ સ્માર્ટ લેખન. બાકી અહીં વાર્તા, વળ-વળાંક નથી. બસ, છે મસ્તીભર્યા બે કલાક. કેટલીક સેન્સિટિવ મોમેન્ટ્સ અને મસ્તમજાના લોકેશન્સ.

મૂળ વાર્તા દિગ્દર્શક તનુજાબહેનનાં મમ્મી, જાણીતાં વાર્તાકાર કામના ચંદ્રાએ ઘણાં વર્ષ પહેલાં લખેલી. યુવા વયે વિધવા થયેલી જયા (મલયાલમ સિનેમાની બહેતરીન અદાકારા પાર્વતી તિરુવોતુ) દસ વર્ષથી સિંગલ છે. એક ડેટિંગ વેબસાઈટ પર એ પોતાની વિગત મૂકે છે ને લો, મિસ્ટર યોગી (ઈરફાન ખાન, રાબેતા મુજબ, સુપર્બ) એને જવાબ આપે છે. બન્ને કૉફી શૉપમાં મળે છે. ત્રીશી વટાવી ગયેલાં યોગી અને જયા સ્વભાવે પરાઠા ને પિઝા જેટલા વિરુદ્ધ છે. જયા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની ટૉપ પોસ્ટ પર છે, છ આંકડાનો પગાર લે છે, જાતે કાર ડ્રાઈવ કરે છે, સતત લૅપટૉપ પર ટિંગાયેલી રહે છે ને અમેરિકામાં ભણતા નાના ભાઈ સાથે સ્કાઈપ-ચૅટિંગ કરે છે. યોગીને આ બધાં સાથે કંઈ લેવાદેવા નથી. ખાસ કરીને ઈન્ટરનેટ. એ હિંદી ભાષામાં કવિતા લખે છે. ભૂતકાળમાં એના ત્રણેક સંબંધવિચ્છેદ થયા છે. લાતે કૉફી પીતાં પીતાં, ટોક-વિધિન-ટોકમાં યોગી પ્રસ્તાવ મૂકે છે કે ત્રણેય પૂર્વ પ્રેમિકાના મેળાપ અર્થે એક પ્રવાસ પર જવું. અને આમ શરૂ થાય છે એક મોજીલી જર્ની, જે પ્રેક્ષકને દેહરાદૂનથી ઋષિકેશ, જયપુર, ગંગટોક જેવાં પિક્ચર પોસ્ટકાર્ડ લોકેશન પર લઈ જાય છે.

યોગી-જયાનો આ પ્રવાસ ભૂતકાળને શોધવાનો તો છે જ, સાથે એકબીજાને, પોતપોતાને શોધવાનો પણ છે. સંજય દત્ત-કાજોલને ચમકાવતી 1998માં આવેલી ‘દુશ્મન’થી લઈને ‘સંઘર્ષ’ અને ‘ઝિંદગી રૉક્સ’ જેવી ફિલ્મનાં ડિરેક્ટર તનુજા ચંદ્રા લાંબા અરસા બાદ રિલેશનશિપ ડ્રામાના ચુસ્ત લેખન (સહલેખિકાઃ ગઝલ ઢાલિવાલ) સાથે  આવ્યાં છે. લાંબા સમય પછી એક ખરા અર્થમાં મજેદાર રોડ રોમાન્સ જોયાનો સંતોષ થયો. ઈન ફેક્ટ, ફિલ્મ જોતાં એવું લાગે કે યોગી-જયાના આ પ્રવાસનો અંત જ ન આવે. બસ એ આમ ચાલ્યા જ કરે… અને લાંબા સમય પછી હીરોઈન એક ફ્રૅશનેસ લઈને આવી છે. અલબત્ત, ઈરફાન કમાલનો, પણ ખરેખર ફિલ્મને સતત ધબકતી રાખે છે પાર્વતી.

સો, ઓવરઑલ, જોવેબલ ફિલ્મ. એન્જૉય વીકએન્ડ.

(‘કરીબ કરીબ સિંગલ‘નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=MU4QL-VwDlc