ફિલ્મઃ ઈત્તેફાક
ડિરેક્ટરઃ અભય ચોપરા
કલાકારોઃ અક્ષય ખન્ના, સિદ્ધાર્થ મલહોત્રા, સોનાક્ષી સિંહા
અવધિઃ આશરે દોઢ કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ
ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2
ધત્તેરીકી…. મુંબઈમાં થયેલી બે ચકચારભરી હત્યાની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચનો અફસર ઘરમાં બેસીને એક સસ્પેન્સ નૉવેલ વાંચી રહ્યો છે. એની પત્ની રૂમમાં ડોકિયું કરે છે. એના મોં પર મસ્તીખોર સ્માઈલ છેઃ ‘તને ખબર છે, આપણે ‘ગુપ્ત’ જોવા ગયેલા ત્યારે ટિકિટ ખરીદતી વખતે જ તેં મને કહી દીધેલું કે ફિલ્મમાં ખૂન કાજોલે કર્યું છે. આજે મારો વારો. તું જે વાર્તા વાંચી રહ્યો છે એમાં હીરો ડ્રગના ઓવરડોઝથી મરી ગયો હોય છે’!’
આ સીન જોઈને મને વિચાર આવ્યો કે ધારો કે સોની મૅક્સ ચૅનલવાળા ભૂલથી ‘સૂર્યવંશમ’ને બદલે ‘ગુપ્ત’ લગાડે ને જેણે એ નથી જોઈ, પણ ‘ઈત્તેફાક’ જોઈ છે એનો તો બિચારાનો ‘ગુપ્ત‘ જોવામાંથી રસ જ ઊડી જાય, નહીં? જસ્ટ જોકિંગ.
1969માં સર્જાયેલી ‘ઈત્તેફાક’ આજના સ્માર્ટ મોબાઈલ ફોન્સ, વૉટ્સઍપ, વૉકીટૉકીના જમાનાના યુવા સર્જકે કેવી બનાવી હશે એવા કુતૂહલ સાથે હું ‘ઈત્તેફાક’ જોવા ગયો. ઑલરાઈટ ઑલરાઈટ, જેમને ખ્યાલ નથી એમને જણાવી દઉં કે 1969માં બીઆર ચોપરા નિર્મિત, યશ ચોપરા દિગ્દર્શિત રાજેશ ખન્ના-નંદા અભિનિત ‘ઈત્તેફાક’ એ જ બીઆર ચોપરાના યુવા પૌત્ર અભય ચોપરા ‘ઈત્તેફાક’ લઈને આવ્યા છે. મૂળ ‘ઈત્તેફાક’ આપણા પ્રવીણ જોશી દિગ્દર્શિત ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ પરથી બનેલી એ જસ્ટ…
1969ની ફિલ્મમાં પેઈન્ટર દિલીપ રૉય (રાજેશ ખન્ના) પર પત્નીની હત્યાનો આરોપ છે, પણ કોર્ટને એની માનસિક હાલત ઠીક ન લાગતાં એને પાગલખાનામાં મોકલી આપે છે. તક મળતાં એ પાગલખાનામાંથી ભાગીને એક બંગલામાં આશરો લે છે. પિસ્તોલની અણીએ એ બંગલાની માલિકણ (નંદા)ને તાબામાં લે છે. માલિકણનો પતિ કામસર બહારગામ ગયો છે. પોલીસ ઈન્સ્પેક્ટરો (ઈફ્તિખાર, સુજીત કુમાર) પેઈન્ટર દિલીપ રૉયને શોધી રહ્યા હોય છે. એ જ્યારે પેલા ઘરમાં પહોંચે છે ત્યારે એમને ગૃહિણીના પતિની પણ લાશ મળે છે. હવે મામલો ડબલ મર્ડરનો થઈ જાય છે.
