પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણઃ મિશન પોસિબલ

ફિલ્મઃ પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ

કલાકારોઃ જોન અબ્રાહમ, ડાયના પેન્ટી, બમન ઈરાની

ડિરેક્ટરઃ અભિષેક શર્મા

અવધિઃ બે કલાક દસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવાનું એક ભયસ્થાન એ કે પ્રેક્ષકને વાર્તા, એનો અંત ખબર હોય છે, એટલે ફિલ્મ એવી હોવી જોઈએ કે એનો રસ જળવાઈ રહે. અભિષેક શર્મા એ રીતે અહીં સફળ થયા છેઃ 11 મે, 1998ના રોજ ભારત રાજસ્થાનના પોખરણમાં અણુધડાકા કરી વિશ્વ કક્ષાનો ન્યુક્લિયર પાવર કન્ટ્રી બન્યો એ આપણે બધા જાણીએ છીએ. આમ છતાં દિગ્દર્શક તથા એમના સહ-લેખકો સાઈવિન ક્વાડ્રાસ-સંયુક્તા શેખ ચાવલાએ આ ન્યુક્લિયર બ્લાસ્ટ તથા એની તૈયારીની આસપાસની નાનીમોટી વિગતો શોધી કાઢીને સુવાંગ કથા-પટકથા લખી છે.

ફિલ્મનો આરંભ થાય છે પ્રાઈમ મિનિસ્ટર ઑફિસમાં સરકારી અફસરોની મિટિંગથી. 1995નું વર્ષ. વડા પ્રધાનના અંગત સલાહકારે આ મિટિંગ બોલાવી છે, કેમ કે ચીનએ સતત અણુધડાકા કર્યા છે ને એ પાકિસ્તાન તરફ ઝૂકી રહ્યું છે. ચા-સમોસાની રાહ જોતા ટિપિકલ સરકારી બાબુ વિચિત્ર સૂચન કર્યા કરે છે (“ચાઈનીસ માલનો બહિષ્કાર કરવો જોઈએ” અથવા “ઈસ સાલ ચીનીઓં કો આફૂસ આમ નહીં ભેજેંગેં”) પણ અશ્વથ રૈના (જૉન અબ્રાહમ) પાસે જુદો પ્લાન છે. એ કહે છે કે આપણે પણ અણુપરીક્ષણ કરી દુનિયાને આપણી તાકાત બતાવી આપવી જોઈએ. સૌ એને હસી કાઢે છે, પણ પીએમના સચિવ પ્રધાન મંત્રીને વિશ્વાસમાં લઈને, જાણે આખો પ્લાન પોતાનો હોય એ રીતે રજૂઆત કરી અણુપરીક્ષણ કરાવે છે, પણ અમેરિકાને આખી વાતની ગંધ આવી જાય છે, ખરાબ રીતે યોજના પડી ભાંગે છે. દુનિયાભરમાં ભારતનું નીચાજોણું થાય છે, જે માટે અશ્વથ રૈનાને બલિનો બકરો બનાવી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે… એ પછી, દેશમાં અટલ બિહારી વાજપેઈની સરકાર આવે છે. એમની સાથે આવે છે નવા ભારાડી પ્રિન્સિપલ સેક્રેટરી બ્રજેશ મિશ્રા. જો કે ફિલ્મમાં એમના કેરેક્ટરને નામ આપવામાં આવ્યું છે હિમાંશુ શુક્લા (બમન ઈરાની). અશ્વથને આ મિશન પર ફરીથી કામ કરવાનું કહેવામાં આવે છે. અશ્વથ તત્કાળ ડીઆરડીઓ, બીએઆરસી, આઈએસએ જેવી એજન્સીના છ ચુનંદા એક્સપર્ટ્સની ટીમ બનાવે છે અને…

પોખરણ પર સતત મંડરાયેલા રહેતા અમેરિકાના પાવરફુલ સૅટેલાઈટ (કેમ કે એ આ ન્યુક્લિયર ટેસ્ટની સખ્ત ખિલાફ હતું), અમેરિકા-પાકિસ્તાનના જાસૂસો, અપૂરતો સમય, ટાંચાં સાધન, દિલ્હીમાં સરકાર પડી ભાંગવાનું જોખમ, વગેરે જેવી ઘટનાના તાણાવાણા દિગ્દર્શક તથા એમનાં લેખકોએ એવી બ-ખૂબી વણ્યા છે કે છેક સુધી ફિલ્મમાં રસ જળવાઈ રહે છે. એક સમાંતર ચાલતી વાર્તા છે ગુપ્તતાને કારણે જોખમમાં આવી પડેલું અશ્વથ રૈનાનું લગ્નજીવન.

ફિલ્મમાં ડ્રામા લાવવા તથા એને એન્ટરટેનિંગ બનાવવા સર્જકે નાનીમોટી છૂટછાટ લીધી છે. જેમ કે અશ્વથનું પાત્ર, જે કાલ્પનિક છે, પણ વાર્તા જ એના દષ્ટિકોણથી કહેવામાં આવી છે, ક્યાંક ક્યાંક એવુયે લાગે કે પ્રેક્ષકને ચમચીથી ચાટણની જેમ બધું કહેવામાં આવે છે- જેમ કે સૅટેલાઈટ રીતે કામ કરે છે એ સરળ ભાષામાં આ સમજાવવામાં આવ્યું છે. આ પણ જરૂરી છે કેમ કે વિષય જ એવો છે. મૂળ વાત એ છે કે પ્રેક્ષકનો રસ છેક ધી એન્ડ સુધી જળવાઈ રહે છે. બીજું બધું ગૌણ છે.

જૉન અબ્રાહમને સરકારી બાબુ તરીકે કલ્પવો એ જરા અઘરું છે, પણ કહેવું પડે કે એણે મહેનત ખૂબ કરી છે. ઑનેસ્ટલી, છ એક્સપર્ટ્સમાંની એક, ઈન્ટેલિજન્ટ ઑફિસર અંબાલિકા તરીકે ડાયના પેન્ટી નથી જામતી. જૈસલમેરના રણવિસ્તારમાં આટલો બધો મેક-અપ, હૅરસ્ટાઈલ ને ફાંકડાં કપડાં શું કામ? બીજા એક્સપર્ટ્સના રોલમાં કલાકારો પણ પોતાની છાપ છોડી શક્યા નથી, પણ દિગ્દર્શકને આવો અઘરો વિષય મનોરંજક અંદાજમાં રજૂ કરવા માટે શ્રેય આપવું પડે. હું ત્રણ સ્ટાર સાથે આ ફિલ્મ જોવાની ભલામણ જરૂર કરીશ.

(જુઓ ‘પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ’નું ટ્રેલર)

httpss://youtu.be/sA8GhjL664A