જ્યારે નવી ‘ઈત્તેફાક’માં મૂળ ભારતીય, પણ લંડનમાં સેટલ થયેલો બેસ્ટસેલર લેખક વિક્રમ સેઠી (‘કપૂર ઍન્ડ સન્સ’ પછી ફરી એક વાર એનઆરઆઈ રાઈટર બનતો સિદ્ધાર્થ મલ્હોત્રા) પોતાની નવી નવલકથાના લોકાર્પણ માટે મુંબઈ આવ્યો છે. સંયોગથી દિલની દરદી એવી એની ગોરી પત્ની કૅથરીનનું રહસ્યમય સંજોગમાં મોત થાય છે, જેનો આરોપ વિક્રમ સેઠી પર છે. પોલીસ એની ધરપકડ કરે છે, પણ બેદરકાર મુંબઈ પોલીસને હાથતાળી આપી એ કફ પરેડ પરના એક ઘરમાં ઘૂસે છે. ઘરની માલિકણ માયા (સોનાક્ષી સિંહા) એના પાશમાંથી છટકી પોલીસને જાણ કરે છે. પોલીસને લઈ માયા ઘેર પહોંચે છે ત્યારે એમને વિક્રમ તો મળે છે, પણ સાથે મળે છે માયાના પતિ ઍડવોકેટ શેખર સિંહાની ડેડબૉડી. આમ અહીં પણ મામલો ડબલ મર્ડરનો છે. 107 મિનિટની ફિલ્મ આ એક સવાલની આસપાસ ફરે છેઃ બન્ને ખૂન કર્યાં કોણે? વિક્રમે? કે પછી એક વિક્રમે ને એક માયાએ? ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર છેઃ ક્રાઈમ બ્રાંચનો બાહોશ અફસર દેવ (અક્ષય ખન્ના).
તો, કેવી છે નવી ‘ઈત્તેફાક’? પહેલી વાત તો એ કે આ ફિલ્મને પુરાણી ફિલ્મનું પુનઃ સર્જન (રિમેક) કહેવી એ ગલત ગણાશે. સર્જકે મૂળ ફિલ્મનો આત્મા યથાવત રાખી અનેક નવા વળવળાંક ઉમેર્યા છે, જેને કારણે પ્રેક્ષક એન્ડ ટાઈટલ્સ સુધી પોતાની સીટ સાથે જકડાઈ રહે છે. કેસ સૉલ્વ થઈ ગયા પછી પણ. આ જ લેખક-દિગ્દર્શક (લેખકોઃ અભય ચોપરા-શ્રેયસ જૈન-નિખિલ મેહરોત્રા)ની જીત છે.
બીજું, સસ્પેન્સ ફિલ્મની પહેલી શરત એ કે અંત સુધી પ્રેક્ષકની ઉત્કંઠા-ટેન્શન જળવાઈ રહેવાં જોઈએઃ ખૂન કોણે કર્યું હશે? એ સવાલ તથા એક પછી એક બનતા પ્રસંગોથી ટેન્શનનો માહોલ બન્યો રહેવો જોઈએ. અહીં આમ કરવામાં સર્જક સફળ થયા છે. જો કે પટકથામાં ઘણાં બાકોરાં છે, જેનાં વર્ણનથી આ રિવ્યૂ સ્પૉઈલર બની શકે અથવા તમારી મજા બગાડી શકે. જો કે એકાદ કહેવામાં વાંધો નથીઃ યુકે-બેઝ્ડ નામાંકિત નૉવેલિસ્ટને પોલીસતપાસ દરમિયાન એક લૉયર રાખવા દેવામાં ન આવે?
આમ છતાં નીતિન બૈદનું ચુસ્ત, ધારદાર એડિટિંગ અને સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય ખન્ના તથા સહકલાકારોના અભિનય ફિલ્મને જોવાલાયક બનાવે છે. ખાસ તો, અક્ષય-સિદ્ધાર્થ. સિદ્ધાર્થના પાત્રનાં અનેક આવરણ હોવા છતાં એણે કમાલનું કામ કર્યું છે. સોનાક્ષીને બહુ ઓછી સ્ક્રીનસ્પેસ મળી છે, પણ એ ઓક્કે છે. ટૂંકમાં, આપણે ત્યાં આંગળીના વેઢે ગણાય એટલી બને છે એવી, ગીતવિહોણી સસ્પેન્સ થ્રિલરના તમે શોખીન હોવ તો ટિકિટ કઢાવો ને જોઈ કાઢો.
(‘ઈત્તેફાક’નું ટ્રેલર)
httpss://www.youtube.com/watch?v=mvfvoCdPrII